રાજસ્થાનના CM ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી, દૌસાની શ્યાલાવાસ જેલમાંથી આવ્યો ફોન

રાજસ્થાન: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને આજે બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દૌસાની શ્યાલવાસ જેલમાં બંધ એક કેદીએ સવારે 2 વાગ્યે જયપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી.
આઈજી જયપુર રેન્જ અનિલ ટાંકે જણાવ્યું હતું કે, રાત્રે જયપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે પોલીસકર્મીઓને કહ્યું હતું કે તે મુખ્યમંત્રીને મારી નાખશે. જ્યારે પોલીસે કોલના આધારે લોકેશન ટ્રેસ કર્યું, ત્યારે તે દૌસા જેલ હોવાનું બહાર આવ્યું. આના પર દૌસા પોલીસ અને જયપુર પોલીસની ટીમે તે જ રાત્રે શોધખોળ કરી અને દાર્જિલિંગના રહેવાસી એક આરોપીની અટકાયત કરી. અહીં સ્પેશિયલ સેન્ટ્રલ જેલમાં પોલીસે વધુ 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આરોપી યુવકે ફોન પર ધમકીઓ આપવાની વાત સ્વીકારી છે. હવે પોલીસ જેલમાં જ કેદીની પૂછપરછ કરી રહી છે.
શરૂઆતની પૂછપરછ દરમિયાન કેદીએ કહ્યું હતું કે કોઈ દવા ખાધા પછી તે બેભાન થઈ ગયો હતો અને દવા ખાધા પછી જ તેણે તે ફોન કોલ કર્યો હતો. જોકે, પોલીસ તેના જવાબોથી સંતુષ્ટ નથી અને તેથી તેની ફરીથી પૂછપરછ કરવામાં આવશે.
બીજી તરફ, દૌસાના એસપી રંજીતા શર્માએ જણાવ્યું હતું કે, જેલમાંથી 10 મોબાઈલ મળી આવ્યા છે. દૌસા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આટલી મોટી સંખ્યામાં મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા?
6 મહિના પહેલા પણ મળી હતી ધમકી
મુખ્યમંત્રીને આવી જ ધમકી મળી હતી જેમાં જયપુર સેન્ટ્રલ જેલમાં 5 વર્ષથી બંધ પોક્સો એક્ટના કેદીએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી અને પછી મોબાઈલ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પછી પોલીસ ટીમે તાત્કાલિક ટેકનિકલ ધોરણે તપાસ શરૂ કરી અને ધમકી આપનાર આરોપીની ઓળખ કરી હતી.