May 21, 2024

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં રાહત, અમિત શાહ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી

સુલ્તાનપુર: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે સુલ્તાનપુર કોર્ટમાં હાજર થયા હતા, જેના કારણે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુલ્તાનપુરની MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. 2018ના આ કેસમાં રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં હાજર થયા ત્યારે ֹ‘ટેન્શન’માં નજરે પડ્યા હતા પરંતુ જ્યારે કોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે હસતો ચહેરો જોવા મળ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2018માં બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત રીતે બીજેપી નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરી હતી જેમાં રાહુલ ગાધીએ પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહેને ‘હત્યારા’ કહ્યા હતા. રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ વિજય મિશ્રા નામના બીજેપી કાર્યકર્તાએ 4 ઓગસ્ટ 2018ના રોજ જિલ્લા અને સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જજ યોગેશ કુમાર યાદવે આ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા હતા. માહિતી અનુસાર જો રાહુલ ગાંધીને પૂરતા પુરાવા બાદ દોષિત ઠેરવવામાં આવ્યા હોત તો તેમને બે વર્ષની જેલની સજા થઈ શકી હોત.

કોર્ટમાં રાહુલ ગાંધી
નોંધનીય છે કે અગાઉ થોડા દિવસ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે મંગળવારે સવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ થોડા સમય માટે બંધ થઈ જશે કારણ કે રાહુલ ગાંધીને સુલ્તાનપુરની કોર્ટમાં હાજર થવાનું છે. રમેશે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ભારત જોડો યાત્રા અમેઠીના ફુરસતગંજથી બપોરે 2 વાગ્યે ફરી શરૂ થશે.