May 19, 2024

રાજ્યભરમાં જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન

જૂની પેન્શન યોજના: ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળ દ્વારા કર્મચારીઓના પડતળ પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારમાં સતત રજુઆત કરતા આવ્યા છે. છતાં પણ અનેક પડતર પ્રશ્નોની માંગણી સંતોષાઇ ન હોવાના કારણે રાજ્યમાં અલગ-અલગ વિભાગના કર્મચારીઓએ પોતાની જૂની માંગને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આશ્વાશન આપતાં મામલો થાળે પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાન સભાની ચૂંટણી બાદ સરકાર આંખ આડા કાન કરતા સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની જૂની માંગ ને લઇ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકા મથકે સામાજિક વિજ્ઞાન તાલીમ માં હાજરી આપવા આવેલા શિક્ષકો બે દિવસસથી કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય તેમજ તાલીમ કાર્યમાં જોડાઈ રહ્યા છે. તો ઓલપાડ બી. આર. સી ભવન ખાતે પ્રાથમિક શિક્ષકો દ્વારા સુત્રોચાર કરી સરકાર જૂની પેંશન યોજના સાહિતની માંગ સ્વીકારે એવી માંગ કરી હતી

આ સિવાય અમરેલીની આંગણવાડી વર્કર મહિલાઓ પણ હડતાળ પર છે. તમને જણાવી દઇએ કે, અમરેલી, લીલિયા, સાવરકુંડલા સહિતના તાલુકા મથકો પર આંગણવાડી વર્કરો હડતાળ પર છે. આંગણવાડી મહિલાઓએ તાલુકા મથકો અને જિલ્લા મથકો પર આવેદનપત્ર આપ્યું છે. વેતન વધારો સહિતની માંગણીઓ સાથે વર્કરોએ વિરોધ વ્યક્ત કર્યો છે. વર્કરો અને હેલ્પરોની હડતાલથી જિલ્લાભરની આંગણવાડીઓ બંધ છે. તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા સૂત્રોચાર પણ કરવામાં આવ્યા છે.

રાજકોટ અંગણવાડીની મહિલા કર્મચારીઓ દ્વારા પણ જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. આવતી કાલથી બે દિવસ માટે તમામ આંગણવાડી મહિલા કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. જિલ્લાની 5 હજારથી વધુ મહિલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે.