September 4, 2024

સર્વરની સામે શરણાગતિ

Prime 9 With Jigar: અત્યારે ટેકનોલોજીનો જમાનો છે અને આપણે સૌ કોમ્પ્યુટર યુગમાં જીવી રહ્યા છીએ. બલ્કે કોમ્પ્યુટરજીવી થઈ ગયા છે એમ કહીએ તો ચાલે ને કઈ હદે કોમ્પ્યુટરજીવી થઈ ગયા છીએ તેનો અહેસાસ માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતાં થઈ ગયો. શુક્રવારે માઈક્રોસોફ્ટ સર્વરમાં ખરાબીને કારણે અડધી દુનિયા ઠપ થઈ ગઈ એમ કહીએ તો ચાલે.  પહેલાં તો કોઈને શું થઈ રહ્યું છે તેની ખબર જ ના પડી.

સાઇબર અટેક કે ટેક્નિકલ એરર

  • હજારો ડેસ્કટોપ, PC અને લેપટોપને અસર
  • અચાનક બંધ થયાં કે રિસ્ટાર્ટ થવાં લાગ્યાં
  • સિસ્ટમ પર મોટો સાયબર અટેક થયો હોવાનો ડર લાગ્યો
  • હેકર્સે સિસ્ટમને હેક કરીને કબજો કર્યો હોવાનું મનાયું
  • માઇક્રોસોફ્ટે સ્પષ્ટતા કરી કે, આ તો છે ટેકનિકલ એરર
  • સાયબર અટેક નથી કે સિક્યોરિટીમાં ખામી નથી
  • કેટલાક લોકોને એરરની વાત પર વિશ્વાસ થતો નથી

માઈક્રોસોફ્ટના દાવા પ્રમાણે સર્વરમાં શું સમસ્યા થઈ હતી તે જાણી લેવાયું છે અને તેને ફિક્સ કરવા માટેની પ્રક્રિયા પણ પૂરી કરી દેવાઈ છે. માઈક્રોસોફ્ટે લેટેસ્ટ અપડેટ્સ માટે ગ્રાહકોને સપોર્ટ પોર્ટલ તથા પોતાની વેબસાઈટનો સંપર્ક કરવા ભલામણ પણ કરી.

કઈ એરર હતી ?

  • માઇક્રોસોફ્ટે સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ જાહેર કર્યું
  • ચોક્કસ કોન્ફીગ્રેશનમાં કરાયેલા એક ફેરફારથી ખામીની શરૂઆત
  • ફેરફારના કારણે સર્વરના સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ
  • કનેક્ટિવિટી જતી રહી અને સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાઈ

આમ તો માઈક્રોસોફ્ટ સર્વરમાં ખરાબીની દુનિયાના ઘણા બધા દેશોમાં અસર વર્તાઈ પણ સૌથી વધારે અસર ભારત અને અમેરિકામાં વર્તાઈ છે.

વ્યાપક અસરો થઈ

  • અમેરિકા અને ભારત સહિતના દેશોમાં અસરો
  • એરલાઇન્સ અને બેંકોમાં સહિતનાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં શટડાઉન
  • કામકાજ ઠપ થઈ ગયું અથવા તો એકદમ સ્લો થઈ ગયું

આ સેક્ટર્સને અસર

  • ફાઇનાન્સ કંપનીઓ, IT કંપનીઓ
  • શેરબજાર, બેંકો
  • ન્યૂઝ ચેનલ, મેટ્રો ટ્રેન
  • ઑનલાઇન પેમેન્ટ સિસ્ટમ
  • સુપરમાર્કેટ, હૉસ્પિટલ
  • હોટેલ અને કોર્પોરેટ ઑફિસ
  • ઇમરજન્સી સર્વિસિસ
  • કોર્પોરેટ હાઉસીસ

માઇક્રોસોફ્ટની પાવરબાય, માઈક્રોસોફ્ટ ફેબ્રિક, માઈક્રોસોફ્ટ ટીમ, માઈક્રોસોફ્ટ 365 એડમિન સેન્ટર, માઈક્રોસોફ્ટ વ્યુ, વિવા એન્ગેજ જેવી સેવાઓ સર્વર ડાઉન થવાના ખોરવાઈ ગઈ હતી. આ બધી સામાન્ય માણસ માટે ટેકનિકલ વાતો છે પણ સરળ શબ્દોમાં કહીએ તો માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન થતાં આખી દુનિયામાં સમગ્ર વિશ્વમાં જ્યાં પણ માઈક્રોસોફ્ટનાં સોફ્ટવેર વપરાય છે એવી હવાઈ સેવાઓથી લઈ બેન્કીંગ સેવા સુધીનું બંધું પ્રભાવિત થઈ ગયું. માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન અંગે ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહેવું પડ્યું કે, વૈશ્વિક આઉટેજને મુદ્દે આઈટી મંત્રાલય માઈક્રોસોફ્ટના સંપર્કમાં છે. વૈશ્વિક આઉટેજની NIC નેટવર્ક પર કોઈ અસર થઈ નથી પણ બીજી ઘણી સેવાઓને અસર થઈ છે.

વિમાનો ન ઊડી શક્યાં

  • સૌથી વધારે અસર વિશ્વભરની એરલાઇન્સ સેવા પર
  • હવાઈ સેવા બહું ખરાબ રીતે પ્રભાવિત થઈ
  • અમદાવાદથી જતી ઇન્ડિગોની 7 ફ્લાઇટ કેન્સલ થઈ
  • હૈદરાબાદ, મુંબઈ, પૂણે, બેંગ્લોર અને ચંદીગઢ જનારા મુસાફરો અટવાયા
  • વડોદરામાં પણ એની અસર વર્તાઈ
  • વડોદરાના હરણી એરપોર્ટ પર સર્વર પ્રોબ્લેમ
  • હૈદરાબાદ અને પૂણે જતા યાત્રીઓ અટવાઈ ગયા
  • ઇન્ડિગોની ફ્લાઇટ માટે નાણાં લેવાયા
  • PNR જનરેટ ના થતા પ્રવાસીઓ ફસાયા
  • વડોદરામાં હૈદરાબાદ પૂણે બેંગ્લોરની ફ્લાઈટ લેટ થઈ
  • વડોદરા દિલ્હીની ફ્લાઈટ રદ થઈ ગઈ
  • તમામ જગ્યાએ આ જ રીતે હવાઈ સેવા ખોરવાઈ
  • ભારતમાં એરલાઈન્સે ટ્વિટર પર પોસ્ટ મૂકી જાણ કરી
  • ટેકનિકલ ખામીના કારણે સેવાઓ આપવામાં તકલીફનો અનુભવ
  • બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ કાર્યક્ષમતા સહિતની ઓનલાઇન સેવાઓને અસર
  • સ્પાઇસ જેટે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઈન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ શરૂ કરવી પડી

આ સ્થિતી બીજી એક એરલાઈન્સની પણ છે કેમ કે દિલ્હી એરપોર્ટે પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, વૈશ્વિક IT સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર કેટલીક સેવાઓ અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ છે.

એરલાઇન્સ ઠપ થઈ ગઈ

  • દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ પણ અનેક સેવાઓ મેન્યુઅલ કરવી પડી
  • મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે સ્ટાફ વધારવો પડ્યો
  • મુસાફરોને ફ્લાઇટની માહિતી માટે જહેમત
  • એરલાઇન્સ કે સ્થળ પરના હેલ્પ ડેસ્ક સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવી પડી
  • ભારતના તમામ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ
  • પેસેન્જર્સે ફ્લાઈટ્સ માટે કલાકો સુધી રાહ જોવી પડી
  • જેમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્સે જાતે જ લખીને મુસાફરોને બોર્ડિંગ પાસ આપવા પડ્યા

એર ઇન્ડિયાએ એક્સપ્રેસ પોસ્ટ દ્વારા માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે થયેલી સમસ્યાને કારણે થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કરીને લોકોને ચેક-ઈન માટે સમયસર એરપોર્ટ પર પહોંચી જવાની સલાહ આપી. કંપનીએ એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે તેની ડિજિટલ સિસ્ટમ પ્રભાવિત થઈ છે. માઈક્રોસોફ્ટની હાલની સમસ્યાઓના કારણે વિમાનોની અવરજવરમાં વિલંબ થઈ રહ્યો છે તેથી દિલગીર છીએ. દુનિયાના બીજા દેશોમાં તો તેનાથી પણ વધારે ખરાબ હાલત થઈ ગઈ.

મુસાફરો અટવાઈ ગયા

  • દુનિયાભરમાં 20 લાખથી વધારે પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા
  • અમેરિકામાં અનેક ફ્લાઈટ્સ ટેક ઓફ થઈ શકી નથી
  • અમેરિકન એરલાઇન્સ અને ડેલ્ટા
  • યુનાઇટેડ એરલાઇન્સ સહિતની ઘણી મોટી એરલાઇન્સને અસર
  • વિમાનો જ્યાં હતાં ત્યાં અટકી પડ્યાં
  • યુરોપના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં એમ્સ્ટરડેમનું શિફોલ એરપોર્ટ સામેલ
  • શિફોલ એરપોર્ટ પર એટલાં વિમાનો થઈ ગયાં કે જગ્યા ઓછી પડી
  • શાંઘાઈ, હોંગકોંગ, સિડની, બ્રિસ્બેન અને પ્રાગ એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં વિલંબ
  • લંડનના હિથ્રો એરપોર્ટની મોટા ભાગની ફ્લાઇટ મોડી પડી
  • જર્મનીના બર્લિન એરપોર્ટ પર ચેક-ઈન સેવા કામ કરી રહી નહોતી
  • બર્લિન એરપોર્ટ પર તમામ ફ્લાઈટ મોડી થઈ ગઈ
  • ટર્કિશ એરલાઇન્સની સેવાઓ પણ ખોરવાઈ ગઈ
  • સિંગાપોર એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઈન અટકી ગયું
  • હોંગકોંગ એરપોર્ટ પર ચેક-ઈન અને ચેક-આઉટ સેવાઓ પણ પ્રભાવિત

અમે તમને એરલાઇન્સ સેક્ટરને કેવી અસર થઈ એની જાણકારી આપી. જોકે,દુનિયાભરમાં બીજા ઘણા સેક્ટર્સને અસર થઈ છે.

માઇક્રોસોફ્ટનું સર્વર ખોરવાઈ જવાના કારણે દુનિયાભરમાં અનેક સેક્ટર્સને અસર થઈ છે.

લોકોને ચારે તરફથી મુશ્કેલી

  • બ્રિટનમાં બ્રિટિશ ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝનું પ્રસારણ બંધ થયું
  • બ્રિટનની રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ
  • સમાચાર એજન્સી APની સેવાઓ પણ ખોરવાઈ ગઈ
  • ઇંગ્લેન્ડમાં હેલ્થ બુકિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ
  • અમેરિકા અને UK ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ અસર
  • બેન્કિંગ, ટેલિકોમ, મીડિયા આઉટલેટ્સ અને એરલાઈન્સની સેવાઓ ખોરવાઈ

ઓસ્ટ્રેલિયાના નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે સ્વીકાર્યું કે, દેશની મોટા ભાગની કંપનીઓની સેવાઓ મોટા પાયે પ્રભાવિત થઈ છે. બેંકોમાં પણ એ જ હાલત હતી કેમ કે ઓનલાઈન કશું ચેક કરી શકાય એમ હતું નહીં તેથી હાથે જ કામ કરવું પડ્યું.
નવી પેઢી માટે તો આ બધું નવું નવું છે પણ જે લોકો પચાસ વરસ વટાવી ગયા છે તેમને અચાનક જૂના જમાનામાં પાછા આવી ગયા હોય એવો અહેસાસ થઈ ગયો.

અવારનવાર સમસ્યા કેમ ?

  • ગયા વર્ષે ત્રણ વાર માઈક્રોસોફ્ટ સર્વિસિસમાં ટેકનિકલ ખામી
  • ગયા વર્ષે જૂનમાં આવી જ ખામી સર્જાઈ હતી
  • માઈક્રોસોફ્ટની ઘણી સેવાઓ બંધ થઈ ગઈ હતી
  • યુઝર્સે માઇક્રોસોફ્ટ 365ની સેવા વિશે સૌથી વધારે ફરિયાદો કરી
  • આઉટલુક, માઇક્રોસોફ્ટની ટીમ્સ અને સ્ટોર સેવાઓને પણ અસર થઈ
  • સેવાઓ ભારતમાં પણ કામ કરતી બંધ થઈ ગઈ
  • માઇક્રોસોફ્ટ આઉટલુકનું સર્વર સવારે જ ડાઉન થઈ ગયું
  • ઓફિસ અવર્સમાં મેલ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલી
  • માઇક્રોસોફ્ટ કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી

માઇક્રોસોફ્ટ 365ની સેવાઓમાં ખામી અંગે સમાચાર એજન્સી રોઇટર્સે માઈક્રોસોફ્ટને પણ પૂછ્યું હતું પણ ટિપ્પણીનો જવાબ આપ્યો ન હતો. આ વખતે કંપનીએ સ્પષ્ટતા કરવાનું સૌજન્ય દાખવ્યું. માઇક્રોસોફ્ટે પોતે આપેલી માહિતી પ્રમાણે, વિશ્વભરના હજારો Windows યુઝર્સે એક એરરનો સામનો કરવો પડ્યો છે કેમ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં અચાનક ખામી સર્જાઈ છે.

સર્વર કેમ ડાઉન થાય ?

  • હાર્ડ ડ્રાઇવ, પાવર સપ્લાય અને મેમરી મોડ્યુલ્સ
  • આવાં જટિલ હાર્ડવેરની નિષ્ફળતાને કારણે સર્વર ડાઉન થઈ શકે
  • ઑપરેટિંગ સિસ્ટમ કે સર્વર પર ચાલતા સૉફ્ટવેરમાં ભૂલો કે ક્રેશ
  • આવાં કારણોસર સર્વર ડાઉન થઈ જાય
  • નેટવર્ક સર્વર અને ક્લાયન્ટ વચ્ચે કામ કરે
  • નિષ્ફળતા સેવાઓને પણ અસર કરે
  • કેટલીકવાર ગ્રિડની નિષ્ફળતા કે મેઇન્ટેનન્સના કારણે અસર
  • પાવર સપ્લાયમાં વિક્ષેપને કારણે સર્વર બંધ થાય
  • અતિશય ટ્રાફિક કે લોડના કારણે પણ સર્વર ડાઉન થઈ શકે
  • સર્વર હેન્ડલ કરી શકે એના કરતા વધુ લોડ મેળવે
  • હેન્ડલ કરી શકે તેના કરતા વધુ ડેટા પ્રાપ્ત કરે તો પણ સર્વર ડાઉન થઈ શકે

જોકે માઈક્રોસોફ્ટે એ સ્પષ્ટતા પણ કરી કે, આ સમસ્યા તાજેતરની ક્રાઉડસ્ટ્રાઈક અપડેટને કારણે ઊભી થઈ છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ અચાનક સમસ્યાના કારણે યુઝર્સના ડેસ્કટોપ, પીસી અને લેપટોપ અચાનક બંધ થઈ રહ્યા છે અથવા રીસ્ટાર્ટ થઈ રહ્યા છે.મતલબ કે, પહેલાંની જેમ સતત કોમ્પ્યુટર પર કામ કરી શકાય એવી સ્થિતિ નથી. સામાન્ય રીતે પાંચ કારણોસર સર્વર ડાઉન થાય છે. માઈક્રોસોફ્ટના વિન્ડોઝ 10માં સમસ્યા માટે જે સાયબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈકના અપડેટને જવાબદાર ગણવામાં આવે છે એ કંપનીએ પોતે કબૂલ્યું છે કે કંપનીએ શુક્રવારે વૈશ્વિક સ્તરે એક અપડેટ રજૂ કર્યું હતું. આ અપડેટના કારણે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમમાં બ્લૂ સ્ક્રીનની સમસ્યાનો સામનો કરવો પડ્યો અને તકલીફ થઈ ગઈ. વિવિધ ક્ષેત્રોની સેંકડો પ્રખ્યાત કંપનીઓ દ્વારા માઇક્રોસોફ્ટની સેવાઓનો ઉપયોગ કરાય છે. આ બધી સેવાઓનો ઉપયોગ પણ અટકી ગયો. માઈક્રોસોફ્ટ દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે શું કરવું તેનું માર્ગદર્શન પણ અપાયું. આ વાત ક્યાંક લખી રાખવા જેવી છે કેમ કે માઈક્રોસોફ્ટમાં વારંવાર આવી ખામી સર્જાય છે.
આ પ્રકારની સમસ્યા ભવિષ્યમાં સર્જાય ત્યારે શું કરવું તેના માટે માઈક્રોસોફ્ટે સૂચવેલાં સ્ટેપને લખી રાખીને અનુસરજો.

જાણવા જેવી વાત

  • માઇક્રોસોફ્ટ સર્વરમાં ખામીના કારણે વિન્ડોઝ સિસ્ટમ એકદમ બ્લુ થઈ જાય
  • જેને બ્લુ સ્ક્રીન ઓફ ડેથ અથવા તો BSOD કહેવાય
  • બ્લેક સ્ક્રીન એરર કે સ્ટોપ કોડ તરીકે પણ ઓળખાય બ્લુ સ્ક્રીન એરર
  • ઘણાં બધાં લોકો આ પ્રકારની સમસ્યાનો અનુભવ પહેલાં પણ કરી ચૂક્યા છે
  • વિન્ડોઝમાં કોઈ મોટી સમસ્યા હોય ત્યારે સિસ્ટમ અચાનક બંધ થઈ જાય
  • ફરી શરૂ થઈ જાય ત્યારે આ પ્રકારની સમસ્યા થાય

જે લોકો પણ માઈક્રોસોફ્ટનાં સોફ્ટવેર વાપરે છે તેમણે પોતાના યુઝર્સ સ્ક્રીન પર ‘Windows has been shut down to prevent loss to your computer’ મેસેજ પહેલાં જોયેલો જ છે તેથી આ નવી વાત નથી પણ એ કોઈ યુઝરે એ સમસ્યાનો સામનો કર્યો તેનું કારણ તેમની પોતાની સિસ્ટમ હોય છે. આ એરર માટે હાર્ડવેર અથવા સોફ્ટવેરમાં સમસ્યા જવાબદાર છે. તે તમારા કોમ્પ્યુટરમાં કોઈ નવું હાર્ડવેર ઇન્સ્ટોલ કર્યું હોય તો પણ તમને વાદળી સ્ક્રીનની એરર દેખાય છે પણ તેને માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન સાથે લેવાદેવા નથી હોતી.

ઉકેલ શું છે ?

  • અત્યારે જે સમસ્યા છે એનું કારણ માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન
  • તમારા ડેસ્કટોપ, PC અને લેપટોપ પર વાદળી સ્ક્રીન થઈ જાય તો ?
  • સૌથી પહેલાં ડેસ્કટોપ, PC અને લેપટોપને બંધ કરી દો
  • એ પછી નવા હાર્ડવેરને દૂર કરો અને પછી રિસ્ટાર્ટ કરો
  • રિસ્ટાર્ટ કરવામાં કોઈ સમસ્યા હોય તો તમારી સિસ્ટમને સેફ મોડમાં ચલાવો
  • બ્લુ સ્ક્રીનની એરરની સમસ્યા હજુ પણ દૂર ના થાય તો ?
  • ગેટ હેલ્પ એપ પર જઈને બ્લુ સ્ક્રીન ટ્રબલશૂટરની મદદ લેવી જોઈએ
  • સૌપ્રથમ વિન્ડોઝમાં Get Help એપ્લિકેશન ખોલો
  • સર્ચ બારમાં BSOD એરરને ટ્રબલશૂટ કરો
  • ગેટ હેલ્પ એપમાં મળેલી સ્ટેપ-બાય-સ્ટેપ સૂચનાઓને અનુસરો
  • પ્રકારની સમસ્યા ના સર્જાય એ માટે વિન્ડોઝમાં લેટેસ્ટ અપડેટ્સ ઈન્સ્ટોલ કરો

આ તકલીફે આખી દુનિયાને ખળભળાવી મૂકી છે ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર મીમ્સ મૂકીને તેની મજા પણ લીધી. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને સોશિયલ મીડિયા હેન્ડલ Xના માલિક એલન મસ્કે માઈક્રોસોફ્ટની મજાક ઉડાવતી જૂની ટ્વિટ પણ મૂકી.
એલન મસ્કે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વર્ષ 2021 ની પોસ્ટને રીટ્વીટ કરી છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, Macrohard >> Microsoft

મતલબ કે, માઇક્રોસોફ્ટ કરતાં માઇક્રોહાર્ડ મોટી છે. મસ્કે બીજી રી-ટ્વીટમાં એક ઇમોજી પણ શેર કરી છે જેમાં તેમણે કટાક્ષ કર્યો છે કે, બીજી બધી એપ ડાઉફન છે ત્યારે આ એપ એટલે કે X હજુ ચાલે છે. મસ્ક સહિતના લોકો મજાક કર્યા કરે પણ આ ઘટનાએ લોકોને અહેસાસ કરાવી દીધો છે કે કોમ્પ્યુટર પર આપણે કેટલાં નિર્ભર છીએ અને તેમાં સર્જાતી તકલીફ આપણી સામાન્ય જિંદગીને મોટી અસર કરે છે.

ઘણાં લોકો માઈક્રોસોફ્ટની સ્પષ્ટતા સામે શંકા પણ કરી રહ્યાં છે. તેમને લાગે છે કે, આ માત્ર એક ટેકનિકલ ખામી નથી પણ કોઈક સાઇબર હુમલાને કારણે દુનિયાભરની સિસ્ટમો ઠપ્પ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટ પોતાની આબરૂ બચાવવા માટે સાયબર એટેકની વાત સ્વીકારી નથી રહી પણ આ સાઇબર એટેક જ છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પણ આ સવાલ ઉઠાવી રહ્યા છે.

દાવો કેટલો સાચો ?

  • પોતાની સિસ્ટમ એકદમ સેફ હોવાનો માઇક્રોસોફ્ટનો દાવો
  • હેકર્સને પોતાની સિસ્ટમ હેક કરવા ચેલેન્જ પણ આપી
  • ચાર વર્ષ પહેલાં માઇક્રોસોફ્ટે આપી હતી ચેલેન્જ
  • ઓપરેટિંગ સિસ્ટમ હેક કરવા હેકર્સને ત્રણ મહિનાની ઓપન ચેલેન્જ
  • ચેલેન્જ Azure સ્પીયર ઓપરેટિંગ સિસ્ટમ માટે હતી
  • હેક કરી આપનારને 1 લાખ ડૉલરનું ઇનામ

માઈક્રોસોફ્ટે આ ઓપરેટિંગ સિસ્ટમને 2020માં લિનક્સના કોમ્પેક્ટ અને કસ્ટમ વર્ઝન માટે તૈયાર કરવામાં આવી હતી. તેનો ઉપયોગ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મના પ્રોસેસરમાં થાય છે. માઈક્રોસોફ્ટ સિક્યોરિટી રિસ્પોન્સ સેન્ટરના સિક્યોરિટી પ્રોગ્રામર મેનેજર સિલ્વી લીઉએ દાવો કરેલો કે, Azure સ્પીયર ઓપરેટિંગ સિસ્ટમને વધારે સિક્યોર્ડ કરવા માટે આ ચેલેન્જ અપાઈ હતી. Azure સિસ્ટમ એક ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સિક્યોરિટી સોલ્યુશન છે, જે હાર્ડવેરને સિક્યોરિટી આપે છે. આ ચેલેન્જથી રિસર્ચ ટીમને વધારે રિસર્ચ કરી સિસ્ટમમાં હેકર્સ પહેલાં ખામી શોધવી પડશે તેથી સિસ્ટમ હેક થવાનો કોઈ ચાન્સ ન રહે એવો તેમનો દાવો હતો. આ વખતે પણ અંદરખાને અપાયેલી એવી જ કોઈ ચેલેન્જના ભાગરૂપે સર્વર હેર કરી દેવાયું હોય એ શક્યતા નકારી ના શકાય. જો કે હજુ સુધી કોઈએ આ એટેકની જવાબદારી લીધી નથી પણ ખરેખ સાયબર એટેક થાય તો શું થાય તેનુ ટ્રેલર લોકોને જોવા તો મળી જ ગયું છે.