‘હું આ માટે મારો જીવ જોખમમાં મૂકીશ’, રાહુલ ગાંધીના ‘શક્તિ’ નિવેદન પર PM મોદીનો પ્રહાર

Narendra Modi In Telengana: લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દક્ષિણમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરળમાં રેલીઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા.પીએમ મોદીએ સોમવારે તેલંગાણાના જગતિયાલમાં એક સભાને સંબોધી હતી. સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ INDIA ગઠબંધન પર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ રાહુલ ગાંધીના ‘શક્તિ’ વિશે નિવદેન પર પ્રહાર કરતાં કહ્યું કે તેમના માટે દરેક માતા અને પુત્રી શક્તિનું સ્વરૂપ છે અને તેઓ તેમની પૂજા કરે છે.

INDIA ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ગઈકાલે, ઈન્ડી ગઠબંધન દ્વારા મુંબઈમાં એક રેલી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ તેમની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ રેલી હતી. રાહુલ ગાંધીના શક્તિ અંગેના નિવેદન પર તેમણે કહ્યું કે, ‘મારા માટે દરેક માતા, પુત્રી, બહેન શક્તિનું સ્વરૂપ છે. હું તેની શક્તિ સ્વરૂપે પૂજા કરું છું. હું ભારત માતાનો ઉપાસક છું. તેમના મેનિફેસ્ટોમાં શક્તિ નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હું આ પડકાર સ્વીકારું છું. હું મારો જીવ જોખમમાં મુકીશ.’

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “શું કોઈ શક્તિના વિનાશ વિશે વાત કરી શકે છે? અમે ચંદ્રયાન જ્યાં ઉતર્યું તે બિંદુને નામ આપીને ચંદ્રયાન મિશનની સફળતાને સમર્પિત કરી. અમે તે બિંદુને શિવ શક્તિ નામ આપ્યું છે. આ લડાઈ શક્તિનો નાશ કરનારા અને શક્તિની ઉપાસના કરનારાઓ વચ્ચે છે. આ મુકાબલો 4 જૂને યોજાશે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ શરૂ થઈ ગયો છે અને 13 મેના રોજ તેલંગાણાના મતદાતા ઈતિહાસ લખશે.

શું છે રાહુલ ગાંધીનું નિવેદન?
નોંધનીય છે કે રવિવારે શિવાજી પાર્ક ખાતે એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈવીએમ, ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગ વગર લોકસભાની ચૂંટણી જીતી શકશે નહીં. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે લોકો એવું વિચારે છે કે અમે એક રાજકીય પક્ષ સામે લડી રહ્યા છીએ. તે સાચું નથી. અમે એક શક્તિ સામે લડી રહ્યા છીએ.