January 18, 2025

‘પિતાને ગુમાવ્યા જેટલું દુઃખ…’, વાયનાડમાં પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધી ભાવુક થયા

Rahul Gandhi On Waynad: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે (1 ઓગસ્ટ) વાયનાડ પહોંચ્યા છે. આ દરમિયાન બંને નેતાઓએ પરિસ્થિતિની માહિતી મેળવી અને પીડિતોને પણ મળ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે એવી જ લાગણીઓ અનુભવી રહ્યો છું, જે 1991માં તેમના પિતા અને પૂર્વ PM રાજીવ ગાંધીના મૃત્યુ સમયે અનુભવી હતી. આ વિનાશક ભૂસ્ખલનમાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ 200 લોકો ઘાયલ થયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (1 ઓગસ્ટ) કહ્યું કે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલી તબાહીને જોવી દુઃખદાયક છે. તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે તેમના ભૂતપૂર્વ સંસદીય મતવિસ્તારની મુલાકાત લેતી વખતે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ એવી જ લાગણીઓ અનુભવી રહ્યા છે જેવી તેમણે 1991માં તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના મૃત્યુ સમયે અનુભવી હતી.

વાયનાડ માટે આ એક ભયંકર દુર્ઘટના: રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, ‘વાયનાડ, કેરળ અને દેશ માટે આ એક ભયાનક દુર્ઘટના છે. અમે અહીં પરિસ્થિતિ જોવા આવ્યા છીએ. કેટલા લોકોએ તેમના પરિવારના સભ્યો અને ઘર ગુમાવ્યા છે તે જોવું દુઃખદાયક છે. અમે મદદ કરવાનો પ્રયાસ કરીશું અને અસરગ્રસ્તોને તેમના હક્કો મળે તે સુનિશ્ચિત કરીશું. તેમણે કહ્યું, તેમાંના ઘણા લોકો સ્થળાંતર કરવા માંગે છે. અહીં ઘણું જાણવાનું બાકી છે,” હું ડોકટરો, નર્સો, વહીવટીતંત્ર અને સ્વયંસેવકો સહિત દરેકનો આભાર માનું છું.

વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 256 વધુ લોકોના મોત થયા છે
મંગળવારે (30 જુલાઈ) સવારે કેરળના વાયનાડ જિલ્લામાં મુંડક્કાઈ અને ચુરલમાલામાં ભારે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 256થી વધુ લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલ રેસ્ક્યુ ટીમ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે.