પૂણે બસ રેપ કેસનો આરોપી પોલીસના સકંજામાં, ઘટનાના 3 દિવસ બાદ નરાધમ ઝડપાયો

Pune Bus Rape Case: પૂણેના સ્વારગેટ બસ સ્ટેશન પર સરકારી બસની અંદર 26 વર્ષીય મહિલા પર થયેલા કથિત બળાત્કારના આરોપીની પોલીસે શિરુર તાલુકામાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દત્તાત્રેય ગાડે તરીકે થઈ છે. હિસ્ટ્રીશીટરે ગાડે (ઉ.વ.37)એ મંગળવારે સવારે એક એસટી બસની અંદર આ ગુનો કર્યો હતો. પૂણે અને અહિલ્યાનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચિંગના અડધો ડઝન કેસોમાં ગાડેનું નામ છે. આ ગુનાઓમાંથી એકમાં તે 2019થી જામીન પર બહાર છે.

1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું
અગાઉ પોલીસે ફરાર આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને સ્નિફર ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. દત્તાત્રેયને શોધવા માટે 13 પોલીસ ટીમો બનાવવામાં આવી હતી.

શું મામલો છે?
25 ફેબ્રુઆરીના રોજ સવારે 5:45 વાગ્યે તેણે સ્વારગેટ બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરેલી રાજ્ય પરિવહન બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. તબીબી ક્ષેત્રમાં કામ કરતી આ મહિલા સતારા જતી બસની રાહ જોઈ રહી હતી. ઘટના બાદથી આરોપી ફરાર હતો.

દુષ્કર્મની ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ છવાઈ ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવાની તજવીજ શરૂ કરી છે અને કોર્ટમાં પુરાવા રજૂ કરીને દોષિતને કડક સજા અપાવવા માટે પ્રયત્નશીલ છે.