આસારામને એશોઆરામ: આસારામની 17 દિવસની પેરોલની અરજી જોધપુર હાઈકોર્ટે કરી મંજૂર
HC Granted Parole to Asaram: સગીર પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને જોધપુર હાઈકોર્ટે 17 દિવસની પેરોલ આપી છે. આ 17 દિવસોમાં મુસાફરીના 2 દિવસનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, આસારામ 15 ડિસેમ્બર સુધી જોધપુરથી મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલ માટે સારવાર માટે રવાના થઈ શકે છે. હાલ આસારામ જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
નોંધનીય છે કે, અગાઉ આસારામ 10 નવેમ્બરથી 30 દિવસ માટે પેરોલ પર જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. મંગળવારે પેરોલનો સમયગાળો પૂરો થયો હતો. આ પછી આસારામે પુણેની માધો બાગ હોસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માંગી હતી. તેના પર જસ્ટિસ દિનેશ મહેતા અને વિનીત માથુરની બેન્ચે આસારામને માધો બાગ હોસ્પિટલમાં સારવાર માટે 15 ડિસેમ્બરથી 17 દિવસ માટે પેરોલ આપી છે.
હાઈકોર્ટના આદેશ બાદ આસારામ જોધપુરની આરોગ્ય હોસ્પિટલથી સીધા હવાઈ માર્ગે મહારાષ્ટ્ર જઈ શકશે. બાકીની પ્રક્રિયા માટે તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં જવાની જરૂર નહીં પડે. આસારામ છેલ્લા ઘણા સમયથી પેરોલ માટે પ્રયાસ કરી રહ્યા હતા. 11 વર્ષમાં પહેલીવાર કોર્ટે આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમની અરજી સ્વીકારી હતી. તે સમયે પણ તેમને જોધપુરની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.