December 22, 2024

રાજકોટમાં લાંછનરૂપ ઘટના, પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યા

ખખડધજ ગેસ્ટ હાઉસ જેવી દેખાતી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ શાળા.

ઋષી દવે, રાજકોટ: રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના સામે આવી છે. શાળાના પ્રિન્સિપાલે જ 4 વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યા હોવાની માહિતી સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ખખડધજ ગેસ્ટ હાઉસ જેવી દેખાતી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ શાળા એ વિદ્યાનુ ધામ કહેવાય છે પરંતુ જ્યારે એ શાળાનો જ પ્રિન્સીપાલ વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરે તો તેને છોડવો કેમ? પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાઆમ આદમી પાર્ટીનો નેતા પણ છે. રાજકોટ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચુક્યો છે. પ્રિન્સિપાલે પોતાની વગનો ઉપયોગ કરી તેમજ વહીવટ કરીને પોતે ગેસ્ટ હાઉસ જેવી દેખાતી જગ્યાએ શાળાની મંજૂરી મેળવી લીધી હોવાનું ખુદ ભાજપના જ કોર્પોરેટર વિનુભાઈ ઘવા જણાવી રહ્યા છે. વિનુભાઈએ જણાવ્યું હતું કે દાદાગીરી ભલે કરવી પડે પરંતુ આ શાળા શરૂ નહિ જ થવા દઈએ.

લંપટ પ્રિન્સિપાલ પર આરોપ છે કે પોતે એક બાદ એક જે વિદ્યાર્થિનીઓ પોતાની જાળમાં ફસાઈ તેને પોતાની ઓફિસમાં બેસાડી રાખતો અને તેની સાથે બિભસ્ત ચેનચાળા કરી અડપલાં પણ કરતો હતો. વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવી તેના માતા-પિતાને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકમાં પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તાત્કાલિક પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: હોળી-ધુળેટી માટે 108 છે તૈયાર, તમે પણ રાખો આટલી તકેદારી

રાકેશ સોરઠીયા વિરુદ્ધ લોકોએ પણ કડક કાર્યવાહીની માંગ ઉચ્ચારી ત્યારે NSUI એ પણ આ ઘટનનાને વખોડી કડકમાં કડક સજાની માંગ કરી શાળાને તાળાબંધીની માંગ કરી છે.

હાલ તો વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરનાર લંપટ પ્રિન્સિપાલ જેલ હવાલે છે ત્યારે પોલીસ દ્વારા પણ પ્રિન્સિપાલને કડક સજા મળે તે માટે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો શાળાને તાળા જ લાગશે તો તેમાં અભ્યાસ કરનાર બાળકોનું ભવિષ્ય શું?