January 23, 2025

અદાલતમાં અગ્નિકાંડના સળગતા સવાલો | The burning questions of fire in the court

Prime 9 with Jigar: રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 32થી વધુ જિંદગી હોમાઈ ગઈ છે. જેના લીધે સમગ્ર ગુજરાતના લોકોના મનમાં આક્રોશની આગ લાગી છે. અત્યારે દરેક જણને સવાલો થઈ રહ્યાં છે કે, ક્યાં સુધી નિર્દોષ લોકોની જિંદગી હોમાતી રહેશે ? વહિવટીતંત્રની લાપરવાહીના કારણે ક્યાં સુધી લોકો જીવ ગુમાવતાં રહેશે ? માત્રને માત્ર તપાસ અને હળવી કાર્યવાહી બાદ આખરે જૈ સે થેની સ્થિતિ શા માટે ? શું વહિવટીતંત્ર માટે લોકોની જિંદગી સાવ સસ્તી છે ? શું આ આગના દોષિતોની વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ ના કરવો જોઈએ ? મામલો અદાલતમાં પહોંચ્યો છે ત્યારે ત્યાં પણ આક્રોશની આગ જોવા મળી હતી. અરજદારોના વકીલ અને ખૂદ જસ્ટિસે પણ આકરા સવાલો કર્યા હતા. અમે તમારી સમક્ષ આ કેસમાં થયેલી સુનાવણીમાં કોણે કઈ દલીલો કરી એની પૂરેપૂરી વિગતો રજૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013 અને ટાઉન પ્લાનિંગ એક્ટનો ઉલ્લેખ કરીને અરજદારોના વકીલ અમિત મણીલાલ પંચાલે કેવી દલીલો કરી એના પર નજર કરીએ.

અરજદારોના વકીલની દલીલ

  • રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર.
  • સામાન્ય રીતે કરદાતાઓના રૂપિયામાંથી વળતર અપાય.
  • ભવનના ઉપયોગ પહેલાં સક્ષમ ઓથોરિટી દ્વારા વેરિફિકેશન જરૂરી.
  • મંજૂર કરાયેલા પ્લાન મુજબ પાર્કિંગની જગ્યા હોવી જરૂરી.
  • એન્ટ્રી અને એક્ઝિટનાં સાઇનબોર્ડ્સ અનિવાર્ય.
  • ફાયર સર્વિસ અને પ્રોટેક્શન સર્વિસિસની યોગ્ય જાળવણી.
  • નેશનલ બિલ્ડિંગ કોડની જોગવાઈઓ અનુસાર જાળવણી જરૂરી.
  • બિલ્ડિંગનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા પહેલાં ઇન્સ્પેક્શન જરૂરી.
  • ફાયર પ્રોટેક્શન કન્સલ્ટન્ટની સલાહ મેળવવી જરૂરી.
  • ચીફ ફાયર ઓફિસર દ્વારા બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન થાય એ અનિવાર્ય.
  • થોડા થોડા સમયના અંતરે ઇન્સ્પેક્શન કરવું જોઈએ.
  • આ કેસમાં આવી કોઈ કામગીરી થઈ નથી.
  • ફાયર સેફ્ટીનાં સાધનોનું ટેસ્ટિંગ થવું જોઈએ.
  • ટેસ્ટ સર્ટિફિકેટ્સ પણ આપવાં જોઈએ.
  • ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ પાસેથી પરમિશન મેળવવામાં આવી નથી.
  • વિકલાંગો માટે રેમ્પ, વોશરૂમમાં ખાસ વ્યવસ્થા જરૂરી.
  • ફાયર પ્રિવેન્શન માટે માલિકો દ્વારા કોઈ અરજી કરવામાં આવી નથી.
  • ટેમ્પરરી કે કાયમી ઉપયોગ, બંને માટે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન જરૂરી.
  • આ કેસમાં કોઈ પણ કાયદાનું પાલન થયું નથી.
  • NOC મેળવવાનો તો સવાલ જ નહોતો.
  • રાજકોટના ચીફ ફાયર ઓફિસરને કોઈ અરજી જ નહોતી કરાઈ.

અમિત મણીલાલ પંચાલે કેટલાંક ઉપાય પણ સૂચવ્યા છે.

અરજદારોના વકીલની દલીલ

  1. પહેલું પગથિયુંઃ ફાયર સેફ્ટીનાં સાધનો ઇન્સ્ટોલ કરવા પડે.
  2. બીજું પગથિયુંઃ આ સાધનોનું ઑથોરિટી દ્વારા ઇન્સ્પેક્શન.
  3. ત્રીજું પગથિયુંઃ ઑથોરિટી દ્વારા NOC આપવામાં આવે.
  4. ચોથું પગથિયુંઃ NOC મેળવ્યા બાદ જ ઉપયોગ.

રાજકોટ TRP ગેમ ઝોનના કેસમાં આવી કોઈ પણ કામગીરી થઈ નથી. હવે, ગેમ ઝોનના ડોમમાં આગ લાગી હતી. એટલે સવાલ એ થાય કે, બિલ્ડિંગ માટેના નિયમો એને લાગું પડે? સુનાવણી દરમ્યાન અરજદારોના વકીલે બિલ્ડિંગની વ્યાખ્યા આપતાં જણાવ્યું હતું કે, માટી કે મેટલ કે ઇંટ કે બીજા મટિરિયલ્સથી બનાવવામાં આવેલું કોઈ પણ સ્ટ્રક્ચર બિલ્ડિંગ કહેવાય. જેનો ઉપયોગ રહેવા માટે કે, બીજા કોઈ હેતુ માટે કરી શકાય. એ સિવાય ટેમ્પરરી હેતુઓ માટેના ટેન્ટ્સ માટે પણ પરમિશન જરૂરી. અમિત મણીલાલ પંચાલે વધુ કઈ દલીલો કરી એ તમે જાણો.

અરજદારોના વકીલની દલીલ

  • ડોમમાં માત્ર એક એન્ટ્રી અને એક્ઝિટ.
  • જ્વલનશીલ પદાર્થો હતા.
  • જ્વલનશીલ પદાર્થોના સ્ટોરેજ માટે ઓથોરિટી પાસેથી મંજૂરી ના મેળવાઈ.
  • અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.
  • આ એક મર્ડર છે.
  • નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ એક્શન લેવાય એ જરૂરી.
  • ગેમ ઝોનના માલિકોએ રેગ્યુલાઇઝેશન માટે એપ્લાય કર્યું હતું.
  • પરમિશન પણ આપી દેવાઈ કે પેન્ડિંગ છે.
  • ફાયર સેફ્ટીનાં પગલાં વિના રેગ્યુલાઇઝેશન માટે મંજૂરી નહીં.
  • કઈ જોગવાઈ હેઠળ ડોમના ઉપયોગને મંજૂરી અપાઈ હતી?

બાર એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે હાજર એડ્વોકેટ બ્રિજેશ ત્રિવેદી દ્વારા અરજી કરવામાં આવી હતી. તેમણે સુનાવણી દરમ્યાન શું કહ્યું એ પણ તમે જાણો.

બાર એસોસિએશનના પ્રેસિડન્ટની દલીલો

  • ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા ઘટનાની ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી થઈ.
  • સાઇટ પરથી પુરાવાને દૂર કરવાની ઉતાવળ શા માટે ?.
  • પોલીસ ઓફિસર્સે બધું જ સાઇટ પરથી હટાવ્યું.
  • સાઇટ પરના તમામ પુરાવાનો તાત્કાલિક નાશ કરવાનો ઇરાદો.
  • FIR તૈયાર કરવામાં પણ ઉતાવળ કરવામાં આવી.
  • સરકાર તરફથી બતાવાઈ રહ્યું છે કે, તાત્કાલિક પગલાં લેવાયાં.
  • મૃત્યુઆંક વધવાની આશંકા હતી તો FIRમાં શા માટે ઉતાવળ ?
  • હજી, પણ અનેક લોકો તેમના પરિવારના સભ્યોની શોધમાં
  • ગાયબ લોકો ક્યાં છે?
    જો ડોમમાં આવેલા લોકો જીવતા હોત તો તેઓ આગળ આવ્યા હોત.

બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હરણી બોટ કાંડ કે મોરબી પુલ તૂટવાની ઘટનાઓમાં સિસ્ટમને કન્ટ્રોલ કરનારા ટોચના અધિકારીઓની વિરુદ્ધ છેલ્લે એક્શન લેવાય છે.

બાર એસોસિએશનના પ્રેસિડન્ટની દલીલો

  • ડોમમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી.
  • વેલ્ડિંગ એરિયામાંથી જ્વલનશીલ પદાર્થોને દૂર કરવાની જરૂર હતી.
  • આગની સ્પીડ ભયાનક હતી.
  • સાઇટ પર પ્લાયવૂડ, એક્રેલિક શીટ્સ, પ્લાસ્ટિક મટિરિયલ પણ હતું.
  • આવી ઘટનાઓ વહિવટીતંત્રના નાકની નીચે થાય છે.
  • અધિકારીઓ ચીફ ગેસ્ટ તરીકે ઇનોગ્રેશનમાં ગયા હતા.
  • અધિકારીઓએ તપાસ કરી હતી કે, સાઇટ પર મંજૂરી મેળવાઈ છે કે નહીં?
  • ઇનોગ્રેશન માટે મંજૂરી મળતાં જ તેમણે કાળજી લેવાની જરૂર હતી.
  • ઇનોગ્રેશન માટે જનારા અધિકારીઓ વધુ જવાબદાર.
  • લોકો પાસેથી એક ફોર્મ પર સહી લેવામાં આવી હતી.
  • કંઈ પણ થશે તો ગેમ ઝોનની જવાબદારી નહીં.
  • ગેમ કાર્ટમાં કોઈ ઇન્જરી થાય તો જવાબદારી ના હોય.
  • જોકે, આગ લાગે અને મોત થાય તો ગેમ ઝોનની જવાબદારી.

વકીલ અમિત મણીલાલ પંચાલે બ્રિજેશ ત્રિવેદીની રજૂઆતને વચ્ચે અટકાવીને કહ્યું કે, કોઈ નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે. આ સાંભળીને જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે, પ્રામાણિકતાથી કહીએ છીએ કે, અમને રાજ્યના વહિવટીતંત્ર પર વિશ્વાસ જ રહ્યો નથી. .

અદાલતનો તંત્ર સામે આક્રોશ

  • કોર્ટ દ્વારા આદેશો આપવામાં આવ્યા.
  • તંત્રે ખાતરી આપી.
  • આમ છતાં છ ઘટનાઓ બની છે.
  • લોકો જીવ ગુમાવ્યા બાદ જ મશીનરી કામ કરે છે.

બ્રિજેશ ત્રિવેદીએ રાજ્યમાં વહિવટીતંત્રની લાપરવાહી વિશે જણાવ્યું હતું.

બાર એસોસિએશનના પ્રેસિડન્ટની દલીલો

  • રાજ્યમાં અનેક જગ્યાએ ગેમિંગ ઝોન્સ.
  • ગાંધીનગરમાં જ 20 ગેમિંગ ઝોન જેવી જગ્યા.
  • અદાલત તમામ પાલિકા, કલેક્ટર્સને આદેશ આપે.

અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વકીલે પોતાના બચાવમાં દલીલ કરતાં કહ્યું હતું કે, તેમને આ ડોમ વિશે ખ્યાલ નહોતો. આ સાંભળીને જસ્ટિસ બિરેન વૈષ્ણવે આકરી ભાષામાં સવાલો પૂછ્યા હતા.

અદાલતે પૂછ્યા આકરા સવાલો

  • શું તમને ખ્યાલ જ નહોતો કે, આખું સ્ટ્રક્ચર ઊભું કરાયું છે ?
  • અઢી વર્ષથી આ ગેમ ઝોન હતો એ બાબતે કોર્પોરેશનનું શું કહેવું છે ?
  • ફાયર સેફ્ટી માટે અરજી કરવામાં આવી હતી ?
  • શું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ?
  • તમે આ આખા મુદ્દે આંખો બંધ રાખી હતી ?
  • પાલિકાને સૌથી પહેલી વખત આ ગેમ ઝોન હોવાની ક્યારે જાણ થઈ ?
  • શું ફાયર સેફ્ટી માટેના હાઈ કોર્ટના આદેશનો તમને ખ્યાલ નથી ?
  • તમે શું કરી રહ્યા હતા ?
  • મીડિયા રિપોર્ટ્સ છે કે, અધિકારી ઇનોગ્રેશન માટે ગયા હતા ?
  • 18 મહિના સુધી કોર્પોરેશને શું કર્યું ?

અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ ગેમ ઝોનના માલિકોએ પરમિશન વિના જ ગ્રાઉન્ડ અને પહેલો માળ બાંધી દીધો હતો. પહેલાં ઓપનમાં એક્ટિવિટીઝ થતી હતી અને એ પછી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું. ચોથી મેએ રેગ્યુલાઇઝેશન માટે અરજી કરવામાં આવી હતી. આ સાંભળીને જસ્ટિસ દેવેન દેસાઈ દ્વારા પણ આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા.

જસ્ટિસના સવાલો

  • શું તમે ત્રણ વર્ષ સુધી આ સ્ટ્રક્ચર વિશે કોઈ જ તપાસ ના કરી ?
  • તમારી શું ફરજો હતી ?
  • ઇનચાર્જ ઓફિસર કોણ હતા ?
  • ઇન્સ્પેક્શન ન કરનારા અધિકારીઓની વિરુદ્ધ તમે શું પગલાં લેશો ?

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા રાજકોટની ઘટના બાદ 12 ગેમ ઝોનની તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર NOC મેળવવામાં આવી છે. ફાયર NOC મળ્યા બાદ પણ કેટલીક ચૂક જોવા મળી છે. જેમ કે, વીજળીનો લોડ મેઇન્ટેઇન કરવામાં નહોતો આવતો. 10 ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવી છે. ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. આવી પ્રોપર્ટીઝને સીલ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન ગેમ ઝોન માટે પરમિશન ઇશ્યૂ કરતી નથી. એક ગેમ ઝોન આઉટડોર છે. બાકી ઇનડોર છે. રાજ્ય સરકાર વતી વકીલ મનિષા લવ કુમાર શાહે શું કહ્યું એની વિગત પણ તમે મેળવો.

સરકારી વકીલનો બચાવ

  • તાત્કાલિક અને ગંભીરતાથી આ મુદ્દે કામગીરી થઈ.
  • આખા રાજ્યમાં ગેમિંગ ઝોનને સીલ કરી દેવાયા.
  • અત્યારે એક પણ ગેમ ઝોન ચાલુ નથી.
  • અમે કોઈ પણ જવાબદારને છોડીશું નહીં.
  • 48 કલાકમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા.
  • કાર્યવાહીની આ તો માત્ર એક શરૂઆત.
  • પાંચ મિનિટમાં ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઘટનાસ્થળે.
  • 70થી 80 ફાયરકર્મીઓ પહોંચ્યા હતા.
  • રેસ્ક્યુ ઑપરેશન્સ તાત્કાલિક શરુ કરાયું.
  • FIRમાં ઉતાવળ કરાઈ, એમાં વધુ માહિતી ઉમેરાઈ શકે.
  • ફોરેન્સિક સાયન્સની ટીમ તાત્કાલિક પહોંચી.
  • CCTVના ફૂટેજ રિકવર કરાયા.
  • વેલ્ડિંગ મશીન અને કોપર વાયર રિકવર કરાયા.
  • પ્રથમ દૃષ્ટિએ વેલ્ડિંગની કામગીરી થતી હતી.
  • ફોમ શીટ્સ પણ હતી.
  • ઘટનાના થોડા કલાકોમાં SITની રચના થઈ.
  • SITમાં જુદી-જુદી એજન્સીઓના અધિકારીઓ.
  • 72 કલાકમાં તપાસ પંચનો રિપોર્ટ આવી જશે.
  • કયા સંજોગોમાં અને કયા કારણોસર આગ લાગી એની જાણકારી જરૂરી.
  • ગેમિંગ ઝોનની મંજૂરીના મામલે તપાસ થશે.
  • ગેમિંગ ઝોનના બાંધકામ માટે મંજૂરી મેળવાઈ હતી કે નહીં એની તપાસ.
  • ગેમિંગ ઝોનમાં અકસ્માતમાં બચાવ માટે શું વ્યવસ્થા હતી એની તપાસ.
  • ઇમર્જન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી ?
  • પાલિકા અને ગેમિંગ ઝોનના અધિકારીઓની લાપરવાહી હતી કે નહીં ?
  • ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે પગલાંનાં સૂચનો.
  • આ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે.

તમામ જિલ્લા કલેક્ટર્સ, પોલીસ કમિશનર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાંથી આ તમામ વિગતો મેળવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તાત્કાલિક માહિતી મેળવવા માટે જણાવવામાં આવ્યું છે. મનિષા લવ કુમાર શાહે આ જાણકારી આપી હતી.

જસ્ટિસનું આકરું સ્ટેન્ડ

જસ્ટિસ બિરેન વૈષ્ણવઃ ગેમ ઝોનના માલિકો ત્રણ વર્ષ પછી રેગ્યુલાઇઝેશન માટે પાલિકામાં ગયા
મનિષા લવ કુમાર શાહઃ ફાયર NOC વિના રેગ્યુલાઇઝેશન ના થઈ શકે
જસ્ટિસ બિરેન વૈષ્ણવઃ ગેમ ઝોનના માલિક વિરુદ્ધ FIR થઈ છે?
મનિષા લવ કુમાર શાહઃ અમે બે જણની ધરપકડ પણ કરી છે.
જસ્ટિસ બિરેન વૈષ્ણવઃ બીજા લોકોનું શું?
મનિષા લવ કુમાર શાહઃ બે જણની ધરપકડ થઈ છે. એક માલિકની ધરપકડ થઈ છે.
જસ્ટિસ દેવેન દેસાઈઃ માલિકો અને આયોજકોની વિરુદ્ધ શું પગલાં લેવાયા છે?
મનિષા લવ કુમાર શાહઃ એક જણની ધરપકડ થઈ છે, બીજા પ્રોસેસમાં છે?
જસ્ટિસ બિરેન વૈષ્ણવઃ પ્રોસેસ ઓફ એરેસ્ટ એટલે શું ?
જસ્ટિસ બિરેન વૈષ્ણવઃ તમે તેમને શોધી રહ્યા છો ?
મનિષા લવ કુમાર શાહઃ હા, અમે તેમને શોધી રહ્યા છીએ.
જસ્ટિસ બિરેન વૈષ્ણવઃ એટલે તમને તેઓ મળ્યા નથી ?
મનિષા લવ કુમાર શાહઃ ના.

પોલીસ અધિકારી પાસેથી જાણકારી મળ્યા બાદ મનિષા કુમાર શાહે જણાવ્યું કે, કુલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. જસ્ટિસ દેવેન દેસાઈના સવાલના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ગેમ ઝોનના તમામ માલિકો રાજકોટના છે. બાકી માલિકોની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. દરમ્યાનમાં વકીલ અમિત મણીલાલ પંચાલે સ્પષ્ટ દલીલ કરી કે, સત્તાનો મિસયુઝ કરનારા અધિકારીઓને સજા આપવી જરૂરી છે. નહીં તો તે એવી જ ભૂલ ફરી કરશે. તેને જોઈને બીજા દસ લોકો એમ કરશે. અત્યારે અધિકારીઓ વિરુદ્ધ જે કંઈ પણ પગલાં ભરવામાં આવ્યા છે એ લોકોની આંખમાં ધૂળ નાંખવા જેવું છે. કમિશનરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.
અમે તમને અદાલતમાં આજની સુનાવણીની વિગતો આપી. આપણે આશા રાખીએ કે, પીડિતોને જલ્દી અને યોગ્ય ન્યાય મળે.