રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં 8 ઈંચ વરસાદ
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના 27 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એવામાં રાજ્યમાં છેલ્લા 12 કલાક દરમિયાન પડેલા વરસાદની આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 8 ઈંચ વરસાદ ખાબકી જતા શહેર અને જિલ્લાના રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા 12 કલાકની વાત કરીએ તો રાજકોટના લોધીકા અને કોટડા-સાંગાણીમાં 7.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર વિસ્તારમાં પણ 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં પણ 7.5 ઈંચ વરસાદ, જામનગરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાં જ રાજ્યમાં 112 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર અસલી CISF જવાનના હાથે ઝડપાયો નકલી CISF જવાન
રાજ્યમાં સાંજે 4 વાગ્યાથી 6.00 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના નળિયાદમાં 1.5 ઈંચ વરસાદ, પોરબંદરના રાણવાવમાં 1.5 ઈંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાં જ રાજ્યના 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે બે વ્યક્તિના મોત
લલુડી વોંકળી વિસ્તારમાં અશ્વિન તન્ના નામના 45 વર્ષીય વ્યક્તિનું વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે તો જેતપુરના રૂપાવટી ગામે 27 વર્ષીય પિયુષ સાદીયા નામના વ્યક્તિનું વરાસાદી પાણીમાં તણાઈ જવાના કારણે મોત નિપજ્યું છે.