December 19, 2024

પીએમ મોદીએ ‘વોટના બદલામાં નોટ’ મામલે SCના નિર્ણયનું કર્યું સ્વાગત

દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે સંસદમાં ભાષણ આપવા અથવા વોટ આપવા માટે લાંચ લેવા માટે સાંસદો અને ધારાસભ્યોને કાયદાકીય સુરક્ષાના મામલામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વોટના બદલામાં નોટો લેનારા સાંસદો/ધારાસભ્યોને કાનૂની રક્ષણ આપવામાં આવશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે, “સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પ્રશંસનીય છે, જે સ્વચ્છ રાજનીતિને સુનિશ્ચિત કરશે અને સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધુ ગાઢ બનાવશે.”

તમને જણાવી દઈએ કે, આ નિર્ણય સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જેબી પારડીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સર્વસંમતિથી આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ કેસ પર પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, “વોટના બદલામાં લાંચ લેવા માટે સાંસદો/ધારાસભ્યો સામે કાર્યવાહી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે 1998ના પીવી નરસિમ્હા રાવ કેસમાં પાંચ જજની બંધારણીય બેંચના નિર્ણયને ઉલટાવી દીધો હતો.” આ પછી, હવે જે સાંસદો/ધારાસભ્યો નોટોના બદલામાં ગૃહમાં મતદાન કરશે તેઓ કાયદાના દાયરામાં ઊભા રહેશે. કેન્દ્રએ પણ આવી કોઈપણ છૂટછાટનો વિરોધ કર્યો હતો.”

સુપ્રીમ કોર્ટે કહ્યું, “લાંચને કલમ 105(2) અથવા 194 હેઠળ મુક્તિ આપવામાં આવતી નથી કારણ કે લાંચમાં સામેલ સભ્ય એવા ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલો હોય છે જે વિધાનસભામાં મતદાન કરવા અથવા ભાષણ આપવા માટે જરૂરી નથી. ગુનો ત્યારે પૂર્ણ થાય છે જ્યારે સાંસદ કે ધારાસભ્ય લાંચ લે છે. આનાથી રાજનીતિની નૈતિકતા પર પ્રતિકૂળ અસર પડે છે. અમે માનીએ છીએ કે લાંચને સંસદીય વિશેષાધિકારો દ્વારા સુરક્ષિત કરવામાં આવતું નથી. તે અત્યંત જોખમી છે. તેથી જ આવા રક્ષણને દૂર કરવું જોઈએ.”