September 8, 2024

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ, બોરસદમાં મેઘરાજાની ખતરનાક બેટિંગ

ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિનું નર્માણ થયું છે ત્યાં જ સુરત, વડોદરા, અને પોરબંદમાં પૂરથી તબાહીની દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યના પશ્ચિમ કિનારા પર છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ યથાવત છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ યથાવત છે.

IMD એ ગુરુવારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યાં જ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે તો વડોદરામાં સાડા 8 ઈંચ, તિલકવાડામાં સવા 8 ઈંચ વરસાદ, પાદરામાં 8 ઈંચ, ભરૂચમાં સવા 7 ઈંચ વરસાદ, ખેરગામમાં સવા 6 ઈંચ, નસવાડીમાં 6 ઈંચ વરસાદ, સુબીરમાં પોણા 6 ઈંચ, નાંદોડમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે. અહીં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ છે. મોડાસા અને બાયડ તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ધનસુરામાં એક ઇંચ વરસાદ, ભિલોડા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

હાંસોટના સાહોલ ગામ નજીક માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા
બીજી તરફ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. અહીં સતત વરસી રહેલા વરસાદથી હાઈવે પર પાણી ભરાયા છે. જેના કારણે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાંસોટના સાહોલ ગામ નજીક માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે.

વિશ્વામિત્રી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન કરાયા
ઉપરનવાસમાં ધોધમાર વરસાદ પડતા અને પાણીની પુષ્કળ આવક થતા આજવા સરોવરનું લેવલ 212. 21ફૂટ એ પહોંચ્યું છે, જેના કારણે હાલમાં આજવા સરોવરના દરવાજા 211 ફૂટે સેટ કરાયા છે.

સરકારની ગાઈડલાઈન મુજબ દરવાજા સેટ કરી દેવામાં આવ્યા છે. હાલમાં આજવા સરોવરમાંથી પાણી ઓવરફલો થવાની શરૂઆત થઈ ગઈ છે.

હવે આ સરોવરમાંથી નીકળેલું પાણી વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ થશે. આજવા સરોવરના પાણી આવતા વિશ્વામિત્રી નદી 26 ફુટ પર પહોંચી ગઈ છે. જેના કારણે વિશ્વામિત્રી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન કરાયા છે.