November 22, 2024

વરસાદે મચાવ્યો કહેર, રાજ્યમાં 4 દિવસમાં 28 લોકોના મોત

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. તો આ મેઘમહેર ઘણી જગ્યાએ પૂરનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જેને કારણે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રાજ્યમાં NDRF અને SDRFની ટીમો દ્વારા સતત પૂરની વચ્ચે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ કેટલાય એવા લોકો છે જેઓ પૂરના પ્રકોપથી નહિ બચી શક્યા. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘતાંડવને કારણે મોતને ભેટેલા લોકોની માહિતી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં સૌથી વધુ 6 લોકોના મોત 
રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં 28 જેટલા લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયા છે. જેમાં, આણંદમાં 6 લોકો, અમદાવાદ જિલ્લામાં 4, મોરબી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગરમાં 2-2, ડાંગ, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભરૂચ, દાહોદમાં 1-1 એમ કુલ 28 લોકોના પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયા છે.

28 હજાર લોકોનું કરાયું સ્થળાંતર 
વધુમાં રાજ્યમાં ચાલુ સિઝનમાં પૂરની સ્થિતિને કારણે 28 હજારથી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. જેમાં, પુરગ્રસ્ત વડોદરામાં 3249 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે, દ્વારકામાં 304 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે, ખેડામાં 1210 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં NDRFની 15 ટીમ, SDRFની 25 ટીમ, આર્મીની 7 ટીમ બચાવ કામગીરી કરી રહી છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં કુલ 1856 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા આપી સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: બાલંભા ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા 83 લોકોનું SDRF દ્વારા સફળ રેસ્ક્યૂ

કયા પડ્યો કેટલો વરસાદ?
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના કચ્છ રીઝયનમાં 126.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 84.72 ટકા, પુર્વ મધ્ય રીઝયનમાં 102.65 ટકા, સૌરાષ્ટ્ર રીઝયનમાં 116.32 ટકા અને દક્ષીણ ગુજરાતમાં 109.20 ટકા વરસાદ વરસ્યો છે.