December 28, 2024

પંજાબમાં ખાનગી કંપનીની બસ નાળામાં પડી, 8 લોકોના મોત, અનેક ઘાયલ

Bus Accident Punjab: પંજાબના ભટિંડામાં આજે એક મોટો અકસ્માત થયો હતો. ભટિંડા તલવંડી સાબો રોડ પર જીવન સિંહ વાલા ગામ પાસે એક ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો હતો. બસ કાબુ બહાર જઈને નાળામાં પડી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ અહીં અફરા-તફરી મચી ગઇ હતી. અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તલવંડી સાબો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને ભટિંડાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ ભટિંડામાં એક ખાનગી કંપનીની બસ કર્મચારીઓને લઈને જઈ રહી હતી. બપોરના વિરામ બાદ બસ જીવનસિંહ વાળા ગામ પાસે પહોંચી ત્યારે નાળા ઉપરના પુલ પર કાબુ બહાર જઈને નાળામાં પડી હતી. અકસ્માતની માહિતી મળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ પછી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.

માહિતી મળતા જ ભટિંડા ડીસી શૌકત અહેમદ પારે અને એસએસપી અમનીત કૌંડલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી તલવંડી સાબો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઘણા લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.