January 15, 2025

ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધી, ‘કોંગ્રેસ MSPને આપશે કાયદાકીય ગેરંટી’

Delhi Farmers Protest: ખેડૂતોની માંગણીઓની સાથે સેંકડો ખેડૂત સંગઠનના સમર્થનમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે સરકાર પર દબાણ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી બાજુ દરમિયાન રાહુલ ગાંધીએ આ ખેડૂતોને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસ દરેક ખેડૂતની સાથે છે અને ખેડૂતોને કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં તેમણે કહ્યું, “ખેડૂત ભાઈઓ, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે! કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવાનું નક્કી કર્યું છે. આ પગલું 15 કરોડ ખેડૂત પરિવારોના જીવનને બદલી નાખશે. કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે.”

રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું
છત્તીસગઢના અંબિકાપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. વધુમાં કહ્યું કે ખેડૂતો માત્ર તેમની મહેનતના ફળ માટે વિરોધ કરી રહ્યા છે. ભાજપ સરકારે એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ એમએસ સ્વામીનાથને જે કહ્યું હતું તેનો અમલ કરવા તેઓ તૈયાર નથી. વધુમાં રાહુલે કહ્યું, “તેઓએ તેમના અહેવાલમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ખેડૂતોને ખરેખર MSPનો કાયદેસર અધિકાર મળવો જોઈએ, પરંતુ ભાજપ સરકાર આમ કરી રહી નથી. જ્યારે INDIA સરકાર સત્તામાં આવશે, ત્યારે અમે ભારતના ખેડૂતોને MSPની ખાતરી આપીશું. સ્વામીનાથન રિપોર્ટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અમે પુરા કરીશું.”

ખેડૂતોને અભિનંદન, તેઓએ 3 કાળા કૃષિ કાયદા સામે લડત શરૂ કરી : કોંગ્રેસ અધ્યક્ષ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું પંજાબના ખેડૂતોને અભિનંદન આપું છું જેમણે 3 કાળા કૃષિ કાયદા સામે લડત શરૂ કરી છે. ખેડૂતોને ચોક્કસ રીતે ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દેશની ખેતીને અમુક કોર્પોરેટ્સને સોંપવાની યોજના તૈયાર હતી, પરંતુ તમારા આંદોલને કારણે કિસાનોની ખેતીને બચાવી લીઘી છે. આઝાદી પછી પહેલીવાર દરેક ખેડૂત પર હેક્ટર દીઠ ₹25,000નો ટેક્સ લાદવામાં આવ્યો છે. પીએમ પાક વીમા યોજનાને Private Insurance Companyને નફાની યોજના બનાવવામાં આવી હતી. વીમા કંપનીઓએ 2016 અને 2022 વચ્ચે ₹40,000 કરોડની કમાણી કરી હતી. બીજી બાજુ ખેડૂતોના વિરોધને પગલે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે કહ્યું છે કે તેઓ ખેડૂતોને કાયદાકીય મદદ આપશે.