December 25, 2024

ચોખ્ખું ઘી, સોનાના સિક્કા અને લાખોની ઠગાઇ, મહિલાઓની કાળી કરતૂતનો પર્દાફાશ

અમિત રૂપાપરા, સુરત: લોકોના ઘરે-ઘરે જઈને ઘી વેચવાના બહાને પોતાની પાસે રહેલા સોનાના સાચા સિક્કા સસ્તા ભાવે આપવાનું કહીને લોકોને ખોટા સિક્કા પધરાવી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગની ત્રણ મહિલા સહિત કુલ 4 લોકોની સુરતની ઈચ્છાપોર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગની ધરપકડ બાદ અન્ય બે ગુનાનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો છે. આ ગેંગ પાસેથી એક રીક્ષા અને 1 લાખ રૂપિયા રોકડાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સોનાના સિક્કા સસ્તા ભાવે વેચાણ કરવાનું કહી નકલી સિક્કા પધરાવી દઈ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગની સુરતની ઈચ્છાપોર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા વ્યક્તિના ઘરે 13 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના સમયે અઢીથી ત્રણ વાગ્યા આસપાસ ત્રણ મહિલાઓ ઘી વેચવાના બહાને ગઈ હતી અને તેમની સાથે એક ઓટો રીક્ષા ચાલક પણ હતો. આ મહિલાઓ ઘી વેચવાના બહાને ફરિયાદી પાસે ગઈ અને ત્યારબાદ પોતે સોનાના જુના જમાનાના સિક્કા સસ્તા ભાવે આપે છે તેવું ફરિયાદીને જણાવ્યું હતું.

વધુમાં, સોનાના 550 ગ્રામના સિક્કા કે જે સસ્તા ભાવે મળતા હોવાની લાલચમાં ફરિયાદી દ્વારા સૌ પ્રથમ બે સિક્કાની ખરીદી કરવામાં આવી હતી. જો કે આ બે સિક્કા સાચા હતા અને ત્યારબાદ ફરિયાદીએ કુલ મળીને 14,50,000 ના સોનાના સિક્કા મહિલાઓ પાસેથી લીધા હતા. જોકે શરૂઆતમાં જે સિક્કા આપ્યા હતા તે સાચા હતા અને અન્ય સિક્કા ખોટા હતા. જો કે આ બાબતની જાણ ફરિયાદીને થઈ હતી. તેથી ફરિયાદી દ્વારા તાત્કાલિક આ બાબતે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ ગેંગને પકડવા માટે ગેંગ સામે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા ફરિયાદીને 14,50,000 લઈને ખોટા સિક્કા પધરાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે અન્ય વ્યક્તિને પણ ત્રણ લાખ રૂપિયાના ખોટા સિક્કા આપીને તેમની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. આમ આ બંને ગુનામાં કુલ 17 લાખ 50 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. તેથી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અલગ અલગ ટીમો બનાવી પોતાના સોર્સને કામે લગાવી આ ગેંગના ઇસમોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: “સુશાસનની શક્તિ: ગુજરાતનું આર્થિક પરિવર્તન”, રાજ્યના GDPને લઈને હર્ષ સંઘવીનું ટ્વિટ

ઈચ્છાપોર પોલીસ દ્વારા હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેન્સના આધારે મળેલી બાતમીના આધારે અમરોલી એસએમસી આવાસ વિસ્તારમાંથી આ ગેમમાં ત્રણ મહિલા અને એક રિક્ષા ચાલક સહિત કુલ ચાર ઈસમોની ધરપકડ કરી રીક્ષા સહિત કુલ 1,30,000 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગમાં ત્રણ મહિલાઓ છે. જેમાં સોનલ ઉગરેજીયા, સોની દેવીપુજક, વીજુ વણોદિયા તેમજ રીક્ષા ચાલક સુનિલ ઉગરેજીયા નો સમાવેશ થાય છે. આ ઘટનામાં સુનિલ અને સોનલ બને પતિ પત્ની છે તો આ ગેંગની ધરપકડ કરી ઇચ્છાપોર પોલીસે બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. આ ગેંગની એમોની વાત કરવામાં આવે તો આરોપી અલગ અલગ જગ્યાએ ઘી લઈને લોકોના ઘરે ઘરે જઈ ઘી વેચી લોકોનો વિશ્વાસ કેળવતા હતા. જ્યારે લોકો ઘી ખરીદતા હોય ત્યારે પોતાની પાસે રહેલા જુના જમાનાના સિક્કા બતાવી સિક્કા સસ્તા ભાવે મળશે તેવું કહી લોકોને ખોટા સિક્કા પધરાવી તેમની પાસેથી પૈસા મેળવી આ હિસાબો ફરાર થઈ જતા હતા.