July 2, 2024

પહેલી જુલાઈથી કયા ફેરફારો લાવશે ?

Prime 9 With Jigar: નવો મહિનો શરૂ થઈ રહ્યો છે અને નવા નિયમો આવી રહ્યા છે. રાંધણ ગેસ સિલિન્ડર, સિમ કાર્ડ તો બધાની પાસે જ હોય એ જોતાં આ નવા નિયમો તો બધા પરિવારોને લાગુ પડશે જ પણ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, Paytm વોલેટ હોય તો પણ આ નવા નિયમો લાગુ પડશે તેથી આ નિયમો જાણવા જરૂરી છે. પહેલી જુલાઈથી ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો ઉપરાંત, Paytm, SBI કાર્ડ સહિતની કેટલીક બેંકો પણ નવા નિયમો અમલી બનાવવા જઈ રહી છે.

જુલાઈ 2024ની શરૂઆત સાથે એટલે કે પહેલી જુલાઈથી અમલમાં આવતા આ નિયમોના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર થવાની છે. ક્રેડિટ કાર્ડ, મોબાઈલ સિમ અને બેંકો સાથે સંબંધિત આ નિયમો પર એક નજર નાંખી લઈએ.

નિયમોમાં શું નવું ?

  • ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણીની પદ્ધતિમાં ફેરફાર થઈ જશે
  • PAYTM બેન્કના નિષ્ક્રિય વોલેટ બંધ થઈ જશે
  • LPG સિલિન્ડર એટલે કે રાંધણ ગેસના ભાવ દર મહિને બદલાશે
  • મોબાઈલ નંબર પોર્ટેબિલિટીને લગતા નિયમો બદલાઈ જશે

આ ઉપરાંત પહેલી જુલાઈથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા પણ અમલમાં આવવાના છે એ જોતાં ઘણું બધું બદલાશે. આ ફેરફારોની આપણા જીવન પર શું અસર થશે તેના પર એક પછી એક નજર નાંખીએ.

પેમેન્ટ સિસ્ટમ માટે નિયમ

  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો આદેશ
  • પહેલી જુલાઈથી તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી BBPS દ્વારા કરવાની
  • BBPS એટલે કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ

CRED, PHONEPE, BIllDESK જેવી કેટલીક મોટી ફિનટેક કપનીઓ દ્વારા ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણીમાં બહુ મુશ્કેલી પડે છે.
આ અંગે બહુ ફરિયાદો મળ્યા પછી ભારતીય રિઝર્વ બેન્કે નિર્દેશ આપ્યો છે કે 30 જૂન પછી તમામ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સની ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે.

શું છે BBPS સિસ્ટમ ?

  • ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ બિલ પેમેન્ટની એક સંકલિત સિસ્ટમ
  • જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સેવા પૂરી પાડે
  • બિલ પેમેન્ટ માટે ઇન્ટરઓપરેટેબલ પ્લેટફોર્મ
  • ભારત સરકારના NPCI હેઠળ કામ કરે છે આ સિસ્ટમ
  • NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
  • UPI અને RUPayની જેમ, BBPS પણ NPCI દ્વારા બનાવાયું

એક રીતે કહીએ તો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પણ Cred, PhonePe, BillDesk, BHIM, Paytm, MobiKwik જેવી એપ્સ પર મળતાં ઈન્ટરફેસ જેવું એક ઇન્ટરફેસ છે. આ ઇન્ટરફેસ દ્વારા દ્વારા તમામ બિલ એક જ પ્લેટફોર્મ પર ચૂકવી શકાશે. જોકે, આ જાહેરાતનો અમલ થવા અંગે કેટલીક શંકાઓ છે કેમ કે 26 બેંકોએ હજુ સુધી BBPS સિસ્ટમને સક્ષમ કરી નથી. આરબીઆઈએ આદેશ આપ્યો કે 30 જૂન પછી, તમામ ક્રેડિટ કાર્ડ ચુકવણીઓ BBPS દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છતાં, HDFC બેંક, ICICI બેંક અને Axis બેંક જેવી કેટલીક મોટી બેન્કોએ હજુ સુધી તેમના ગ્રાહકો માટે BBPS સક્રિય કરી નથી. હાલમાં, માત્ર આઠ બેંકોએ BBPS સિસ્ટમનો સંપૂર્ણ અમલ કર્યો છે.
પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ કંપનીઓની તૈયારી અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમલીકરણ માટે 90 દિવસના વિસ્તરણની વિનંતી કરી છે. RBIને એક અરજી પણ આપવામાં આવી છે પણ હજુ સુધી એક્સટેન્શન અંગે કોઈ નિર્ણય જાહેર કરાયો નથી.
જો કે બેંકો દ્વારા સિસ્ટમ અપડેટ ના કરાતાં એક્સટેન્શન મળી શકે છે. ક્રેડિટ કાર્ડમાં પણ એસબીઆઈનાં ક્રેડિટ કાર્ડ ધરાવતાં લોકોએ બીજા એક ફેરફારની નોંધ લેવી પડશે.

SBIના ગ્રાહકો માટે શું ફેરફાર ?

  • SBI ક્રેડિટ કાર્ડની વિશેષ જાહેરાત
  • રિવોર્ડ પોઈન્ટ્સ સ્ટોર કરવાનું બંધ
  • 15 જુલાઈથી રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં

ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે ક્રેડિટ કાર્ડ ધારકોએ પણ તેના નિયમો અને શરતોમાં સુધારો કર્યો છે.

HDFCના ગ્રાહકો માટે શું ફેરફાર ?

  • 1 ઓગસ્ટ, 2024થી અમલ
  • થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરીને ભાડાના વ્યવહારો માટે નિયમ
  • આવા વ્યવહારો માટે 1% ચાર્જ વસૂલાશે
  • થર્ડ પાર્ટી પેમેન્ટ એપ દ્વારા કરાતા ભાડાના વ્યવહારો પર ટ્રાન્ઝેક્શન માટે પણ ચાર્જ
  • ટ્રાન્ઝેક્શનની રકમ પર એક ટકાનો ચાર્જ પણ વસૂલવામાં આવશે
  • ચૂકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 3,000 રૂપિયા
  • 50,000 રૂપિયાથી વધુના યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ
  • 50,000 રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ નહીં
  • 15,000 રૂપિયાથી વધુના ફ્યુઅલના વ્યવહારો પર 1% ચાર્જ
  • 15,000થી ઓછા વ્યવહારો પર કોઈ વધારાના ચાર્જ લાગશે નહીં
  • 15,000થી વધુના વ્યવહારો પર સમગ્ર રકમ પર 1 ટકા ચાર્જ
  • થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ
  • તમામ આંતરરાષ્ટ્રીય અથવા ક્રોસ કરન્સી વ્યવહારો પર 3.5%ની માર્કઅપ ફી
  • સ્ટેટમેન્ટ ક્રેડિટ અથવા કેશબેક પર રિવોર્ડ રિડીમ કરનારા ગ્રાહકો માટે નિયમ
  • આવા ગ્રાહકો પાસેથી 50 રૂપિયાની રિડેમ્પશન ફી વસૂલવામાં આવશે
  • રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કરતા ગ્રાહકો પર દર મહિને 3.75% ચાર્જ
  • વ્યવહારની તારીખથી બાકી રકમની સંપૂર્ણ ચૂકવણી સુધી લાગુ રહેશે

કોલેજ અથવા સ્કૂલની વેબસાઇટ અને તેમના POS મશીનો દ્વારા સીધા કરવામાં આવેલા વ્યવહારો માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઈઝી-EMI વિકલ્પનો લાભ લેવા માટે, ગ્રાહકોએ 299 રૂપિયા સુધીની EMI પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા અને તેની કામગીરી માટે બે વર્ષ પહેલાં ગાઈડલાઈન બહાર પાડી હતી.

આ ગાઇડલાઇન મુજબ બેંક સાત વર્કિંગ દિવસોમાં ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા પૂરી નહીં કરે તો તેમને ખાતું બંધ થાય ત્યાં સુધી દરરોજ 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ- ઇશ્યૂઝ એન્ડ કંડક્ટ) દિશાનિર્દેશો, 2022 પ્રમાણે આ ગાઈડલાઈન 1 જુલાઈ, 2022થી અમલમાં આવી ગઈ છે પણ તેનો અમલ નહીં કરાતો હોવાની ફરિયાદોના પગલે 1 જુલાઈથી કડક રીતે અમલ કરાશે.આ ગાઈડલાઇનમાં ક્રેડિટ કાર્ડને લગતા નિયમો ભારતમાં કાર્યરત પેમેન્ટ્સ બેંક, સ્ટેટ કો-ઓપરેટિવ બેંકો અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક સિવાયની શીડ્યુલ્ડ બેંકો અને NFBCને લાગુ પડશે.આ સિવાય બીજા પણ કેટલાક નિયમોનો કડકાઈથી અમલ કરાશે.

ક્રેડિટ કાર્ડધારકો માટે શું ફેરફાર ?

  • ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયાની શરૂઆત
  • કાર્ડધારક 30 દિવસની અંદર કોઈ જવાબ ના આપે તો શું ?
  • ઉપરાંત જો તમામ બિલ ક્લિયર થઈ જાય તો?
  • આવી સ્થિતિમાં કાર્ડ ઇશ્યૂ કરનાર કાર્ડ બંધ કરી શકે
  • કાર્ડ બંધ કર્યાના 30 દિવસની અંદર ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને આપવાની રહેશે
  • એકાઉન્ટ બંધ કરતી વખતે ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં થોડું ક્રેડિટ બેલેન્સ હોય તો ?
  • આવી સ્થિતિમાં બેલેન્સને કાર્ડ હોલ્ડરના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડશે

પહેલી જુલાઈથી મોબાઇલ નંબર અને મોબાઈલ નંબર પોર્ટેબિલિટીને લગતા નિયમો પણ બદલાઈ રહ્યા છે.

મોબાઇલધારકો માટે બદલાયા નિયમો

  • કાર્ડ ચોરાય કે નુકસાન થાય તો તરત નવું કાર્ડ નહીં મળે
  • TRAI સુરક્ષાના કારણોસર સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર
  • નવા નિયમ હેઠળ સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો ?
  • ગ્રાહકે હવે નવા સિમ માટે થોડો સમય રાહ જોવી પડશે
  • અગાઉ સ્ટોર પરથી નવું સિમ કાર્ડ મળતું હતું
  • હવે, એનો લોકિંગ પીરિયડ લંબાવવામાં આવ્યો
  • હવે, 7 દિવસ પછી નવું સિમ આપવામાં આવશે
  • છેતરપિંડી જેવા કેસો પર અંકુશ લગાવવા માટે કોશિશ
  • ટેલિકોમને લગતા ઘણા નિયમોમાં સુધારો કરીને તેને કડક બનાવ્યા
  • સુધારેલા નિયમોનો પણ પહેલી જુલાઈથી અમલ
  • એક ID પર માત્ર 9 સિમ કાર્ડ લઈ શકાય
  • દેશનાં બીજાં રાજ્યોમાં એક વ્યક્તિ પોતાના નામે 9 સિમ કાર્ડ લઈ શકે
  • જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કિસ્સામાં 6 સિમ કાર્ડ લઈ શકાય\
  • મર્યાદાથી વધુ સિમ કાર્ડ લેનારને ભારે દંડ થશે
  • નિયમનું પ્રથમ વખત ઉલ્લંઘન કરવા બદલ 50 હજાર રૂપિયાનો દંડ
  • બીજી વખત ઉલ્લંઘન કરવા પર 2 લાખ રૂપિયાનો દંડ
  • ત્રીજી વખત ઉલ્લંઘન કર્યું તો જેલભેગા થવું પડશે
  • અન્ય કોઈ વ્યક્તિના IDના આધારે સિમ કાર્ડ લેવા બદલ 3 વર્ષની જેલ
  • જેલ ઉપરાંત 50 લાખનો તોતિંગ દંડ પણ થઈ શકે
  • અત્યારે લોકોને બેફામ મેસેજ મોકલે છે કંપનીઓ
  • હવે, યૂઝરની સંમતિ વિના કંપનીઓ કમર્શિયલ મેસેજ મોકલી શકશે નહીં
  • આ નિયમ તોડવા બદલ 2 લાખ સુધીનો દંડ ચૂકવવો પડશે
  • મોબાઈલ નંબર પોર્ટેબિલિટી અંગે પણ નવો નિયમ બનાવાયો

નવા નિયમ પ્રમાણે, સિમ સ્વેપ અથવા સિમ રિપ્લેસમેન્ટ પછી ઓછામાં ઓછા 7 દિવસ પસાર થયા પછી જ મોબાઇલ નંબર પોર્ટ કરવો શક્ય બનશે.ટેલિકોમ મંત્રાલયે શુક્રવારે સત્તાવાર નિવેદનમાં બહાર પાડીને એલાન કર્યું હતું કે, ભારતીય દૂરસંચાર નિયમનકારી પ્રાધિકરણ એટલે કે ટ્રાઈએ નવો કાયદો 14 માર્ચ 2024ના રોજ જારી કર્યો હતો. હવે, પહેલી જુલાઈથી આ કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે. આ કાયદા એટલે કે ટેલિકોમ્યુનિકેશન મોબાઇલ નંબર પોર્ટેબિલિટી નિયમનનો પહેલી જુલાઈથી અમલ થતાં મોબાઈલ સિમના ગુનાઈત પ્રવૃત્તિ માટેના ઉપયોગ પર નિયંત્રણ આવી જશે. આ કાયદામાં કરવામાં આવેલો સુધારો ક્રિમિનલ્સ દ્વારા સિમ સ્વેપ અથવા સિમ રિપ્લેસમેન્ટનો ઉપયોગ કરીને મોબાઇલ નંબર પોર્ટ કરવાના કિસ્સા પર અંકુશ લગાવવા માટે છે. આ સુધારેલા કાયદા હેઠળ એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.

મોબાઇલ નંબર પોર્ટ કરવા માટે માંગવામાં આવતા યુનિક પોર્ટિંગ કોડ એટલે કે યુપીસીને લગતી આ જોગવાઈ પ્રમાણે તાત્કાલિક કરાતી કોઈ પણ રિક્વેસ્ટ રિજેક્ટ થશે. નવા કાયદાથી હવે મોબાઈલ ઓપરેટર્સને યુનિક પોર્ટિંગ કોડની વિનંતીને નકારવાનો અધિકાર મળ્યો છે.
સિમ સ્વેપ અથવા રિપ્લેસ કર્યાના 7 દિવસની અંદર પોર્ટ કોડની વિનંતી મોકલવામાં આવી હોય એવા કિસ્સામાં યુનિક પોર્ટિંગ કોડની વિનંતીને સંપૂર્ણપણ નકારી કઢાશે જ્યારે એ પછીના કિસ્સામાં ઓપરેટર નિર્ણય લેશે. આ નિયમનો અર્થ એ થયો કે, સિમ સ્વેપ અથવા સિમ રિપ્લેસમેન્ટ પછી ઓછામાં ઓછા 7 દિવસ પસાર થયા પછી જ મોબાઇલ નંબર પોર્ટ કરવું શક્ય બનશે.મતલબ કે, ટેલિકોમ કંપનીઓ સિમ બદલવા અથવા નવું સિમ લેવાના સાત દિવસ પૂરા થયા પહેલા ‘યુનિક પોર્ટિંગ કોડ’ (UPC) જારી કરી શકશે નહીં. UPC મોબાઈલ નંબર પોર્ટ કરવા માટેનું પહેલું પગલું છે. ગ્રાહકો તેમના હાલના ટેલિકોમ ઓપરેટરને સંદેશ મોકલે છે અને તેમને 8 અંકનો કોડ મળે છે.મોટાભાગની સિમ સ્વેપ છેતરપિંડી મોબાઇલ નંબરને બીજી કંપનીમાં ખસેડતી વખતે (મોબાઇલ નંબર પોર્ટેબિલિટી) અને નવું સિમ લેતી વખતે થાય છે તેથી આ નિયમ બનાવાયો છે.

સોશિયલ મીડિયાનો દુરૂપયોગ અટકશે

  • સરકારે સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા નિયમ બદલ્યો
  • કટોકટીમાં સરકાર ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને પોતાના હાથમાં લઈ શકશે
  • સરકાર કૉલ અને મેસેજને ઇન્ટરસેપ્ટ પણ કરી શકશે
  • લોકોને ભડકાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ

આ ઉપરાંત બીજો મહત્વનો ફેરફાર એ છે કે, Paytm પેમેન્ટ બેંકના નિષ્ક્રિય વોલેટ્સ 20 જુલાઈ 2024થી બંધ થઈ જશે.

PAYTM કરો યા ના કરો ?

  • એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી એ વોલેટ બંધ થશે
  • વોલેટમાં ઝીરો બેલેન્સ હોય એ વોલેટ બંધ થઈ જશે
  • તમામ વપરાશકારોને પહેલાં નોટિસ આપીને જાણ કરવામાં આવશે
  • વૉલેટ બંધ થવાના 30 દિવસ પહેલાં જાણ કરવામાં આવશે
  • ગ્રાહકો પાસે ઇનએક્ટિવ વોલેટને એક્ટિવ કે બંધ કરવાનો વિકલ્પ

જો છેલ્લી તારીખ સુધીમાં ઇનએક્ટિવ એકાઉન્ટ અને વોલેટને એક્ટિવ અથવા બંધ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ અને વૉલેટને ઓટોમેટિક બંધ કરી દેવામાં આવશે. PAYTM પર ધીરે ધીરે જે રીતે તવાઈ આવી રહી છે એ જોતાં તેની સિસ્ટમને વ્યવસ્થિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે એ સ્પષ્ટ છે. આ ઉપરાંત રાંધણ ગેસના ભાવોમાં પણ હવે દર મહિને ફેરફાર થશે. LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સ્કીમ અત્યાર ચાલુ જ છે. હાલની સ્કીમ પ્રમાણે, LPG સિલિન્ડરની નવી કિંમત દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે.

આ જાહેરતમાં કિંમતમા વધારો કે ઘટાડો કરી શકાય છે અથવા તેમાં કોઈ ફેરફાર ના કરાયો હોય એવું બને. અત્યારે જે સ્થિતી છે તેમાં કંપનીઓ દર મહિને જાહેરાત કરતી નથી પણ હવે પછી ભાવ ના બદલાયા હોય તો પણ પેટ્રોલિયમ કંપનીઓએ આ બધાને લગતા અપડેટ્સ જારી કરવા પડશે.