December 23, 2024

દંડ તો ભરવો જ પડશે

Prime 9 With Jigar: ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન યોગ્ય રીતે કરાતું નથી અને તેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ટ્રાફિકના નિયમોના ભંગ માટે ઈ-ચલણ મોકલાય છે પણ વાહન માલિકો ઈ-ચલણની ચૂકવણી કરવામાં ધાંધિયા કરે છે.

તેથી ગુજરાત સરકાર નિયમોને કડક બનાવ્યા કરે છે. આ કડક નિયમો છતાં ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા વાહન ચાલકોને પાઠવવામાં આવતા ઈ-ચલણ ભરાતાં જ નથી. વાહન ચાલકો ઈ-ચલણનો ડર રાખ્યા વગર ટ્રાફિક નિયમો તોડે છે. તેથી ટ્રાફિકના મામલે ગુજરાતમાં ભયંકર અરાજકતા પ્રવર્તે છે. આ અરાજકતાને દૂર કરવા માટે ગુજરાત સરકાર ઇ-ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ કરવાની છે.

ગુજરાતમાં દરરોજ હજારો વાહનોની નેશનલ હાઈવે પર અવરજવર થતી હોય છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરે છે તેથી રાજ્ય સરકાર ‘ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ’ અમલમાં મૂકી રહી છે. ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ-ચલણ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી છે પણ મોટા ભાગે પહેલી ઓગસ્ટથી ઇ-ડિટેક્શન પ્રોજેક્ટ ચાલુ થઈ જશે.

ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ

  • વાહનચાલકો પાસેથી આપોઆપ દંડ વસૂલાશે.
  • PUC સર્ટિફિકેટ, વીમો અથવા ટેક્સ ચૂકવણીની રસીદ જરૂરી.
  • આવશ્યક દસ્તાવેજો ન ધરાવતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલાશે.
  • નેશનલ અને સ્ટેટ હાઈવે પરના ટોલ કલેક્શન કેન્દ્રોને ઈ- પ્રોજેક્ટ સાથે જોડાશે.
  • ટોલ પ્લાઝાના સર્વર સાથે વાહન-4નું સર્વર લિન્ક કરવાની કામગીરી ચાલું.

પ્રથમ તબક્કો કેવો હશે ?

  • ઓપરેટરો દરરોજ ડેટા ઈ-ડિટેક્શન સોફ્ટવેર પર અપલોડ કરશે.
  • ડેટાને ‘વ્હીકલ સોફ્ટવેર’ સાથે ચકાસવામાં આવશે.
  • વાહન માલિકોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા નોટિફિકેશન મળશે.
  • ઈ-ચલણને વાહનના FASTag સાથે જોડી દેવામાં આવશે.
  • દસ્તાવેજ ના હોય તો સીધી FASTag એકાઉન્ટમાંથી રકમ કપાશે.
  • પ્રોજેક્ટની શરૂઆત ટ્રાન્સપોર્ટ વાહનોથી થશે.
  • ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશનથી કોમર્શિયલ વાહનોની વિગતો એકઠી કરાશે.

પરિવહન વિભાગની યોજના માલસામાનની હેરફેર કરતાં વાહનથી માંડીને ખાનગી વાહન સુધીનાં દરેક વાહન પાસે જરૂરી દસ્તાવેજો અને મંજૂરીઓ ફરજિયાત કરવાની છે. આ સિવાય રાજ્ય સરકાર અનપેડ ઇ-ચલણના મુદ્દાને ઉકેલવા આ પગલા ભરી રહી છે તેથી તમામ વાહનોને આવરી લેવાશે. ટોલ પ્લાઝા પરથી વાહન પસાર થાય ત્યારે તેનું સ્કેનિંગ થતું હોય છે. આ સ્કેનિંગમાં વાહનના પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ, પરમિટ જેવા પુરાવા ન હોય તો આપોઆપ ઈ-ચલણ ઈશ્યુ થઈ જશે અને તરત FASTag એકાઉન્ટમાંથી રકમ કપાઈ જશે.આ સિવાય જૂનાં બાકી ઈ-ચલણના કિસ્સામાં પણ FASTag એકાઉન્ટમાંથી રકમ કપાઈ જશે.

પ્રથમ તબક્કો કેવો હશે ?

  • પ્રથમ તબક્કામાં પીળી નંબર પ્લેટવાળી કેબ-ટેક્સી
  • બસો, ટ્રક, ગુડ્સ કરિયર સહિત તમામ કૉમર્શિયલ વાહનોને નિયમ લાગુ પડશે
  • વાહનોના કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં હોય તો તાત્કાલિક ઈ-ચલણ જનરેટ થશે
  • પ્રોજેક્ટ અમદાવાદમાં લાગુ કરવામાં આવશે
  • જેના પછી ચાર ટોલ ટેક્સ ચેકપોઇન્ટ પર પ્રોજેક્ટ શરૂ કરાશે
  • તબક્કાવાર રાજ્યના બીજા વિસ્તારોમાં પણ એનો અમલ કરાશે

ઇ-ડિટેક્શન પ્રોજેક્ટના કારણે અમદાવાદનાં અઢી લાખ સહિત રાજ્યના 10 લાખ કોમર્શિયલ વાહનોને સીધી અસર થશે.
પછીના તબક્કામાં ખાનગી વાહનોને સમાવવાની યોજના છે. FASTag એકાઉન્ટમાં પૂરતી રકમ ના હોય તો વાહનચાલકોએ આ ઈ-ચલણ FASTag એકાઉન્ટમાં પૈસા ભરીને તાત્કાલિક અસરથી ક્લિયર કરી દેવા પડશે. RTOમાં જઈને પણ ઈ-ચલણ ભરી શકાય છે.
ઇ-ચલણ ભરવા માટેની સમયમર્યાદા નથી પણ વાહન સબંધિત કામગીરી કરવા જતાં પહેલા વાહન માલિકે ઇ-ચલણ કલીયર કરવું પડશે.
આ પછી વાહન સંબંધિત ઓનલાઇન કે RTOમાં જઇને ફિઝિકલ કામગીરી થઈ શકશે.

કેવી રીતે ચલણ ચેક કરશો ?

  • e.parivahanની વેબસાઇટ પર જઈને ઈ-ચલણ ચેક કરવું.
  • વાહનનો નંબર લખતાં જ તમારું ચલણ કેટલું છે એ ખબર પડી જશે.
  • નેટ બેન્કિંગ, UPI, વોલેટ કે ડેબિટ કાર્ડથી ચલણ ભરી શકાશે.

આ સંજોગોમાં તમારા વાહનના પીયુસી, ટેક્સ, વીમો, પરમીટ કે ફીટનેસ સહિતના ટેસ્ટ કે ડોક્યુમેન્ટ્સ કરાવવાના બાકી હોય તો તાત્કાલિક અસરથી કરાવી લેજો. બાકી ટોલ પ્લાઝા પર ગયા નથી કે તરત જ તમારા નામે ચલણ ફાટી જશે.

અમેરિકામાં કેવા છે નિયમો ?

  • હાઈવે પરના સાઇન બોર્ડનું પાલન કરવું ફરજિયાત.
  • અમેરિકામાં રોડ પર સાઇન બોર્ડ હોય.
  • રોડ સાવ ખાલી હોવા છતાં પણ ડ્રાઇવરે ઊભા રહેવું ફરજિયાત.
  • ડ્રાઇવરે અટકીને રસ્તાની બંને બાજુ જોવું પડે, ત્યારબાદ આગળ વધી શકે.
  • સીટ બેલ્ટ બાંધ્યા વગર ડ્રાઇવિંગ બદલ 25 ડૉલર એટલે કે લગભગ 1900 રૂપિયાનો દંડ.
  • લાઇસન્સ વગર ડ્રાઇવિંગ બદલ 1000 ડૉલર.
  • હેલ્મેટ વિના ડ્રાઇવિંગ બદલ 300 ડૉલર દંડ.
  • નશાની હાલતમાં ડ્રાઇવિંગ બદલ ત્રણ મહિના સુધી લાઇસન્સ રદ અને દંડની જોગવાઈ.
  • ડ્રાઇવિંગ દરમિયાન ફોનના ઉપયોગ બદલ 10 હજાર ડૉલરનો દંડ.

રશિયામાં કેવા છે નિયમો ?

  • રશિયામાં વાહન ગંદુ હોવા બદલ 3000 રશિયન રૂબલનો દંડ.
  • જોખમી રીતે વાહન ચલાવવું ગંભીર ગુનાની શ્રેણીમાં.
  • કારમાં દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત.
  • દારૂના નશામાં વાહન ચલાવવા બદલ 50 હજાર રુબલનો દંડ.
  • ત્રણ વર્ષ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ.

સિંગાપોરમાં કેવા છે નિયમો ?

  • ડ્રાઇવરો જાતે જ તમામ સાઈન અને રોડ માર્કિંગનું કરે છે પાલન.
  • સિંગાપોરમાં પોલીસ ડ્રાઇવરો ઝિબ્રા ક્રોસિંગ અને ટ્રાફિક લાઇટનું પાલન કરે.

દુબઈમાં પણ ગાડી ગંદી હોય તો દંડ. દુબઇની મ્યુનિસિપલ કોર્પોરેશન 500 દિરહામનો દંડ લે છે. ઘણા ડ્રાઇવરો કારને જાહેર પાર્કિંગમાં પાર્ક કરીને લાંબી રજાઓ પર જતા રહે છે.પાર્કિંગમાં પાર્ક કરેલું વાહન જો ગંદુ હોય, તૂટેલું કે ક્ષતિગ્રસ્ત હોય તો તેને ભંગાર જાહેર કરીને સ્ક્રેપયાર્ડમાં મોકલી દેવામાં આવે છે.ભારતમાં ઓછો દંડ છે તેથી લોકો ગણકારતા નથી. દંડ વધારો તો બધાં સીધાં થઈ જાય એવું કહેવાય છે. ઈ-ડિટેક્શન પ્રોજેક્ટની સાથે સાથે વાહનોને લગતો નવો નિયમ અમલી બન્યો છે એ પણ જાણી લેજો. બાકી તેમાં પણ મોટો દંડ થઈ જશે.

નવો નિયમ જાણી લેજો

  • NHAIએ નેશનલ હાઈવે પર FASTagના પાલન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી.
  • વાહનના ફ્રન્ટ વિન્ડશિલ્ડ પર યોગ્ય રીતે FASTag લગાવવું ફરજિયાત.
  • FASTag વિનાનાં વાહનો ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે તો ડબલ ફી ચૂકવવી પડે.
  • NHAIએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરી.

નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ પ્લાઝા પરના CCTV ફૂટેજ FASTag વગરના વાહનોના વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રેકોર્ડ કરશે. એના આધારે ફી અને ટોલ લેનમાં વાહનની હાજરીનો યોગ્ય રેકોર્ડ રાખવામાં આવશે. પહેલા તબક્કામાં કોઈ વાહન પર FASTag યોગ્ય રીતે લગાડવામાં આવ્યું ન હોય તો વાહન ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનો ઉપયોગ કરી શકશે નહીં અને તેને બમણી ટોલ ફી ચૂકવવી પડશે. બીજા તબક્કામાં વારંવાર આ ભૂલ કરતાં વાહનને બ્લેકલિસ્ટ પણ કરી શકાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ બેંકો સહિતનાં પોઈન્ટ-ઓફ-સેલને પણ અમુક સૂચના આપી છે .

જાણવું જરૂરી

  • NHAIએ 45,000 કિલોમીટરના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે માટે ફી લે છે.
  • દેશભરમાં નેશનલ હાઈવે પર લગભગ 1,000 ટોલ પ્લાઝા.
  • તમામ ટોલ પ્લાઝાને એક સિસ્ટમ સાથે જોડી દેવાયાં.
  • ભારતમાં 98 ટકા વાહનો પર FASTag.
  • કુલ 8 કરોડથી વધુ FASTag યુઝર્સ.
  • ભારત સરકારનું લક્ષ્ય FASTagનું પ્રમાણ 100 ટકા.

ઇ-ચલણના કારણે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની વસૂલીનું કામ સરળ થયું છે પણ સાથે સાથે ખતરો પણ વધ્યો છે. વાસ્તવમાં ઇન્ટરનેટના જમાનામાં લાઇફ જેટલી ઇઝી થઇ ગઇ છે એટલો જ ફ્રોડ થવાનો ખતરો વધી ગયો છે અને આ વાત ઇ-ચલણને પણ લાગુ પડે છે. કોઈ પણ નવી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ આવે એટલે હેકર્સ તેનો ગેરફાયદો ઉઠાવીને લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરવા મેદાનમાં આવી જ જતા હોય છે. હમણાં ઇ-ચલણ અંગેનું એક ફ્રોડ બહાર આવ્યું છે તેથી ઇ-ચલણની વિગતોની સાથે સાથે આ ફ્રોડ અંગેની માહિતી મેળવવી પણ જરૂરી છે. ઇ-ચલણના નામે થતા આ પ્રકારના ફ્રોડ ગુજરાત અને કર્ણાટકમાં જોવા મળ્યા છે.આ ફ્રોડમાં WhatsApp પર ઈ-ચલણ મોકલીને લોકોને ખંખેરવામાં આવે છે. વિયેતનામના હેકર ગ્રૂપના સ્કેમર્સ વોટ્સએપ પર નકલી ઇ-ચલણ મેસેજ મોકલીને ભારતીય યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે….

આટલું ધ્યાન રાખજો ?

  • વોટ્સએપ પર ઇ-ચલણ મળ્યું હોય તો દંડ ભરવાની ઉતાવળ ના કરો.
  • ઇ-ચલણ નકલી હોઈ શકે.
  • હેકર્સ દ્વારા બિછાવવામાં આવેલી જાળ હોઈ શકે.
  • મેસેજ દ્વારા હેકર્સ યુઝરને નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવે.
  • બેંક એકાઉન્ટ ડિટેઈલ અને કાર્ડની વિગતો ચોરાઈ શકે.
  • શંકાસ્પદ ઈ-ચલણમાં આપવામાં આવેલી લિન્કના ડોમેઇનની તપાસ કરો.
  • લિન્કમાં છેલ્લે gov.in હોય તો લિન્ક અસલી.
  • બાકી તો ફ્રોડ છે એ સમજી જવાનું.
  • અસલી ચલણમાં વાહનની તસવીર, વિગતો.

દેશની ટોચની સાયબર સિક્યોરિટી ફર્મ CloudSEK દ્વારા હાલમાં એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં ઈ-ચલણના નામે કરાતા નવા પ્રકારના ફ્રોડ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે અને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

ફ્રોડ કરનારા સતત લોકોને SMS દ્વારા ઈ-ચલણ ભરવા માટે ફેક લિંક મોકલે છે. પરિવહન સેવા અથવા કર્ણાટક પોલીસના નામે મોકલાતા નકલી ઈ-ચલણમાં નકલી ટ્રાફિક ભંગના કિસ્સા બનાવી કાઢીને દંડ થયો હોવાનું કહે છે. યુઝર મેસેજ સાથે આપેલી લિંક પર ક્લિક કરે એટલે માલવેર APK એટલે કે Android એપ્લિકેશન પેકેજ ડાઉનલોડ કરવા માટે કહેવાય છે. આ એપ એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી કોન્ટેક્ટ લિસ્ટ, ફોન નંબર, ફોન કોલ્સ, SMS અને ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશન વગેરેની મંજૂરી માગવામાં આવે છે.

આ મંજૂરી આપો એટલે પછી વન-ટાઇમ પાસવર્ડ્સ OTP અને અન્ય સંવેદનશીલ મેસેજને અટકાવી હેકર ઈ-કોમર્સ એકાઉન્ટ્સને ઍક્સેસ કરીને નાણાં ખંખેરી લે છે. આ કૌભાંડે સમગ્ર ભારતમાં યુઝર્સને ખંખેર્યા છે પણ ગુજરાતમાં આ સ્કેમનો સૌથી વધુ લોકો ભોગ બન્યા છે અને બીજા નંબરે કર્ણાટક છે. વિયેતનામના બૅક ગિઆંગ પ્રાંતમાં બેસીને કામ કરતા હેકર્સ પોતાની ઓળખ છુપાવવા માટે પ્રોક્સી આઈપીનો ઉપયોગ કરે છે. ઈ-ચલણના નામે ચાલતા આ કૌભાંડનો ભોગ ના બનવું હોય તો સૌથી પહેલાં ક્યા નંબર પરથી મેસેજ આવ્યો છે એ તપાસો.

તમને આ મેસેજ સામાન્ય નંબર પરથી મળ્યો હોય તો લિંક પર ક્લિક ન કરો કેમ કે એ ફ્રોડ હોઈ શકે છે.

કેવી રીતે ચેક કરશો ઈ-ચલણ ?

  • https://echallan.parivahan.gov.in/ પર જાઓ.
  • ડ્રાઈવિંગ લાઇસન્સ નંબર કે વાહન રજિસ્ટ્રેશન નંબર નાંખવો.
  • તમારા નામે હશે એ બધાં ઇ-ચલણ દેખાશે.
  • અસલી ઇ-ચલણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય.

સૌથી પહેલાં તો એન્ટિવાયરસ સૉફ્ટવેરનો ઉપયોગ કરો.તમારા મોબાઈલ ફોન, લેપટોપ કે ડેસ્કટોપમાં પ્રતિષ્ઠિત એન્ટિવાયરસ અને એન્ટિ-માલવેર સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી દો. બીજો નિયમ એ યાદ રાખો કે, અજાણી એપ્લિકેશનને કદી ડાઉનલોડ ન કરો. ત્રીજો નિયમ એ યાદ રાખો કે, હંમેશાં વિશ્વસનીય એપ્સ ઇન્સ્ટોલ કરો, એપલ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર જેવા સત્તાવાર સ્ત્રોતોમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો. ચોથો નિયમ એ યાદ રાખો કે, તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સ અપડેટેડ રાખો. પાંચમો નિયમ એ યાદ રાખો કે, તમારું બેંક એકાઉન્ટ એલર્ટ હમેશાં ચાલુ રાખો. તમારા બેંક એકાઉન્ટમાં એક રૂપિયાનું પણ ટ્રાન્ઝેક્શન કરાય તો બીજી સેકન્ડે તમને ખબર પડવી જોઈએ. છેલ્લે નિયમ એ યાદ રાખો કે, તમારા પરિવારજનોને અને અન્યોને પણ આ રીતે કરાતા ફ્રોડ વિશે માહિતી આપી જાગૃતિ ફેલાવો. E-challan ફ્રોડ લોકોના ડરનો લાભ લેવા માટેનું સ્કેમ છે તેથી ડરશો નહીં. જો ડર ગયા વો મર ગયા.