June 26, 2024

અંબાણીની આકાશમાં અનંત ઉડાન

Prime 9 With Jigar: ભારતમાં અંતે સેટેલાઈટ ઈન્ટરનેટની એન્ટ્રી થઈ ગઈ. કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને મુકેશ અંબાણીની Jio કંપનીની સેટેલાઈટ ઈન્ટરનેટ ટેકનોલોજીને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી આપણે હવે એક નવી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકીશું. ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ઇલોન મસ્કની સ્ટારલિંક અને જેફ બેઝોસની ક્વાઇપરની Jio સાથે સ્પર્ધા હતી પણ આપણા ગુજરાતી મુકેશભાઈ બધાંને પછાડીને આગળ નીકળી ગયા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Jio પ્લેટફોર્મે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે યુરોપના લક્ઝમબર્ગની કંપની SES સાથે ભાગીદારી કરી છે.Jio અને SESના આ સંયુક્ત સાહસને ‘ઓર્બિટ કનેક્ટ ઈન્ડિયા’ નામ આપવામાં આવ્યું છે.

નવા યુગનો આરંભ

  • ‘ઓર્બિટ કનેક્ટ ઈન્ડિયા’ને દેશમાં પહેલી સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા માટે મંજૂરી.
  • ભારત હવે ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ્યું.
  • ભારતમાં સેટેલાઈટ ઇન્ટરનેટની એન્ટ્રી બહું મોડી થઈ.
  • દુનિયાના 100 કરતાં વધારે દેશોમાં અત્યારે સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા.
  • મોટા ભાગના દેશોમાં ઇલોન મસ્કની સ્ટારલિંક કંપનીની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા.
  • સ્ટારલિંકના કારણે અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં સેવા.
  • છેવાડાના ગામમાં પણ સેટેલાઈટની મદદથી ઇન્ટરનેટ સેવા શક્ય બની

ભારતમાં સરકારી તંત્રમાં મંજૂરી મેળવવામાં બહું વિલંબ થવાના કારણે સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા મોડી આવી. Jio અને SESના આ સંયુક્ત સાહસ ‘ઓર્બિટ કનેક્ટ ઈન્ડિયા’ને ઈન્ડિયન સ્પેસમાં ઉપગ્રહો સંચાલિત કરવા માટે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર એટલે કે IN-SPACE દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે, સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ થઈ છે. ઓર્બિટ કનેક્ટ ઇન્ડિયાને દેશમાં કેટલાંક સ્થળે સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની મંજૂરી મળી છે પણ આખા દેશમાં કામગીરી શરૂ કરવા માટે દેશના ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસેથી વધુ મંજૂરી લેવી પડશે. તેથી હજુ આખા દેશમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાની શરૂઆત થવામાં વાર લાગશે.

આ જગ્યાઓએ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ

  • ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક
  • છત્તીસગઢમાં કોરબા
  • ઓરિસ્સાના નબરંગપુર
  • આસામના ONGC-જોરહાટ

કેન્દ્ર સરકારની મંજૂરી પછી સામાન્ય યુઝર્સ અને કોર્પોરેટ કંપનીઓને એનો લાભ મળશે. તેથી સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા હજુ પ્રાથમિક તબક્કામાં છે એમ કહી શકાય. આ તો થઈ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાની પ્રાથમિક વાત અને સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા વિશે વિસ્તૃત વાત પછી કરીશું પણ એ પહેલાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા અને હાલની સામાન્ય ઈન્ટરનેટ સેવા વચ્ચે શું તફાવત છે એ સમજવું જરૂરી છે. સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા અને વર્તમાન ઈન્ટરનેટ સેવા વચ્ચેનો તફાવત નહીં સમજાય તો સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા આવવાથી શું ફરક પડશે એ નહીં સમજી શકાય.

સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના લાભ

  • નામ પ્રમાણે સેટેલાઈટ એટલે કે ઉપગ્રહનો ઉપયોગ.
  • અત્યારની ઈન્ટરનેટ સેવામાં મોટા ભાગે કેબલ વપરાય.
  • કેબલ ઈન્ટરનેટમાં આપણને હાઈ સ્પીડ ડેટા કેબલ મળે.
  • સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્શન એટલે વાયરલેસ કનેકશન.
  • સેટેલાઇટ ઈન્ટરનેટ સેવામાં વાયર કે ટાવરની કોઈ ઝંઝટ નહીં.
  • Jio SpaceFiber ટેક્નોલોજી ખૂબ જ સરળ

આ સેવામાં એક રીસિવર હોય છે કે જે ઘર કે ઓફિસ તેમજ કારમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરી શકાય છે અને સેટેલાઇટથી સીધો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. સેટેલાઈટ ઇન્ટરનેટ સેવાની કામગીરી અમે તમને સમજાવીશું.

કેવી રીતે કામ કરે છે સેટેલાઈટ ઇન્ટરનેટ ?

  • સેટેલાઇટની ડિશ સુધી ડેટા પહોંચે.
  • ડિશ આ ડેટા મોડમને આપે.
  • મોડેમની મદદથી લેપટોપ, કોમ્પ્યુટર, ફોન કે ટીવીમાં ઈન્ટરનેટ મળે.
  • સેટેલાઈટ ઈન્ટરનેટ સેટેલાઈટ ટીવીની જેમ કામ કરે.
  • ડિશ ટીવીમાં ડિશના માધ્યમથી નેટવર્ક કેચ કરવામાં આવે.
  • સેટેલાઈટ ઈન્ટરનેટમાં પણ એક ડિશ.
  • સીધું વાયરલેસ નેટવર્ક મળશે.
  • ઇન્ટરનેટમાં રેડિયો વેવ્સના માધ્યમથી કોમ્યુનિકેશન.
  • સેટેલાઈટ ઇન્ટરનેટનો સૌથી મોટો અવિરત ઈન્ટરનેટ સેવા.
  • કેબલ ઈન્ટરનેટમાં કેબલ વાયર તૂટે તો તમને ઈન્ટરનેટ ના મળે.
  • સેટેલાઈટ ઈન્ટરનેટમાં આવી સમસ્યા રહેશે નહીં.

સેટેલાઈટ ઈન્ટરનેટનો સૌથી મોટો લાભ એ છે કે સેટેલાઈટ ઈન્ટરનેટનું કનેક્શન શહેરમાં લીધું હોય તો પણ તેનો લાભ તમને ગમે ત્યાં મળી શકે છે. તમારે તેને લગતો પાસવર્ડ નાંખવાનો રહેશે. તમને થશે કે અત્યારે મોબાઈલ પણ વાયરલેસ હોવા છતાં ઈન્ટરનેટ મળે જ છે તો પછી સેટેલાઈટ ઈન્ટરનેટ નવું કઈ રીતે ? આ વાતને સમજવા માટે મોબાઈલમાં કઈ રીતે ઈન્ટરનેટ જાય છે એ સમજવું પડે અને તેના માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે, મોબાઈલમાં પણ કેબલથી જ ડેટા જાય છે. અમે તમને સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ કેવી રીતે કામ કરે છે અને એના કેવા ફાયદા છે એના વિશે વધુ જણાવીશું.

સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ કેવી રીતે કામ કરે છે એ જાણવું જરૂરી છે.

કેવી રીતે કરે છે કામ ?

  • મોબાઈલમાંથી ડેટા મોકલાય.
  • ડેટા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે ISP ડેટા સેન્ટર પાસે જાય.
  • ડેટાને કેબલ દ્વારા જ્યાં પહોંચાડવાનો હોય એ સેન્ટર પર મોકલે.
  • અહીંથી બીજા મોબાઈલ પર જાય.
  • ક્યારેક સિગ્નલ વીક હોય તો ડેટા પહોંચતો નથી.
  • સેટેલાઈટ ઈન્ટરનેટ સેવામાં સીધો સેટેલાઈટનો ઉપયોગ.
  • ગમે તેવી સ્થિતિ કે વાતાવરણમાં પણ ઈન્ટરનેટ મળે.

સેટેલાઈટ ઈન્ટરનેટના ફાયદા પર પણ નજર નાંખવા જેવી છે. સેટેલાઈટ ઈન્ટરનેટ વાયરલેસ ઈન્ટરનેટ હોવાથી કોઈ પણ જગ્યાથી એને એક્સેસ કરી શકાય છે. સેટેલાઈટ ઈન્ટરનેટ મેળવવા માટે ડિશ અને મોડમ જોઈએ. ડિશ અને મોડેમ હશે તો ગમે ત્યાં તમને ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળી જશે. ગામડાના વિસ્તારોમાં કેબલ, ફાઈબર લાઈન કે ટાવરની સુવિધા નથી મળતી ત્યાં પણ સેટેલાઈટ ઈન્ટરનેટનો લાભ મળશે. કુદરતી આપત્તિના સમયે સામાન્ય ઈન્ટરનેટમાં ઘણું નુકસાન થતું હોય છે કેમ કે એ કેબલ આધારિત છે પણ આ ઈન્ટરનેટ સેટેલાઈટ આધારિત હોવાથી ક્યારેક વિઘ્ન આવે પણ સરળતાથી રિકવરી થઇ શકશે. બીજી તરફ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાના ગેરફાયદા પણ છે.

સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના ગેરફાયદા

  • સીધી સ્પેસથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળે.
  • ખરાબ મોસમમાં નેટની સ્પીડમાં સમસ્યા આવી શકે.
  • સેટેલાઈટ ઈન્ટરનેટનું જાતે ઇન્સ્ટોલેશન કરી શકાતું નથી.
  • એર ફાઈબર ડિવાઈસમાં તમે જાતે જ સેટઅપ કરી શકો છો.
  • ડિવાઈસ પ્લગ અને પ્લે પર કામ કરે.
  • પ્રોફેશનલ ડિશ અને મોડેમનું સેટિંગ કરી આપે.
  • ડિશ અને મોડેમનું યોગ્ય સેટિંગ ના થાય તો ઈન્ટરનેટ ના મળે એવું બને.

સૌથી મોટો ગેરફાયદો એ છે કે, શરૂઆતમાં ભારતમાં સામાન્ય ઈન્ટરનેટ કરતાં એ બહું મોંઘું હશે..સેટેલાઇટ ઇન્ટરનેટની સ્પીડ અત્યારે ભારતમાં મળતા 5G ઈન્ટરનેટની સ્પીડથી વધારે નથી આમ સેટેલાઈટ ઈન્ટરનેટમાં બેવડો ફટકો ભારતમાં હજુ સેટેલાઈટ ઈન્ટરનેટની શરૂઆત હોવાથી હાલ સામાન્ય ઈન્ટરનેટની સરખામણીમાં મોંઘુ છે એમ માનીને પણ સંતોષ ના લઈ શકાય. કેમ કે આ સેવા હાલની 5G ઈન્ટરનેટ સેવાથી મોંઘી જ રહેવાની છે. જીયો કંપનીના દાવા મુજબ સેટેલાઇટ બેસ્ટ ઇન્ટરનેટ સેવા 1Gbpsની સ્પીડ આપી શકે છે પણ એક કનેક્શન સાથે અનેક ડિવાઈસ ઉપયોગ કરવાથી નેટની સ્પીડ ઘટી શકે છે. બીજી તરફ 5G ઈન્ટરનેટમાં એવી સમસ્યા નથી.

5G વર્સેસ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ

  • સેટેલાઈટ ઈન્ટરનેટ 5Gથી સારું નથી એ વાસ્તવિકતા.
  • સર્વિસ અને સ્પીડ એમ બંને બાબતમાં 5G ઈન્ટરનેટ સારું.
  • 5G ટોચના સેલ્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનેલું નેટવર્ક.
  • ઝડપી ડેટા ટ્રાન્સફર માટે સક્ષમ.
  • બીજી તરફ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂઆતના સ્ટેજમાં.
  • સેટેલાઈટ ઈન્ટરનેટમાં 50 MBPSની ડાઉનલોડ સ્પીડ.
  • 14 થી 25 MBPSની અપલોડ સ્પીડ મળી શકે.
  • સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટની સ્પીડ 200 MBPS સુધીની હોવાનો દાવો.
  • સામાન્ય ઈન્ટરનેટમાં 50થી લઈને 300 MBPS એમ અલગ અલગ પેકેજ.

અલબત્ત આ વાત શહેરી વિસ્તારોની છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં 5G ઉપલબ્ધ નથી અથવા નેટવર્કની સમસ્યાઓ છે ત્યાં સેટેલાઇટ ઇન્ટરનેટ વધુ ફાયદાકારક સાબિત થશે. ટેલિકોમ્યુનિકેશન નિષ્ણાતોના મતે, સેટેલાઈટ ઈન્ટરનેટ અને હાલના 5G ઈન્ટરનેટ વચ્ચે સરખામણી ના કરવી જોઈએ. કેમ કે સેટેલાઈટ ઈન્ટરનેટ જ્યાં સરળતાથી ઈન્ટરનેટની સેવા નથી મળતી એ વિસ્તારો માટે છે જ્યારે 5G ઈન્ટરનેટ સરળતાથી ઈન્ટરનેટ મળે એ વિસ્તારો માટે છે. બીજું એ કે, 5G ઈન્ટરનેટ સતત આગળ ધપતી મોબાઈલ ક્રાંતિમાં એક પડાવ છે અને હજુ તેમાં સુધારા થશે અને 6G ઈન્ટરનેટ પણ આવશે. વિશ્વની મોબાઈલ ક્રાંતિ પર નજર નાંખશો તો આ વાત સમજાશે.

વિશ્વમાં મોબાઇલ ક્રાંતિ

  • વિશ્વમાં મોબાઈલ ફોન ટેકનોલોજીની શરૂઆત 1971માં થઈ.
  • પહેલો મોબાઈલ ફોન 1973માં બજારમાં આવ્યો.
  • ફોન મોટરોલા કંપનીએ બનાવ્યો હતો.
  • માર્ટિન કૂપરે 3 એપ્રિલ, 1963ના રોજ વાયર વિનાનો મોબાઈલ ફોન લૉન્ચ કર્યો.
  • આ ફોન બહું સાદો હતો અને એનાથી માત્ર વાત થતી હતી.
  • આ પહેલો ફોન વનG એટલે કે ફર્સ્ટ જનરેશનનો ફોન કહેવાયો.
  • વનG મોબાઈલ ફોનમાં વોઈસ કોલ જ થતા.
  • ટુG મોબાઈલમાં વોઈસ કોલની સાથે મેસેજ પણ મોકલી શકાતા.
  • વિશ્વમાં મોબાઈલ ટેકનોલોજીમાં ક્રાંતિ 3G મોબાઈલ ફોનના કારણે આવી.
  • 3G મોબાઈલમાં વોઈસ કોલ અને મેસેજની વ્યવસ્થા હતી અને ઈન્ટરનેટ વાપરી શકાતું.
  • ફોન પર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય એ ક્રાંતિ હતી.

એ પછી આવેલા ફોર્થ જનરેશન એટલે કે 4G મોબાઈલ ફોનમાં વોઈસ કોલ, મેસેજ ,જબરદસ્ત ઈન્ટરનેટ સ્પીડ ઉપરાંત વીડિયોની વ્યવસ્થા હતી. 4G ફોને તો લોકોની દુનિયા બદલી દીધી અને આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ. અત્યારના 5G મોબાઈલ ફોનમાં વોઈસ કોલ, ટેકસ્ટ મેસેજ વગેરે જૂનું બધું તો હશે પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ પણ છે કે જેની સ્પીડ એટલી થવાની કે આંખના પલકારામાં ગમે તેવો વીડિયો ડાઉનલોડ થશે.

ટેકનોલોજીની નવી જનરેશનની શરૂઆત

  • 5Gમાં માત્ર સ્પીડ જ અપગ્રેડ નથી થઈ.
  • ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થઈ.
  • 5Gમાં ભવિષ્યમાં એક સાથે લાખો ડિવાઈસ ડેટાનો ઉપયોગ કરશે.
  • એકબીજા સાથે આદાનપ્રદાન પણ કરી શકશે.
  • ફ્રિજથી લઈને CCTV સુધી દરેક ડિવાઈસ સાથે ફોનને કનેક્ટ કરી શકાશે.
  • સ્માર્ટ સિટી અને ડ્રાઈવરલેસ કારનું સ્વપ્ન પણ સાકાર થશે.
  • 5G ફોન આવતાં નેટવર્ક રિસ્પોન્સ સ્પીડ વધી.
  • ઓછા પાવર સાથે બેટરી લાંબા સમય સુધી ચાલે.
  • સ્પીડ નેટવર્ક પર વધુને વધુ ડેટા ટ્રાન્સફર કરી શકાય.
  • હાલની 5G ઈન્ટરનેટ ટેકનોલોજીમાં સૌથી કમાલની બાબત ડેટા ટ્રાન્સફર.

મોબાઈલ ટેકનોલોજીમાં 3G અને 4G ફોન પણ ક્રાંતિકારી ગણાતા હતા પણ 5G તેના કરતાં બહુ આગળ છે. 4G એટલે કે ફોર્થ જનરેશન. મોબાઇલ ફોન ટેલિકોમ્યુનિકેશનની ચોથી પેઢીના ફોન હતા. 4G કોલમાં એવું મોબાઇલ નેટવર્ક છે કે જે વાત કરતી વખતે સારી વોઇસ ક્વોલિટી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સગવડ તો આપે જ પણ એ પહેલાંના 3G નેટવર્ક કરતાં અનેકગણી વધારે સ્પીડથી માહિતી, ટેક્સ્ટ વગેરે અપલોડ કરવાની સુવિધા આપતું હતું. 3G નેટવર્ક પર માહિતી ડાઉનલોડ કરવાની અંદાજિત ઝડપ 14 MBPS હતી. મતલબ કે એક સેકન્ડમાં 14 MB સુધીનો ડેટા ડાઉનલોડ થઈ શકતો જ્યારે અપલોડ કરવાની સ્પીડ લગભગ 5 MBPS હતી. 4G પર ડાઉનલોડની ઝડપ 100 MBPS અને અપલોડ કરવાની ઝડપ 50 MBPS સુધી હોય છે એ આપણે અનુભવ્યું છે. હવે 5Gમાં આ સ્પીડ 10 ગીગા બાઈટ સુધી પહોચી શકે છે. 5Gમાં ઈન્ટરનેટની સ્પીડ 1 સેકન્ડના 10 ગીગા બાઈટ સુધીની થાય તો 40 સેકન્ડની અંદર 1 GBનું આખું મૂવી ડાઉનલોડ કરી શકાશે. અત્યારે જીયો જે વાપરે છે એ 4G એલટીઈ નેટવર્કમાં 1000 MBPS સ્પીડ મળે છે. આ સ્પીડથી આપણે રાજી છીએ ત્યારે તેના કરતાં 10 હજાર ગણી કરતાં વધારે સ્પીડ મળશે તો શું થાય તેનો વિચાર કરી જુઓ. અને આ પાછો અંત નથી. દુનિયામાં ચાલી રહેલા પ્રયોગોને જોતાં 6G ટેકનોલોજી આવશે અને ત્યારની સ્પીડ વીજળી જેવી હશે. હમણાં એક પ્રયોગ કરીને ચીન દુનિયામાં સૌથી ઝડપી ઈન્ટરનેટ ધરાવતો દેશ બની ગયો છે.

ચીનમાં પ્રયોગ

  • શિંઘુઆ યુનિવર્સિટી, ચાઈના મોબાઈલ, હ્યુવેઈ અને સેરનેટડોટકોમ કોર્પોરેશનની કમાલ.
  • એક સેકન્ડમાં 1.2 TB ડેટા ડાઉનલોડ કરી શકે.
  • એક સેકન્ડમાં 1 GBની મૂવી ડાઉનલોડ કરી શકાય.
  • અત્યારે 40 સેકન્ડમાં ડાઉનલોડ થતું મૂવી 1 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જાય.
  • 10 વર્ષમાં આખા ચીનમાં આ જ સ્પીડે ઈન્ટરનેટ ચાલશે.

અત્યારે સૌથી ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટ અમેરિકામાં છે કે જેની સ્પીડ 400 GB પ્રતિ સેકન્ડની છે. આ સ્પીડ 5G ઈન્ટરનેટમાં મળે છે પણ ચીન તો તેના કરતાં પણ આગળ નીકળી ગયું છે તેથી ભવિષ્યમાં મોબાઈલ ટેકનોલોજીમાં કે કેબલ દ્વારા મળતા ઈન્ટરનેટમાં જે સ્પીડ મળશે તેની કલ્પના ના કરી શકાય. સેટેલાઈટ ઈન્ટરનેટમાં કદી આટલી સ્પીડ મળવાની નથી તેથી જેમણે સ્પીડ જોઈતી હોય તેમણે સેટેલાઈટ ઈન્ટરનેટના વિકલ્પને ભૂલી જ જવાનો. સેટેલાઈટ ઈન્ટરનેટ હાલના ઈન્ટરનેટને પછાડી નહીં શકે પણ જ્યાં અત્યારે નેટ નથી મળતું ત્યાં પહોંચાડીને ઈન્ટરનેટને સર્વવ્યાપી બનાવી દેશે. અત્યારે જે સ્થિતિ છે તેમાં કમ સે કમ શહેરી વિસ્તારો કે ટાઉનોમાં તો વર્તમાન ઈન્ટરનેટ સેવા જ સારી છે. કેબલ અથવા ફાઈબર ઓપ્ટિક ઉપલબ્ધ હોય અથવા તો ડીએસએલ સેવા પણ સેટેલાઇટ કરતાં ઝડપી હોય તો એ વિકલ્પો તમારા માટે વધુ સારા છે. અત્યારે તેમાં વધુ સ્પીડ મળે છે અને તુલનાત્મક રીતે ખર્ચ પણ ઓછો છે.

સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ હજુ પણ વિશ્વ માટે ઘણી નવી છે અને સમયની સાથે તેની ઝડપમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. એ જ રીતે સ્પર્ધા વધ્યા પછી ભાવમાં ઘટાડો થવાની પણ સંભાવના છે પણ અત્યારે એ બહું ફાયદાકારક નથી.