January 8, 2025

અજમેરમાં ખૂની ખેલ: ફાયરિંગમાં એકનું મોત, અનેક ઘાયલ

Bloody clash in Ajmer: રાજસ્થાનના અજમેર જિલ્લામાં રવિવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય કેટલાંક ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રૂપનગઢ વિસ્તારમાં જમીનના ટુકડા પર બાંધકામને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે કથિત રીતે જૈન સમુદાયના જૂથ સાથે સંબંધિત છે. એક જૂથે બાંધકામનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે સરપંચે ખોટી રીતે જમીન લીઝ પર આપી હતી, જોકે માલિક જૈન સમુદાય આ બાબતથી દૂર છે. કથિત ફાયરિંગની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

આ ઘટનામાં ગ્રામજનો દ્વારા એક જેસીબીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ડરના માર્યા વાહનચાલકો જેસીબી મૂકીને ભાગી ગયા હતા જ્યારે એક વાહન પણ નાળામાં પડી ગયું હતું. લોહિયાળ અથડામણ અને ગોળીબાર બાદ રૂપનગઢ બસ સ્ટેન્ડ અને મુખ્ય બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું. ઘટના બાદ પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત છે અને બદમાશોની શોધ કરવામાં આવી રહી છે. ત્યાં હજુ પણ તણાવ છે.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક સત્યનારાયણે કહ્યું કે કેટલાક લોકો વિવાદિત સ્થળ પર દુકાન બાંધવા આવ્યા હતા અને અન્ય જૂથના લોકો પણ તે જમીન પર માલિકી હક્ક બતાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે એક જૂથ જમીન પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માંગતો હતો, ત્યારે બીજા જૂથે વિરોધ કર્યો હતો. બે જૂથો વચ્ચે શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે એક પક્ષે બીજા પક્ષે ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને એક વ્યક્તિની અટકાયત કરી હતી. બે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.