January 7, 2025

આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનનીમાંથી દેડકો નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ

પાટણ: છેલ્લા કેટલાય સમયથી હોટેલ અને રેસ્ટોરન્ટના જમવામાં જીવજંતુ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. તો બીજી બાજુ પાટણથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. જ્યાં, આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનનીમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, કુમાર છાત્રાલયના ભોજનની થાળીમાંથી દેડકો નીકળતા વિદ્યાર્થીઓ ચોકી ઉઠ્યા હતા.

ઘટના જાણે એમ છે કે, પાટણમાં આવેલ આદિજાતિ કુમાર છાત્રાલય ભોજનની થાળીમાંથી નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેને લઈને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતેથી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. છાત્રાલયમાં ગુણવત્તા યુક્ત ભોજન મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

મળતી માહિતી મુજબ, આદિજાતિ હોસ્ટેલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે અગાઉ પણ ભોજનને લઈ વિદ્યાર્થીઓએ અનેક રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ નથી આવ્યું. જેને લઈને હવે વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ભોજનની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓએ પાલનપુર અને ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.