November 14, 2024

જૂનાગઢમાં ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ યથાવત, 21 ગામોના ખેડૂતોએ યોજી રેલી

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢમાં ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ યથાવત છે, મેંદરડા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા અને ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કર્યો. મેંદરડા તાલુકાના 21 ગામોના ખેડૂતોની રેલી યોજાઈ હતી જેમાં ઈકો સેન્સેટીવ ઝોન હટાવવા બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, 21 ગામના 500 થી વધુ ખેડૂતો અને ગ્રામજનો રેલીમાં જોડાયા હતા.

મેંદરડાના પાદર ચોકથી મામલતદાર કચેરી સુધીની રેલી યોજાઈ હતી, મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આગામી સમયમાં જો ઈકો સેન્સેટીવ ઝોન હટાવવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગીર વિસ્તાર માટે ઇકો સેન્સેટીવ ઝોન મુદ્દે તા.18/9/2024 ના રોજ જાહેર કરવામાં આવેલા ગેઝેટમાં જૂનાગઢ સહીત ત્રણ જીલ્લાના 196 ગામોનો સમાવેશ થાય છે તેમાં મેંદરડા તાલુકાના 21 ગામોનો પણ સમાવેશ થાય છે. જેનો તમામ ગામોના સરપંચો, ખેડૂતો અને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.

ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ શા માટે?
ગેઝેટ પ્રાદેશિક ભાષામાં નથી એટલે ગ્રામજનો સમજવા માટે અસમર્થ છે
ગેઝેટ બહાર પાડતાં પહેલાં સ્થાનિક પરિસ્થીતિ સમજવામાં નથી આવી અને ગ્રામજનોને સાંભળવામાં નથી આવ્યા
ગેઝેટમાં ઈકો સેન્સેટીવ ઝોનની હદરેખા તથા અંતરને લઈને અનેક વિસંગતતાઓ છે
ઈકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી ખેડૂતો અને વન વિભાગ તથા અન્ય સરકારી વિભાગો સાથે વહીવટી પ્રક્રિયા જટીલ અને ખર્ચાળ બનશે
ઈકો સેન્સેટીવ ઝોન થી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં બાધા ઉભી થશે
ઈકો સેન્સેટીવ ઝોન થી ગ્રામ્ય વિસ્તારના લોકોની રોજગારી તથા બંધારણીય મૂળભૂત અધિકારો છીનવાઈ જશે

આમ એક રીતે ખેડૂત ખેતી જ ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને તેના કારણે જ ખેડૂતો ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે, ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે અને જો સરકાર ઈકો સેન્સેટીવ ઝોન નહીં હટાવે તો ખેડૂતો ગાંધીનગરમા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.