December 23, 2024

લડકી હું લડ શકતી હું

Prime 9 With Jigar:  પ્રિયંકા ગાંધી પણ આખરે ચૂંટણીના અખાડામાં આવી ગયાં. લોકસભાની 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા લોકસભાની ચૂંટણી લડશે કે નહીં એ સવાલ પુછાતો હતો. જોકે, પ્રિયંકાએ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના બદલે કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળવાનું અને ભાઈ રાહુલ ગાંધીને મદદ કરવાનું પસંદ કર્યું હતું. હવે, લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી પ્રિયંકાએ પેટાચૂંટણી લડીને લોકસભાનાં સભ્ય બનવા માટે ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું છે.

પોલિટિક્સમાં પ્રિયંકા

  • કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરી જાહેરાત.
  • પ્રિયંકા વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી લડશે.
  • 2024માં રાહુલ ગાંધી બે સીટો પર ચૂંટણી જીત્યા.
  • રાયબરેલી અને વાયનાડ પર જીત મેળવી.
  • રાહુલ એક જ બેઠક પરથી લોકસભાના સભ્ય રહી શકે.
  • બીજી બેઠક રાહુલે છોડવી પડે.
  • રાહુલ ગાંધી રાયબરેલી બેઠક જાળવી રાખી.
  • કેરળની વાયનાડ લોકસભા બેઠક ખાલી કરી.
  • વાયનાડથી પ્રિયંકા ચૂંટણી લડશે.
  • પ્રિયંકા પહેલી વાર લોકસભાની ચૂંટણી લડશે.

BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડશે અને તેમની બહેનને ચૂંટણી લડાવશે એવો નિર્ણય કોંગ્રેસે લીધો પછી સ્પષ્ટ થઈ ગયું કે, કોંગ્રેસ કોઈ રાજકીય પાર્ટી નથી, પણ પરિવારની એક કંપની છે. માતા સોનિયા ગાંધી રાજ્યસભામાં છે, પુત્ર રાહુલ ગાંધી લોકસભામાં રાયબરેલી બેઠકના સાંસદ છે અને પ્રિયંકા ગાંધી પણ વાયનાડ બેઠકથી લોકસભામાં હશે. આ પરિવારવાદનું પ્રતીક છે. પૂનાવાલાએ દાવો કર્યો કે, રાહુલ ગાંધીએ સમાજવાદી પાર્ટીના સમર્થનના કારણે રાયબરેલી બેઠક જીતી છે. હવે, ગાંધીએ રાયબરેલી બેઠક એટલા માટે નથી છોડી કે તેમને ખબર છે કે, રાયબરેલી બેઠક છોડે તો પેટાચૂંટણીમાં આ બેઠક BJPના ખાતામાં આવી જશે.

BJPએ મૂક્યા આરોપો

  • BJPએ વાયનાડ બેઠક ખાલી કરવાના રાહુલના નિર્ણયની કરી ટીકા.
  • મતદારો સાથે વિશ્વાસઘાત પણ ગણાવી દીધો .
  • નહેરૂ-ગાંધી પરિવારનો વારસો દીકરો સાચવે એવી માનસિકતાનો આરોપ.
  • કેરળમાં કોંગ્રેસ પહેલાંથી મજબૂત.
  • રાહુલ વાયનાડ બેઠક પર ચાર લાખથી વધારે મતે જીત્યા.
  • કેરળના સત્તાધારી ડાબેરી મોરચા સાથે કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરે જોડાણ.
  • પ્રિયંકા સામે કદાચ ડાબેરી મોરચો ઉમેદવાર પણ ઊભા નહીં રાખે.

BJPની ટિકિટ પર વાયનાડથી ચૂંટણી લડીને રાહુલ ગાંધી સામે હારી ચૂકેલા કે સુરેન્દ્રને પેટાચૂંટણીમાં આ સીટથી પ્રિયંકા ગાંધી વિરુદ્ધ BJP મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે. BJPનો કેરળમાં કોઈ પ્રભાવ નથી. આ સંજોગોમાં પ્રિયંકા માટે વાયનાડમાંથી જીતવું બહુ સરળ છે એ વાતનો સ્વીકાર કરીને BJPએ ખેલદિલી બતાવી એવું તો ના કહેવાય પણ કમને તો કમને BJPએ વાસ્તવિકતા સ્વીકારવી પડી છે. પ્રિયંકા ગાંધીની લોકસભામાં એન્ટ્રીથી નિશ્ચિત મનાય છે ત્યારે તેનાથી રાજકીય રીતે શું ફરક પડશે એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે રાહુલને ઉત્તર ભારતમાં અને પ્રિયંકા ગાંધીને દક્ષિણ ભારતમાં રાખીને મોટો દાવ ખેલ્યો છે એવા દાવા થઈ રહ્યા છે.

પ્રિયંકાનો પ્રભાવ કેટલો ?

  • પ્રિયંકા રાજકારણમાં વર્ષોથી.
  • અત્યંત સક્રિયતાથી માત્ર ઉત્તર પ્રદેશમાં કામ કર્યું.
  • 2019માં ચૂંટણીના સમયે તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ હતા રાહુલ ગાંધી.
  • રાહુલે પ્રિયંકાને કોંગ્રેસનાં મહામંત્રી બનાવ્યા.
  • ઉપરાંત ઉત્તર પ્રદેશના અખાડામાં ઉતારી દીધાં.
  • પ્રિયંકા પહેલી વાર સક્રિય રાજકારણમાં આવ્યા.
  • પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો મોરચો સોંપાયો.

રાહુલે તો પ્રિયંકાની નિમણૂક પછી મીડિયા સામે એવું કહ્યું કે, મેં જ્યોતિરાદિત્ય અને પ્રિયંકાને બે-ચાર મહિના માટે ઉત્તર પ્રદેશ નથી મોકલ્યાં પણ હવે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મુખ્યમંત્રીને બેસાડીને જ પાછી આવશે. રાહુલની વાત અતિ ઉત્સાહમાં કહેવાયેલી હતી અને આ વાત સાવ મોંમાથા વિનાની સાબિત થઈ હતી. રાહુલ ગાંધી પોતે લોકસભાની ચૂંટણીમાં UPમાંથી જીતી શક્યા નહોતા. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક રાહુલ ગાંધી હાથમાંથી સરકી ગઈ હતી. રાયબરેલીની વર્ષોથી કોંગ્રેસ જીતે છે એ સિવાય પ્રિયંકા બીજી કોઈ બેઠક કોંગ્રેસને નહોતાં જીતાડી શક્યાં.

પ્રિયંકાનો પ્રભાવ કેટલો ?

  • પ્રિયંકાએ 2022ની UP વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મોરચો સંભાળ્યો.
  • પ્રિયંકા માટે એ વખતે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો.
  • પ્રિયંકા ગાંધી બ્રાહ્મણોને મનાવીને UPમાં ફરી બેઠા થવાની મથામણમાં હતાં.
  • ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે કોંગ્રેસ છોડી.
  • UPમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ અપનાવીને ઉતરવા માગતી હતી.
  • પ્રસાદે કોંગ્રેસને મોટો આંચકો આપી દીધો.

પ્રિયંકા ગાંધી સક્રિય થતાં જ અતિ ઉત્સાહી કોંગ્રેસીઓએ પ્રિયંકા ગાંધી UPનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બને એવું કોરસ શરૂ કરી દીધું હતું. પ્રિયંકા મેદાનમાં આવશે તો UPમાં કોંગ્રેસની સરકાર રચાશે એવી વાતો પણ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસીઓ કૂદાકૂદ કરી રહ્યા હતા અને પ્રિયંકા મેદાનમાં ઉતરે તો કોંગ્રેસની સરકાર રચાઈ જાય એવી વાતો કરતા હતા પણ આ વાતો હજમ થાય એવી નહોતી. રાજકીય વિશ્લેષકો એ વખતે જ કહેતા હતા કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની હાલત જોતાં પ્રિયંકા કોંગ્રેસને પચ્ચીસ બેઠકોને પાર કરાવે તો પણ એ મોટી સિદ્ધિ ગણાશે. UPની રાજકીય સ્થિતિ જોતાં કોંગ્રેસ કોઈ ચમત્કાર કરે એવી કોઈને આશા નહોતી. આ વાત સાચી પણ પડી હતી. કેમ કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર 2 બેઠકો જીતી હતી. આ પૈકી એક બેઠક તો UPમાં બ્રાહ્મણોના સર્વમાન્ય નેતા મનાતા પ્રમોદ તિવારીનાં દીકરી અનુરાધા મિશ્રા જીત્યાં હતાં. પ્રમોદ તિવારીને કોઈ હરાવી શક્યું નથી તેથી BJPએ પણ તેમને હરાવવાની આશા હવે છોડી દીધી છે. એટલે અનુરાધાની જીત આશ્ચર્યકારક નહોતી પણ પ્રિયંકા કોઈ ચમત્કાર નહોતાં કરી શક્યાં એ વાસ્તવિકતા છે. કોંગ્રેસે આ વખતે યુપીમાં ચમત્કાર કરી બતાવ્યો છે એ સ્વીકારવું પડે. અલબત્ત તેનું કારણ અખિલેશ યાદવ છે.

UP કે લડકે

  • લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જોડાણ કર્યું.
  • અખિલેશ યાદવની SP સાથે જોડાણ કરીને BJPને ફટકો માર્યો.
  • 2019માં UPમાં BJPએ 80 બેઠકોમાંથી 63 બેઠકો જીતી.
  • 2024માં 33 બેઠકો જીતી.
  • ઉત્તર પ્રદેશની જનતાએ BJPને નકારીને અખિલેશ યાદવમાં વિશ્વાસ મૂક્યો.
  • અખિલેશના કારણે કોંગ્રેસને મોટો ફાયદો થઈ ગયો.
  • લોકસભાની 2019ની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર રાયબરેલીની બેઠક જીતી.
  • કોંગ્રેસે આ વખતે UPમાં છ લોકસભા બેઠકો જીતી.
  • અખિલેશે 62માંથી 37 બેઠકો જીતી.
  • અખિલેશે લગભગ 60 ટકા બેઠકો જીતી.
  • કોંગ્રેસે 17માંથી 6 બેઠકો જીતીને માત્ર 35 ટકા બેઠકો જીતી.

કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં નબળો કહેવાય પણ અખિલેશ યાદવ સાથેના ગઠબંધનને કારણે કોંગ્રેસ UPમાં પોતાનું અસ્તિત્વ ટકાવી ગઈ છે. કોંગ્રેસ માટે મોટી સિદ્ધિ એ છે કે, 2019માં ગુમાવેલી અમેઠી બેઠક તેણે વટ કે સાથ ફરી જીતી છે અને નહેરૂ-ગાંધી ખાનદાન સામે સતત ઝેર ઓક્યા કરતાં સ્મૃતિ ઈરાનીને કારમી પછડાટ આપી છે.

સ્મૃતિને નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદાર કિશોરીલાલ શર્મા જેવા પ્યાદા દ્વારા હરાવીને કોંગ્રેસે સ્મૃતિને જોરદાર જવાબ આપી દીધો છે. કોંગ્રેસ UPમાં ફરી બેઠી થઈ. તેનો યશ ઘણાં લોકો પ્રિયંકા ગાંધીએ કરેલી મહેનતને આપે છે પણ વાસ્તવિકતા એ છે કે, BJPના સતત નકારાત્મક પ્રચાર અને અખિલેશ યાદવ સાથેના જોડાણના કારણે કોંગ્રેસ જીતી છે. પ્રિયંકાનો દેખાવ એ રીતે બહુ વખાણવા લાયક નથી પણ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતની માનસિકતામાં ફરક છે.

પ્રિયંકાનો પ્રભાવ કેટલો ?

  • ઉત્તર ભારતમાં પુરૂષવાદી માનસિકતાનો પ્રભાવ.
  • મહિલા નેતાઓને બહુ ઝડપથી સ્વીકાર મળતો નથી.
  • દક્ષિણ ભારતમાં પ્રમાણમા મહિલાઓને ઝડપથી સ્વીકૃતિ મળે.
  • પ્રિયંકા દક્ષિણ ભારતનો મોરચો કોંગ્રેસ માટે સર કરી બતાવે એ શક્ય.
  • દક્ષિણ ભારતમાં પ્રિયંકાએ બહું મહેનત કરવી પડે એમ પણ નથી.
  • દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાંથી તેંલગણા અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર.
  • તામિલનાડુમાં કોંગ્રેસ DMK સાથે સરકારમાં ભાગીદાર.
  • આંધ્ર પ્રદેશ અને કેરળ એ બે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર નથી.
  • પ્રિયંકા કેરળમાં સક્રિય થાય તો 2025માં કેરળમાં કોંગ્રેસની સરકાર આવી શકે.
  • આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ માટે થોડી તકલીફ.
  • એકંદરે દક્ષિણ ભારતમાં પ્રિયંકાની એન્ટ્રી કોંગ્રેસને મજબૂત કરી શકે.
  • રાહુલ ઉત્તર ભારત અને પ્રિયંકા દક્ષિણ ભારત સંભાળે તો સંતુલન જળવાશે.
  • UPમાં 2027માં વિધાનસભાની ચૂંટણી થશે.

રાજનીતિમાં ગાંધી-નહેરુ પરિવારની પરંપરા વિશે અમે તમને વધુ જાણકારી આપીશું.

બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાહુલે રાયબરેલી બેઠક છોડી હોત તો નહેરૂ-ગાંધી ખાનદાને રાયબરેલીના મતદારોનો દ્રોહ કર્યો એવો પ્રચાર કરવાની BJPને તક મળી ગઈ હોત. રાયબરેલી બેઠક પર વર્ષોથી સોનિયા ચૂંટાતાં હતાં અને હવે મતદારોએ રાહુલને ચૂંટ્યા. તેથી રાહુલ રાયબરેલી છોડે તો BJP એ મુદ્દો ઉઠાવે જ પણ રાહુલે BJPને એ તક નહીં આપીને શાણપણ બતાવ્યું છે.

ઉત્તર-દક્ષિણ વચ્ચે સંતુલન

  • રાહુલે રાયબરેલી પર પસંદગી ઉતારીને કેરળ અને UP બંનેને સાચવી લીધાં.
  • અખિલેશ યાદવ UPમાં મજબૂત, 2027માં સરકાર પણ રચી શકે.
  • વર્ષો પછી કોંગ્રેસની UPમાં સત્તામાં વાપસી થાય એવું બને.
  • કોંગ્રેસ માટે મુશ્કેલી પશ્ચિમ ભારતમાં વધારે.
  • રાહુલ પશ્ચિમ ભારત પર વધારે ધ્યાન આપી શકશે તો કોંગ્રેસ મજબૂત થશે.
  • પ્રિયંકા નિવડેલાં રાજકારણી અને સારાં વક્તા.
  • પ્રિયંકા લોકસભામાં હશે તો કોંગ્રેસનો અવાજ પણ બુલંદ થશે.
  • કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી જેવા બહું આક્રમક નેતા બહું ઓછા.
  • પ્રિયંકા રાહુલને સાથ આપશે તો લોકસભામાં BJP માટે મોટો પડકાર રહેશે.
  • એ રીતે પણ પ્રિયંકાની લોકસભામાં એન્ટ્રી કોંગ્રેસને ફળશે.

પ્રિયંકા લોકસભાની ચૂંટણી જીતશે તો સાંસદ બનનારાં નહેરૂ-ગાંધી ખાનદાનના પાંચમાં મહિલા હશે . આ પહેલાં વિજયાલક્ષ્મી પંડિત, ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને મેનકા ગાંધી એમ નહેરૂ-ગાંધી ખાનદાનની ચાર મહિલા લોકસભામાં પહોંચી છે.

વિજયાલક્ષ્મી પંડિતનો રાજકીય પ્રવાસ

  • નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી MP બનનારાં વિજયાલક્ષ્મી પંડિત પહેલાં મહિલા.
  • જવાહરલાલ નહેરૂનાં મોટાં બહેન વિજયાલક્ષ્મી રણજીત પંડિતને પરણ્યા.
  • વિજયાલક્ષ્મી UNની જનરલ એસેમ્બલીનાં પ્રમુખ હતાં રાજ્યપાલ પણ બન્યાં.
  • જવાહરલાલના નિધન પછી 1964માં ફુલપુર લોકસભા બેઠક પરથી વિજયાલક્ષ્મી ચૂંટાયાં.
  • વિજયાલક્ષ્મી લોકસભાનાં સભ્ય બન્યાં હતાં.
  • વિજયાલક્ષ્મી 1967માં ફરી ફુલપુર લોકસભા બેઠક પરથી જીત્યા.
  • 1969માં ઈન્દિરા સાથેના મતભેદોના પગલે રાજીનામું આપ્યું.

નહેરૂ-ગાંધી ખાનદાનમાં સૌથી શક્તિશાળી મહિલા રાજકારણી ઈન્દિરા છે. ઈન્દિરા ગાંધી દેશનાં એક માત્ર મહિલા PM. 15 વર્ષ સુધી PM પદે રહીને પિતા જવાહરલાલ નહેરૂ પછી સૌથી લાંબો સમય PM પદે રહેનારાંની યાદીમાં બીજા સ્થાને છે.

ઇન્દિરાનો દબદબો

  • ઈન્દિરા ગાંધી દેશનાં એક માત્ર મહિલા PM.
  • ઈન્દિરા ફિરોઝ ગાંધીને પરણ્યાં હતા.
  • ફિરોઝ ગાંધી મૂળ ગુજરાતના ભરૂચના પારસી.
  • ફિરોઝ 1951 અને 1957ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા.
  • ફિરોઝ ગાંધીનું 1960માં નિધન.
  • નહેરૂ ઈન્દિરાને રાજકારણમાં લાવ્યા.
  • લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી દેશનાં પહેલાં મહિલા PM બનીને ઈતિહાસ રચ્યો.
  • પહેલી વાર PM બન્યાં ત્યારે ઈન્દિરા રાજ્યસભાનાં સભ્ય હતાં.
  • 1967ની ચૂંટણીમાં પહેલી વાર રાયબરેલી બેઠક પરથી લડીને લોકસભાનાં સભ્ય બન્યાં.
  • 1971માં ઈન્દિરા રાયબરેલીમાં ફરી જીત્યાં.
  • રાજનારાયણ સામેની ઈન્દિરાની જીતને અલ્હાબાદ હાઈકોર્ટે અમાન્ય ઠેરવી.
  • ઈન્દિરા ગાંધી કટોકટી પછી યોજાયેલી 1977ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી હારી ગયાં.
  • 1978માં કર્ણાટકની ચિકમંગલૂર બેઠક પરથી પેટાચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યાં.
  • 1980માં ઈન્દિરા આંધ્ર પ્રદેશની મેડક બેઠક પરથી જીતીને લોકસભામાં ગયાં.
  • 1985ની ચૂંટણી પહેલાં જ તેમની હત્યા થઈ.

ઈન્દિરા-ફિરોઝ ગાંધીને રાજીવ અને સંજય એમ બે પુત્ર થયા. સોનિયા ગાંધી રાજીવનાં પત્ની છે અને તેમને રાહુલ તથા પ્રિયંકા એમ બે સંતાન થયાં. મેનકા ગાંધી સંજયના પત્ની છે અને વરૂણ ફિરોઝ ગાંધી તેમનો એક માત્ર દીકરો છે. મેનકા ગાંધી સોનિયા કરતાં પહેલાં લોકસભાનાં સભ્ય બન્યાં.

મેનકાનો રાજકીય પ્રવાસ

  • સંજય ગુજરી ગયા ત્યારે મેનકા ગાંધી માત્ર 23 વર્ષનાં હતાં.
  • વરૂણ ફિરોઝ ગાંધી 100 દિવસના હતા.
  • મેનકા ગાંધીએ ઈન્દિરાથી અલગ થયા.
  • સંજય વિચાર મંચ બનાવીને રાજકીય કારકિર્દી શરૂ કરી.
  • મેનકા 1984માં જેઠ રાજીવ ગાંધી સામે અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા.
  • મેનકા 1988માં વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળમાં જોડાયાં.
  • પિલિભીતમાંથી જીતીને પહેલી વાર લોકસભાનાં સભ્ય બન્યાં.
  • 1991માં મેનકા BJPના પરશુરામ માલે સામે સાત હજાર મતે હારી ગયાં.
  • 1996માં ફરી પિલિભીતથી જીત્યાં.
  • 2009માં દીકરા વરૂણ ગાંધી માટે પિલિભીત બેઠક ખાલી કરી.
  • મેનકા અનોલા બેઠક પરથી જીત્યાં.
  • 2014માં મેનકા ફરી પિલિભીતથી જીત્યાં જ્યારે 2019માં સુલતાનપુરથી જીત્યાં.
  • 1998 અને 1999માં મેનકા પિલિભીતમાંથી અપક્ષ તરીકે જીત્યા.
  • મેનકા એ પછી BJPમાં જોડાયાં.
  • 2004થી BJPના ઉમેદવાર તરીકે જીતતાં મેનકા આ વખતે સુલતાનપુરથી હારી ગયાં.

પ્રિયંકાનાં માતા સોનિયા કદી લોકસભાની ચૂંટણી હાર્યાં નથી.

સોનિયાનો રાજકીય પ્રવાસ

  • સોનિયા 1999માં પહેલી વાર અમેઠીમાંથી ચૂંટણી લડીને સરળતાથી જીત્યા.
  • 2004માં દીકરા રાહુલ માટે અમેઠી બેઠક ખાલી કરી.
  • સોનિયા રાયબરેલી બેઠક પરથી લડ્યાં અને જીત્યાં.
  • 2019 સુધી રાયબરેલીનાં સાંસદ રહ્યાં.

સોનિયા રાયબરેલીમાંથી 2004, 2009, 2014 અને 2019 એમ સળંગ ચાર વાર જીત્યાં છે. સોનિયા આ વખતે લોકસભાની ચૂંટણી નહોતાં લડ્યાં અને રાજસ્થાનથી રાજ્યસભાનાં સભ્ય છે. પ્રિયંકા પણ પોતાની રાજકીય કારકિર્દી ઈન્દિરા ગાંધી કે મેનકા ગાંધીના બદલે માતા સોનિયા ગાંધી જેવી હોય એવું જ ઈચ્છે. પ્રિયંકા માટે રાજકારણ નવી વાત નથી. લાંબા સમયથી રાજકારણમાં સક્રિય પ્રિયંકા 2019થી સત્તાવાર રીતે કોંગ્રેસનાં મહામંત્રી છે. રાહુલના લોકસભા મતવિસ્તાર અમેઠી અને સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલીની કાળજી પ્રિયંકાએ લીધી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સમયે પ્રિયંકા કોંગ્રેસનો પ્રચાર કરીને સભાઓને પણ સંબોધી છે. પ્રિયંકા ગાંધી ગ્લેમરસ છે અને કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે તેથી રાજકારણમાં ચાલશે અને લાંબી ઈનિંગ્સ ખેલશે એવી આશા સાવ નિરાધાર પણ નથી.