December 25, 2024

બાળકોને મોબાઇલનું વ્યસન કોણે લગાડ્યું ?

Prime 9 With Jigar: નાનાં બાળકને સ્માર્ટફોન આપવો જોઈએ? સંતાનને કઈ ઉંમરે સ્માર્ટફોન આપવો જોઈએ? એકવીસમી સદીમાં દરેક માતા-પિતાને સતાવતા આ યક્ષ પ્રશ્ન છે. આ સવાલ માત્ર ભારતીયોને જ નહીં પણ આખી દુનિયાનાં માતા-પિતાને સતાવે છે. ફ્રાન્સમાં પણ આ સમસ્યા લોકોને સતાવે છે. તેથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ ન્યુરોલૉજિસ્ટ, મનોવૈજ્ઞાનિકો અને અન્ય નિષ્ણાતોની સમિતિ બનાવી હતી. આ સમિતિએ એના રિપોર્ટમાં ભલામણ કરી છે કે, બાળકોને 13 વર્ષની ઉંમર સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ. સમિતિની ભલામણો વિશે અમે તમને માહિતી આપીશું.

સ્ક્રીન ટાઇમ ઓવરલોડ

  • 18 વર્ષની ઉંમર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં.
  • ત્રણ વર્ષ સુધીનાં બાળકોને TV સહિત કોઈ પણ સ્ક્રીનથી દૂર રાખો.
  • 6 વર્ષની ઉંમર સુધી બાળકોનો સ્ક્રીન સમય ખૂબ જ મર્યાદિત રાખો.
  • 11 વર્ષ સુધીનાં બાળકોને તમામ પ્રકારના ફોનથી દૂર રાખો.
  • 13 વર્ષ સુધીનાં બાળકો સ્માર્ટ ફોન યુઝ ના કરી શકે એવા કાયદાની ભલામણ.
  • 11થી 13 વર્ષનાં બાળકોને ઇન્ટરનેટની સુવિધા ન હોય એવો ફોન આપો.
  • 13 વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને જ ઈન્ટરનેટ સાથે જોડાયેલો સ્માર્ટફોન આપો.
  • નર્સરી સ્કૂલમાં સ્ક્રીન ન હોવી જોઈએ.
  • નર્સરી સ્કૂલોમાં સ્ક્રીન પર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી.
  • વાર્તા કહેવા માટેનાં ડિવાઇસ સિવાય તમામ ઇન્ટરનેટ કનેક્ટેડ ઉપકરણો પર પ્રતિબંધ.
  • સમિતિએ ટેક્નોલોજી માર્કેટથી બાળકોને બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, ટેક્નોલોજી ઉદ્યોગના ફાયદા માટે બાળકોનો કોમોડિટીઝ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે એ બંધ થવો જોઈએ.

સ્વાર્થ ખાતર બાળકોની સાથે રમત

  • અનેક કંપનીઓ નફા માટે બાળકોને આકર્ષે.
  • બાળકો બની રહ્યાં છે કોમોડિટી.
  • કંપનીઓને બાળકોને સ્ક્રીન સાથે કનેક્ટ રાખવામાં ફાયદો.
  • પૈસા કમાવવા માટે બાળકોનો ઉપયોગ બંધ થવો જોઈએ.

આ ભલામણોને સમજવા માટે મોબાઇલ ફોનની બાળકો પર થતી અસરોને સમજવી જરૂરી છે. સ્માર્ટફોનનો ઉપયોગ એ હદે વ્યાપક બન્યો છે કે, બાળકો બોલવાનું શીખે એ પહેલાં મોબાઇલ ફોનની લત લાગી જતી હોય છે. બ્રિટનના ઓક્સફામના ડેટાની માહિતી અમે તમને આપીશું.

સ્ક્રીન ટાઇમ ઓવરલોડ

  • બ્રિટનમાં 91% બાળકો પાસે 11 વર્ષની વય સુધીમાં જ સ્માર્ટ ફોન.
  • 44% બાળકો પાસે નવ વર્ષની ઉંમર સુધીમાં ફોન.
  • અમેરિકામાં 9થી 11 વર્ષની વયનાં 47% બાળકો પાસે સ્માર્ટ ફોન.
  • યુરોપમાં 19 દેશોમાં અભ્યાસનાં તારણો જાહેર કરાયાં.
  • 9થી 16 વર્ષની વયનાં તમામ બાળકો પાસે સ્માર્ટ ફોન.
  • સ્માર્ટ ફોનનો રોજ ઉપયોગ કરે છે બાળકો.
  • વિશ્વમાં 14 વર્ષથી વધુ વયનાં 90%થી વધુ બાળકો પાસે સ્માર્ટ ફોન.
  • કોમન સેન્સ મીડિયાના અહેવાલમાં પણ આવું જ તારણ આવ્યું.
  • આજે 10 વર્ષની ઉંમરે 42% બાળકો પાસે સ્માર્ટ ફોન.
  • 12 વર્ષની ઉંમર સુધીમાં 71% બાળકો પાસે સ્માર્ટ ફોન.
  • 14 વર્ષની ઉંમર સુધીમાં 91% બાળકોના હાથમાં મોબાઈલ ફોન.

આ આંકડા ચોંકાવનારા નથી. કેમ કે મોટા ભાગનાં માતા-પિતાને ખબર જ છે કે, સંતાન 10-11 વર્ષનું થાય એટલે પોતે તેમના હાથમાં સ્માર્ટફોન આપી દે છે. ઘણા કિસ્સામાં તો માતા-પિતા દોઢ-બે વર્ષનાં બાળકોના હાથમાં પણ સ્માર્ટફોન આપી દે છે. નાનાં બાળકો રડે ત્યારે માતા-પિતા તેમને શાંત કરવા માટે તેમને ફોન આપી દે છે.

સ્ક્રીન ટાઇમ ઓવરલોડ

  • બાળકોને સ્માર્ટફોન ગમે છે તેથી શાંત થઈ જાય.
  • સંતાનને રડતું રોકવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો જણાય.
  • માતા-પિતાને ખબર નથી હોતી કે, બાળકને તેની લત લાગે.
  • બાળક વાસ્તવમાં સ્માર્ટ ફોનની તલબના કારણે રડે.

બાળકો નાની ઉંમરમાં જ સ્માર્ટ ફોન વાપરે એના કારણે તેમના સ્વાસ્થ્ય પર ઘણી બધી નકારાત્મક અસર થાય છે. આ વાતનો વિચાર કર્યા વિના માતા-પિતા સંતાનોને સ્માર્ટ ફોન પકડાવી દે છે કે જેથી પોતાને શાંતિ રહે. ઘણા કિસ્સામાં માતા-પિતા પોતે સ્માર્ટફોનમાં કે ટીવી જોવામાં વ્યસ્ત હોય છે. પોતાને ડિસ્ટર્બન્સ ના થાય એટલે સંતાનોને પણ સ્માર્ટ ફોન પકડાવી દે છે.

સુરક્ષા માટે સ્માર્ટ ફોન

  • બાળકોને સુરક્ષાના હેતુસર પણ અપાય મોબાઈલ ફોન.
  • બાળક મુશ્કેલીમાં હોય ત્યારે તે માતા-પિતાનો સંપર્ક કરી શકે.
  • કામ કરતા માતા-પિતા સુરક્ષા માટે બાળકોને સ્માર્ટ ફોન આપે.
  • તેમનું બાળક શાળા પછી થોડો સમય ઘરે એકલું રહે છે.

સુરક્ષાના કારણોસર જે વાલીઓ પોતાનાં બાળકોને નાની ઉંમરે ફોન આપી દે છે એ લોકો પોતાની રીતે સાચા છે પણ તેની આડઅસરો છે જ. આજકાલ 12થી 15 વર્ષની ઉંમરે બાળકોના હાથમાં મોબાઇલ હોય છે. સુરક્ષાનાં કારણોસર આ ઉંમરે તમારાં બાળકને ફોન આપો તો પણ જરૂર ના હોય એવી એપ્સ અને વેબ સર્ચને લોક કરી દો. મનોવિજ્ઞાનીઓના મતે, બાળક સમજી શકે કે સ્માર્ટફોનના ગેરફાયદા અને ફાયદા શું છે તો સમજી લેવું જોઈએ કે તે સ્માર્ટફોન રાખવા માટે તૈયાર છે પણ તમે આ અંગે વાત કરતા હો અને તમારી વાત ટાળે કે સાંભળવામાં અચકાય તો સમજી લેવું જોઈએ કે તે હજી સ્માર્ટફોન વાપરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. આ સંજોગોમાં તેને સ્માર્ટફોન ના અપાય. સ્માર્ટફોનની શારીરિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.

ફોન તમને બીમાર પાડી શકે

  • સ્માર્ટ ફોનનાં સિગ્નલમાં શરીર માટે ઘાતક વિકિરણ હોય.
  • સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી મગજ પર નકારાત્મક અસર.
  • ગરદન નીચી કરીને સતત કલાકો સુધી સ્માર્ટ ફોનને જોવાથી અસર.
  • ટેક્સ્ટ નેક સિન્ડ્રોમ થવાનો ખતરો વધી જાય.
  • ગરદનના સ્નાયુઓમાં તાણ અને જડતા આવે.
  • બેક નર્વ પેઇન જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે.
  • હાથમાં ફોન પકડીને આખો દિવસ ફરવાથી દુઃખાવો હાથ સુધી પહોંચે.
  • દર 20 મિનિટે તમારી પીઠને સ્ટ્રેચ કરવી જોઈએ.
  • અંગૂઠાની કાર્યક્ષમતા પર પણ અસર થાય.
  • સ્માર્ટ ફોનને હાથમાં પકડવાની પોઝિશનની વધુ પડતી અસર અંગૂઠા પર.
  • સ્માર્ટ ફોન વાપરવાથી મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ પેદા થાય.
  • ડોપામાઈનને કારણે આપણને ભૂખ.
  • કેફી દ્રવ્યોની તલપ જેવી લાગણીઓ અનુભવાય.
  • બાળકોને મોબાઇલના સ્ક્રીનનું પણ વળગણ થતું જાય.
  • સ્માર્ટ ફોનની બાળકો પર માનસિક રીતે પણ ઘણી નકારાત્મક અસર.
  • ઈન્ટરનેટના કારણે બાળકો ફોન પર કંઈ પણ એક્સેસ કરી શકે.
  • ઇન્ટરનેટ પર કન્ટેન્ટ બાળકોની નાની ઉંમર માટે ખતરનાક બની શકે.
  • હત્યા, હિંસા, પોર્ન, અકસ્માતના વીડિયો બાળકોના મન પર અસર કરી શકે.
  • મોબાઈલના કારણે ઊંઘની સમસ્યા પણ થઈ શકે.

બાળકોનું મન ચંચળ હોય છે તેથી શરૂઆતમાં હત્યા, હિંસા, પોર્ન, અકસ્માત વગેરે જોવા મળે તો તેમાં તેમનો રસ વધી શકે છે. આવાં જોખમોથી દૂર રહેવા માટે બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા જોઈએ. બાળકો પણ સાયબર ક્રાઈમ, ગુંડાગીરી અને બ્લેકમેઈલિંગની જાળમાં ફસાઈ શકે છે. કિશોરાવસ્થા દરમિયાન મગજમાં વ્યાપક ફેરફાર થતા હોય છે અને તેનો પ્રભાવ યુવા છોકરા-છોકરીઓના વર્તન-વ્યવહાર પર પડતો હોય છે. તેમના સામાજિક સંબંધ સહિતની બાબતો પર એની નકારાત્મક અસર પડે છે. 11થી 13 વર્ષની છોકરીઓમાં અને 14થી 15 વર્ષના છોકરાઓમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તેમના જીવનમાં અસંતોષ પેદા કરે છે સેપિયન લૅબ્સના રિપોર્ટ અનુસાર નાની વયમાં જ્યારે બાળકોને સ્માર્ટફોન આપવામાં આવે છે, તો યુવાવસ્થા આવતા-આવતા તેમના મગજ પર વિપરીત અસર જોવા મળવા લાગે છે.

6 વર્ષની વયે જેમને ફોન આપવામાં આવ્યો હતો એવી 74 ટકા મહિલાઓને યુવાવસ્થામાં મૅન્ટલ હૅલ્થની સમસ્યા થઈ હતી. જે બાળકોને ઓછી ઉંમરમાં સ્માર્ટફોન આપવામાં આવ્યા, તેમનામાં આત્મહત્યાના વિચારો, બીજા પ્રત્યે ગુસ્સો, સત્યથી દૂર રહેવું અને ભ્રમ જેવાં લક્ષણો જોવા મળે છે. બાળકોને સ્માર્ટફોન આપો ત્યારે કેટલીક કાળજી રાખો તો પણ તેની આડઅસરોથી બચાવી શકો.

શું કાળજી લેશો?

  • શરૂઆતમાં બાળકોને બેઝિક ફોન આપો.
  • બાળકો માત્ર કોલ કરી શકે.
  • બાળક સૂઈ જાય ત્યારે ફોન તેની નજીક ના રાખો.
  • બાળક સૂઈ જાય તેના એક કલાક પહેલાં તેને ફોનથી દૂર રાખો.
  • બાળકોના ફોનમાં સ્ક્રીન ટાઈમ સહિતના કન્ટ્રોલનો પણ ઉપયોગ કરો.
  • બાળકો શું કરી રહ્યા છે તેની માહિતી મળ્યા કરે.
  • બાળક માટે સ્ક્રીન સમય પણ સેટ કરી શકો.
  • બાળકોને કહો કે, તેઓ ફોન પર શું કરી રહ્યા છે એના પર તમારું ધ્યાન.
  • બાળકોના ફોનના પાસવર્ડ પણ જાણી રાખો.
  • બાળક ટીનેજર બને ત્યારે તેની સાથે ખુલીને વાત કરો.
  • સ્માર્ટ ફોનનો બાળકોમાં વધતો ઉપયોગ સામાજિક રીતે પણ ખતરનાક.પહેલાં પરિવારના વડીલો સતત એક વાતની ફરિયાદ કર્યા કરતા હતા કે, નવી પેઢી આખો દિવસ મોબાઇલમાં જ રહે છે અને પોતાના તરફ બિલકુલ ધ્યાન આપતી નથી. એ અલગ વાત છે કે, હવે સમય બદલાઈ ગયો છે અને હવે તો દાદા-દાદી પોતે વોટ્સએપ અને યુટ્યૂબમાં પરોવાયેલાં રહે છે. અલબત્ત તેમને ચાલે પણ બાળકો મોબાઈસમાં ખૂંપેલાં રહે તો સામાજિક રીતે અતડાં થઈ જાય, કોઈની સાથે ભળે નહીં અને એના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ સ્થિતિ માટે માતા-પિતા જવાબદાર છે. બીજી તરફ નાનાં બાળકો સતત મોબાઇલમાં રચ્યાંપચ્યાં રહે છે એની ટેવ આપણે જ પાડીએ છીએ.

શું કાળજી લેશો?

  • બાળકોના સ્વસ્થ વિકાસ માટે પરિવારમાં સૌની હૂંફ આપો.
  • તેમને પૂરતો સમય આપો, વાતચીત કરો.
  • તેમની જિજ્ઞાસા સંતોષો.
  • માતા-પિતા પોતે જ મોબાઈલમાં ખૂંપેલાં હોય.
  • નાનાં બાળકો ધરાવતાં લોકોને પણ મોબાઈલની લત.
  • દિવસ-રાત ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા કરે.
  • ફોન વગર એક મિનિટ પણ ના ચાલે.
  • ફોન પોતાના સંતાનનું બાળપણ છીનવી રહ્યો એનો ખ્યાલ ના આવે.
  • અમસ્તા જ મેસેજ સ્ક્રોલ કરવાની આદત પડી જાય.
  • સ્માર્ટ ફોનના ઉપયોગની મર્યાદા નક્કી કરવી જોઈએ.
  • સ્ટોરમાં જાય અને પેમેન્ટ માટે લાઇનમાં ઊભા ઉભા પણ લોકો સ્માર્ટફોન વાપર્યા કરે.
  • સ્ક્રીન એડિક્શનની વ્યાપક બીમારી.
  • 18થી 30 વર્ષના મોટા ભાગના યુવાનો દિવસના પાંચેક કલાક મોબાઇલમાં રહે.
  • માતા-પિતાએ પોતે સ્માર્ટફોનથી છૂટીને સંતાનોને સમય આપવો જોઈએ.
  • બાળકો માતા-પિતાનો સહવાસ અને ધ્યાન તેમના તરફ હોય એવું ઈચ્છતાં હોય.
  • માતા-પિતા મોબાઈલમાં ખૂંપેલા રહેતા હોવાથી તેમને સમય જ ના મળે.

માતા-પિતાના સ્માર્ટફોનના વળગણ અંગે ઘણા અભ્યાસ થયા છે. આ અભ્યાસનાં તારણો પ્રમાણે, બાળકોને ખરેખર માતા-પિતાના સ્માર્ટફોનના વળગણ સામે સખત ચીડ અને ગુસ્સો હોય છે. એક ન્યુઝ રિપોર્ટ મુજબ એક સ્કૂલમાં બીજા ધોરણના વિદ્યાર્થીઓએ નાનકડો નિબંધ લખવાનો હતો. વિષય હતો કે, એવી કઈ વસ્તુ છે જેની શોધ ક્યારેય ન થઈ હોત એવું તમે ઇચ્છો છો. મોટા ભાગનાં બાળકોએ લખ્યું હતું કે, મને મારાં મમ્મીપપ્પાનો ફોન જરાય ગમતો નથી. કારણ કે એ લોકો આખો દિવસ એમાં જ રચ્યાંપચ્યાં હોય છે. માતા-પિતાના ફોનના વળગણની બાળકોના માનસ પર બહું માઠી અસર થાય છે. તેમને લાગે છે કે માતા-પિતા માટે ફોન વધારે મહત્ત્વનો છે. આવી લાગણી તેમને ઉદાસ, દુઃખી અને એકલવાયાં બનાવી દે છે. લોકોની ફોનની આવી લત માટે ‘ટેક્નોફરન્સ ’ શબ્દ વપરાય છે. તમારો ફોન તમારા હાથમાં હોય ત્યારે તમારાં બાળકો, મિત્રો કે કુટુંબના અન્ય લોકો તમને કંઈ કહેતા હોય તો તમારું ધ્યાન એ તરફ હોતું જ નથી. ફોનમાં રચ્યાપચ્યા રહેતાં માબાપનું ધ્યાન ખેંચવા બાળકો પ્રયત્ન કરે છે પણ મા-બાપ સમજતાં નથી. તેથી સંતાનો ગુસ્સે થાય છે કે અકળાય છે કે રડવા લાગે છે. રસપ્રદ વાત એ છે કે, મા-બાપ એ વખતે તેમને ફોન પકડાવીને તેમને ફોનની લત લગાડે છે. આ સ્થિતિ ના થવી જોઈએ અને માતાપિતાઓ મી ટાઇમના નામે બાળકોનો સમય ના ખાવો જોઈએ. તમારું રિલેક્સેશન બાળકોના સમયના ભોગે ન થવું જોઈએ. બાળકને શું જોઈએ છે, એ શું કહેવા માગે છે એ સમજવા માટે એની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો જરૂરી છે. બાળકોમાં સ્માર્ટ ફોનની લત ના લાગે એ માટે સૌથી પહેલાં માતા-પિતાએ બાળકને સ્માર્ટ ફોનથી દૂર રાખવું જરુરી છે અને તેના માટે પોતે સ્માર્ટ ફોનથી દૂર થવું જરૂરી છે. આ માટે બાળક સાવ નાનું હોય ત્યારે શરૂઆત કરવી પડે. મમ્મી કે પપ્પા તેને બાજુમાં બેસાડી સ્ટોરીબુક લઈને વાંચે એ જરૂરી હોય છે. આજના સમય પ્રમાણે બુકને બદલે ભલે વીડિયો જુઓ કે ગેમ્સ રમો તો વાંધો નથી પણ એ ‘બાળક સાથે’ જુઓ. બાળકને મોબાઇલ પકડાવીને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ખૂંપેલા રહીએ એ ન ચાલે. ઘણી બધી સાઈટ્સ KGથી આઠમા ધોરણનાં બાળકો માટે યોગ્ય ગેમ્સ, વીડિયો અને બુક્સનો ખજાનો છે. એકડો-બગડો શીખવાથી લઈને હ્યુમન બોડી કે પૃથ્વીનાં રહસ્યો છતી કરતી ગેમ્સ પણ તમે બાળકો સાથે જોઈ શકો અને ‘ડાયરી ઓફ અ વિમ્પી કિડ’ જેવી બુક્સનાં ચેપ્ટર્સ પણ વાંચી શકો. આ સિવાય બાળકોને ક્રાફ્ટ તરફ વાળી શકો. ઢગલાબંધ સાઇટ્સ, એપ્સ, વીડિયો વગેરે પર ક્રાફ્ટના ક્લાસ હોય જ છે. બજારમાંથી રંગબેરંગી કાગળ, ક્લે, કલર્સ,કેન્ડી સ્ટીક્સ વગેરે લાવીને કાર્ડ્સ, બટરફ્લાય, પેન સ્ટેન્ડ, બુકમાર્ક્સ વગેરે બનાવતાં શીખવો. મોટાં બાળકો હોય તો જાતે બનાવીને રમી શકાય એવી બોર્ડ ગેમ્સ બનાવતાં શીખવો. બાળકને આ બધું ગમતું હોય છે અને તેની લત લાગે પછી સ્માર્ટફોન તરફ વળશે જ નહીં. બાળકને સાથે લઈને ગાર્ડનમાં કે બીજે રમવા લઈ જાઓ. બાળક સાથે જુદી જુદી રમતો રમો અને તેને મજા કરાવો. ઘરમાં પડેલી જૂની ચીજોમાંથી ગેમ્સ રમાડો અને તેને સતત વ્યસ્ત રાખો. મોબાઈલમાં નહીં પણ મમ્મી-પપ્પા સાથે વધારે મજા આવે છે એવું બાળકને પહેલેથી લાગે તો કદી સ્માર્ટફોન તરફ નહીં વળે.