November 26, 2024

મેટ્રો વધારશે ગુજરાતની ગતિ

Prime 9 With Jigar: ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જ સરકાર પાછી એક્શન મોડમાં છે અને એના ભાગરૂપે એક પછી એક પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાત સરકારની ટોપ પ્રાયોરિટી છે. એટલે મેટ્રો રેલ પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવાની ક્વાયત હાથ ધરાઈ છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને 25,300 કરોડ રૂપિયાના મેટ્રો રેલવે સેવાના વિસ્તરણનો પ્લાન મોકલ્યો છે.

પ્લાનમાં શું છે ખાસ ?

  • વડોદરા અને રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવાની યોજના.
  • અમદાવાદમાં મેટ્રો રેલનું વિસ્તરણ.
  • અમદાવાદમાં એરપોર્ટ સુધી મેટ્રો રેલનું વિસ્તરણ.
  • ગાંધીનગરમાં ગ્લોબલ ફિનટેક હબ ગિફ્ટ સિટીને ભેટ.
  • ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલનું વિસ્તરણ.
  • આખા ગિફ્ટ સિટીમાં મેટ્રો રેલ દોડે એવું આયોજન.

ગુજરાત સરકારે કરેલા આયોજન પ્રમાણે મેટ્રો રેલના વિસ્તરણ માટેનો જે ખર્ચ થશે એમાંથી 50 ટકા ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે અને બાકીનો 50 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે એવી દરખાસ્ત છે. લોકસભાની ચૂંટણી પછી PM મોદીની સરકારનું પહેલું બજેટ ઓગસ્ટમાં રજૂ થવાની શક્યતા છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં ગુજરાતમાં મેટ્રો રેલવે માટેના 4 પ્રોજેક્ટ માટે જરૂરી ફાળવણી કરશે એવી આશા છે.

મેટ્રોની જરૂરિયાત

  • ગુજરાતનાં શહેરોમાં ગીચતા વધી.
  • ટ્રાફિકની સમસ્યાઓ વધી.
  • પેટ્રોલના વધતાં ભાવોના કારણે ખાનગી વાહનોમાં ખર્ચ વધારે.
  • મેટ્રો રેલ પ્રોજેક્ટ લોકોનો સમય પણ બચાવશે અને આર્થિક રાહત આપશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને ફેબ્રુઆરીમાં બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કરી હતી. આ ટ્રાયલ રન સફળ થયા પછી CMRS દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ II કોરિડોર માટે ત્રણ દિવસનું નિરીક્ષણ શરૂ કરાયું અને એ પણ પૂરું થઈ ગયું છે. નર્મદા કેનાલ અને સાબરમતી પર મેટ્રો રેલ માટેના પૂલનું નિરીક્ષણ સૌથી મહત્વનું હતું. તેથી મેટ્રો રેલ સીક્યુરિટીની જોગવાઈએ પ્રમાણે પહેલાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.નર્મદા કેનાલ પરનો મેટ્રો બ્રિજ એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજ કેબલ-સ્ટે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. સાબરમતીથી ગાંધીનગર અને અમદાવાદને GIFT સિટી સાથે જોડતો 960 મીટર લાંબો પુલ બોક્સ ગર્ડર સાથે બાંધવામાં આવ્યો છે. આ પૂલ સફળતાપૂર્વક બંધાઈ જતાં મોટા ભાગનું કામ પતી ગયું છે. ફેઝ-2 મોટેરાને ગાંધીનગર સેક્ટર I એટલે કે ઇન્દ્રોડા સર્કલ અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી સાથે જોડશે. મોટેરા અને સેક્ટર-1 વચ્ચેના ઓપરેશનલ સ્ટ્રેચમાં વિશ્વકર્મા કોલેજ, કોબા સર્કલ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી સહિત 13 સ્ટેશનો હશે.હવે માત્ર મેટ્રો રેલ સુરક્ષા કમિશનર (CMRS) દ્વારા નિરીક્ષણ થઈ જાય પછી અંતિમ મંજૂરીઓ સાથે લીલી ઝંડી મળવાની બાકી છે. સામાન્ય રીતે, નિરીક્ષણ પછી સુધારા વધારા હોય તો એ કરવાની શરૂઆત થાય છે અને એ કામગીરી અત્યારે ચાલી રહી છે. આ સુધારા-વધારા થઈ જાય પછી અંતિમ મંજૂરી એક મહિનામાં આપીને આગળની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. આ બધું જોતાં તમામ કામગીરી લગભગ જુલાઈ મહિનાનાં અંત સુધીમાં પૂરી થઈ જાય એમ લાગી રહ્યું છે. જૂલાઈના અંતમાં બીજા તબક્કાની મેટ્રો રેલ શરૂ થાય પછી મહાત્મા મંદિર સુધીનો સમગ્ર વિસ્તાર વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

ગુજરાતને મેટ્રોથી મળશે ગતિ

  • સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધીનો વિસ્તાર વર્ષના અંત સુધીમાં શરૂ થશે.
  • સેક્ટર 10-એ, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય.
  • સેક્ટર 16 અને મહાત્મા મંદિર એમ છ સ્ટેશન હશે.
  • આખો પ્રોજેક્ટ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થશે.
  • 2025માં અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ટ્રેનથી જોડાઈ ગયાં હશે.
  • સુરતમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને મળી છે ગતિ.
  • સુરત મેટ્રો પ્રોજેક્ટનું બાંધકામ જાન્યુઆરી 2021માં શરૂ થયું.
  • પ્રોજેક્ટમાં આશરે 42 કિલોમીટરની લંબાઇ.
  • રેડ અને ગ્રીન એમ બે મેટ્રોલાઇનનું બાંધકામ.
  • બંને લાઇન પર કુલ 38 મેટ્રો સ્ટેશન.
  • સુરત મેટ્રો એ ગુજરાતનો બીજો સૌથી મોટો મેટ્રો પ્રોજેક્ટ.
  • સુરત મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો માર્ચ 2025 સુધીમાં કાર્યરત થશે.
  • આખો પ્રોજેક્ટ ડિસેમ્બર 2027 સુધીમાં કાર્યરત થઈ જશે.
  • એકવાર કાર્યરત થયા પછી સુરત મેટ્રોનું પણ વિસ્તરણ થઈ શકે.
  • સુરતની નજીકનાં બારડોલી, નવસારી, કીમ સહિતનાં શહેરોને જોડી શકાય.
  • સુરત મેટ્રો રૂટ રૂટમાં બે મેટ્રો લાઇન.
  • એક રેડ લાઈન અને બીજી ગ્રીન લાઇન.
  • રેડ લાઈન સરથાણાથી શરૂ થઈને ડ્રીમ સિટીમાં સમાપ્ત થશે.
  • લાઈનમાં કુલ 21 મેટ્રો સ્ટેશન.
    ગ્રીન લાઇન ભેસાણથી શરૂ થશે અને 18 મેટ્રો સ્ટેશન સાથે સારોલીમાં સમાપ્ત થશે.
  • બંને લાઇન મજૂરા ગેટ પર ક્રોસ થશે.
  • મજુરા ગેટ મેટ્રો સ્ટેશન એક ઇન્ટરચેન્જ સ્ટેશન બનશે.
  • મજૂરા ગેટ સ્ટેશન બંને મેટ્રો લાઇન રૂટ પર આવશે.
  • સરથાણાથી ડ્રીમ સિટી રેડ લાઇનમાં 21.61 કિમીનો રૂટ.
  • 15.14 કિલોમીટર એલિવેટેડ અને 6.47 કિમી ભૂગર્ભ લાઈન બનાવાશે.
  • ભેસાણથી સારોલી ગ્રીન લાઇનમાં 18.74 કિલોમીટર લાંબા રૂટ પર 18 મેટ્રો સ્ટેશન.
  • રૂટના તમામ મેટ્રો સ્ટેશનને એલિવેટેડ કરવામાં આવશે.

વડોદરા અને રાજકોટની દરખાસ્ત અત્યારે મૂકાઈ છે તેથી તેનો રૂટ કે બીજી વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે.

સૌરાષ્ટ્રને ભેટ મળશે ?

  • રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક.
  • રાજકોટમાં મેટ્રો બને પછી 25-30 કિ.મી વિસ્તારને આવરી લેવાશે.
  • ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો રેલ બને તો મોટા વિસ્તારને આવરી શકાય.
  • ભાવનગર અને જામનગરમાં મેટ્રો રેલ પ્રોજક્ટ નાંખવાનું આયોજન.
  • એ માટેની કોઈ પ્રાથમિક તૈયારીઓ નથી.

જોકે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રો રૂટના કારણે બહુ બધી શક્યતાઓ ખૂલી ગઈ છે એ સ્વીકારવું પડે. અમદાવાદના બે કોરિડોરને હવે આગળ લંબાવી શકાશે તેથી બહુ મોટા વિસ્તારોને આવરી લઈ શકાશે.

ફુલસ્પીડમાં દોડશે અમદાવાદ

  • થલતેજના રૂટને કલોલ કે સાણંદ જેવાં શહેરો સુધી લંબાવી શકાશે.
  • મહાત્મા મંદિરનો રૂટ દહેગામ અને માણસા જેવાં નગરોને આવરી લેવાશે.
  • વસ્ત્રાલના રૂટને મહેમદાવાદ કે ખેડા સુધી લંબાવી શકાય.
  • APMC માર્કેટના રૂટને છેક ધોળકા સુધી લંબાવી શકાય.

દિલ્હી સહિત જે પણ શહેરોમાં ગુજરાત કરતાં પહેલાં મેટ્રો રેલવે આવી ત્યાં આ રીતે મેટ્રોને લંબાવીને મોટા પ્રમાણમાં લોકોને લાભ અપાયો જ છે. અમદાવાદ દેશમાં મેટ્રો સેવા ધરાવતું પંદરમું શહેર બન્યું હતું. અમદાવાદ પહેલાં છેલ્લે જયપુરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી. અમદાવાદ પછી કાનપુર, આગ્રા અને નવી મુંબઈમાં મેટ્રો સેવા શરૂ થઈ જ છે. આ સિવાય દિલ્હી, કોલકાતા, બેંગલુરૂ, ગુરુગ્રામ અને મુંબઈ, ચેન્નાઈ, કોચી, લખનૌ, હૈદરાબાદ, નાગપુર, નોઈડા, પુણે તથા કાનપુરમાં મેટ્રો ટ્રેન કાર્યરત છે. આ બધાં જ શહેરોમાં આ રીતે જ મેટ્રો ટ્રેનને લંબાવીને મહત્તમ લોકોને લાભ અપાઈ રહ્યો છે.

વડોદરા અને સુરત બંનેમાં મેટ્રો રેલ બની જાય તો પછી બંને શહેરોને જોડતી અન્ડર વોટર મેટ્રો રેલ પણ નાંખી શકાય કે જે ભરૂચ અને અંકલેશ્વર જેવાં મોટાં શહેરોને આવરી લે. અત્યારે કોલકાત્તામાં એ રીતે અન્ડરવોટર મેટ્રો ટ્રેન ચાલે જ છે.

ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સફળ થઈ ચૂક્યો છે એ જોતાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સાચી દિશામાં આગળ વધી રહી છે એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ગુજરાતમાં અમદાવાદમાં મેટ્રોના બે રૂટ અત્યારે ચાલુ જ છે.

અમદાવાદમાં મેટ્રોની ગતિ

  • અમદાવાદમાં 6.5 કિલોમિટરની મેટ્રો રેલ.
  • PM મોદીએ 2019માં ઉદ્ઘાટન કર્યું.
  • વસ્ત્રાલથી એપેરલ પાર્કની વચ્ચે મેટ્રો રેલ સેવા શરૂ કરાવી.
  • ફેબ્રુઆરી 2019માં આ તબક્કાની ટ્રેનોનો ટ્રાયલ રન.

2022માં PM મોદીએ 32.01 કિલોમિટરની ઇસ્ટ-વૅસ્ટ કૉરીડોર પર બાકીન રૂટનું પણ ઉદઘાટન કર્યું. આ ઉદઘાટન સાથે થલતેજથી વસ્ત્રાલ સુધીનો આખો રૂટ ચાલુ થઈ ગયો. વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીના ઉત્તર-દક્ષિણ કોરિડોરને પણ છઠ્ઠી ઓક્ટોબર 2022ના દિવસે જનતા માટે ખોલવામાં આવ્યો તેથી અત્યારે બંને રૂટ ચાલુ થઈ ગયા છે.

મેટ્રોની ભેટ મળશે

  • અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો રેલ માટે કામગીરી.
  • સુરતની મેટ્રો રેલ સેવાનું કામ પણ પૂરજોશમાં.
  • ગુજરાત સરકારે મોકલેલી દરખાસ્તમાં વડોદરા મેટ્રોનો પણ સમાવેશ.
  • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની દરખાસ્ત.
  • રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો શરૂ કરવાનું આયોજન.
  • એક વાર કેન્દ્ર સરકારની મંજૂરી મળે પછી આ બધા પ્રોજેક્ટ પણ શરૂ થશે.
  • ગુજરાતમાં એક દાયકામાં કોઈ મોટું શહેર મેટ્રો રેલવેથી બાકાત નહીં હોય.
  • શહેરી વિસ્તારોમાં ગુજરાતની લગભગ 40 ટકા વસતી.
  • ગુજરાતની 40 ટકા વસતીને મેટ્રો રેલ સેવા હેઠળ આવરી લેવાશે.

અત્યારે જ્યાં કામ ચાલી રહ્યું છે એમાંથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન જુલાઈના અંત સુધીમાં ચાલુ થઈ જાય એવી શક્યતા છે. નરેન્દ્ર મોદી PM બન્યા પછી 19 ઑક્ટોબર 2014ના રોજ ભારત સરકારે અમદાવાદ મેટ્રો માટે રૂપિયા 10,773 ફાળવવાની મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે એક મહિના પછી નવેમ્બર 2014માં સાબરમતી-બોટાદની લાઈન પર પશ્ચિમ રેલવેની જમીન પણ મેટ્રો માટે વાપરવાની પરવાનગી આપી હતી. આ પહેલાં એવો પ્લાન હતો કે, આશ્રમ રોડને સમાનાંતર રેલ્વે લાઈન નંખાશે. આ પ્લાનને બદલી નાખી તેને પશ્ચિમ તરફ વાળવામાં આવ્યો કે જેથી જમીન સંપાદનમાં સરળતા રહે અને આશ્રમ રોડ પરની ગીચતા ઓછી કરી શકાય.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મસમોટું રોકાણ

  • પ્લાન બદલવાનો ખર્ચ 600 કરોડ રૂપિયા.
  • બે નવાં સ્ટેશન ઉમેરવામાં આવ્યાં.
  • 2015માં જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સીની જાહેરાત.
  • રૂપિયા 5968 કરોડનું ફંડિંગ આપવાની ઘોષણા.
  • 2016માં પહેલાં તબક્કામાં 4456 કરોડ આપવામાં આવ્યા.
  • 2015ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા 611 કરોડની વધુ ફાળવણી.
  • માર્ચ 2016માં ઉત્તર-દક્ષિણ કોરિડોરનું કામ શરૂ થયું.
  • ભારતીય રેલવેએ 2016માં પોતાની જમીન પર મેટ્રો બાંધકામની મંજૂરી આપી.
  • કામ ધમધોકાર ચાલ્યું અને છેવટે ગુજરાતને મેટ્રોની ભેટ મળી.

આ કારણે છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો લાભ મહત્તમ લોકોને મળે એ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. 2001માં નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યાર પછી ગુજરાતમાં મેટ્રો રેલની ચર્ચા શરૂ થઈ.

મેટ્રો માટે વિશેષ પ્રયાસ

  • 2004માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રોની સૌપ્રથમ વખત વાત કરી.
  • સૌપ્રથમ 2005માં મૂકાઈ હતી દરખાસ્ત.
  • કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી.
  • પ્રોજેક્ટ શરૂ કરવા માટે મોદીએ તાત્કાલિક પગલાં લીધાં.
  • ખર્ચ સહિતની બાબતોને લગતા સર્વે શરૂ કરાવ્યા.
  • બધા સર્વેમાં સંતોષકારક રિપોર્ટ મળ્યો.
  • કેન્દ્ર સરકારને ગુજરાતમાં મેટ્રો રેલ સેવા શરૂ કરવાની દરખાસ્ત મોકલાઈ.
  • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરાઈ.

ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ GMRCની સ્થાપના 4 ફેબ્રુઆરી 2010ના રોજ રૂપિયા 202 કરોડના પ્રારંભિક રોકાણ સાથે કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં છે. આ ઉપરાંત મેટ્રો રેલ સર્વિસનું કામ શરૂ કરવા માટે 2010માં મેગા એટલે કે MEGA કંપનીની સ્થાપના કરાઈ હતી. આ કંપનીના પ્રથમ ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને ડિસેમ્બર 2012માં મંજૂરી આપવામાં આવી હતી. એ વખતે રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની કામગીરી કરવામાં આવશે અવું નક્કી કરાયું હતું પણ પછી સુધારેલા અનુમાન પ્રમાણે મેટ્રો રેલ પાછળ 15,789 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.ઓક્ટોબર 2013ના રોજ પ્રથમ તબક્કામાં 40.03 કિમીના માર્ગના પ્રસ્તાવને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી હતી કે જેમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ માર્ગોનો સમાવેશ થતો હતો.

એ વખતે રજૂ કરાયેલા ડ્રાફ્ટ પ્રોજેક્ટ પ્રમાણે, પહેલા તબક્કામાં 40 કિલોમિટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કૉરિડોર પર મેટ્રો ટ્રેન દોડાવાની યોજના હતી. આ પ્રોજેક્ટમાં 21 કિલોમિટરના થલતેજ ગામથી ઍપરલ પાર્ક સુધીના રૂટને પૂર્વ-પશ્વિમ નામ અપાયું કે જેમાં 17 સ્ટેશન છે.

પૂર્વ-પશ્ચિમ કૉરિડોરમાં આ સ્ટેશન્સ સામેલ

  • થલતેજ
  • દૂરદર્શન કેન્દ્ર
  • ગુરુકુલ રોડ
  • ગુજરાત યુનિવર્સિ
  • કૉમર્સ છ રસ્તા
  • એસપી સ્ટેડિયમ
  • જૂની હાઈકોર્ટ
  • શાહપુર, ઘીકાંટા
  • કાલુપુર રેલવે સ્ટેશન
  • કાંકરિયા પૂર્વ
  • ઍપરલ પાર્ક
  • અમરાઈવાડી
  • રબારી કૉલોની
  • વસ્ત્રાલ, નિરાંત ક્રૉસ રોડ
  • વસ્ત્રાલ ગામ

પૂર્વ-પશ્ચિમ કૉરિડોરમાં શું છે ખાસ ?

  • 6.6 કિલોમિટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન.
  • ચાર અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન.
  • 96 રેલવે કોચ, 129 લિફ્ટ.
  • 161 ઍસ્કેલેટર અને 126 એન્ટ્રી અને એક્ઝિટ નિકાસ પૉઇન્ટ.

વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીની મેટ્રો રેલને ઉત્તર-દક્ષિણ કોરિડોર નામ અપાયું. 19 કિલોમિટર લાંબા આ કોરિડોરમાં 15 સ્ટેશન આવે છે.

મેટ્રોની જર્ની

  • 4 માર્ચ 2019ના રોજ પૂર્વ-પશ્ચિમના 6.5 કિલોમીટર માર્ગની શરૂઆત.
  • 6 માર્ચ 2019ના રોજ તેને જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો.
  • પ્રથમ તબક્કાનો બાકીનો માર્ગ 30 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરાયો.
  • 2 અને 6 ઓક્ટોબર 2022ના રોજ ખુલ્લો મૂકાયો.
  • ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડાશે.
  • અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ કરવાનો નિર્ણય.
  • બીજા બે કૉરિડોર બનાવવાનો નિર્ણય પણ લેવાયો.
  • બીજા તબક્કામાં 22.8 કિલોમિટરનો રુટ.
  • મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ આવરી લેવાયો, જેમાં 20 સ્ટેશન્સ.
  • ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમિટરનો રૂટ પણ આવરી લેવાયો.
  • કુલ 28.26 કિલોમિટરનો સમગ્ર રૂટ ઍલિવેટેડ રહેશે.

PM મોદીએ 6 માર્ચ, 2024ના રોજ કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું લોકાર્પણ કર્યું હતું. હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થતી આ મેટ્રો દ્વારા ગંગા એટલે કે હુગલી નદીના બંને કાંઠે આવેલાં બે મોટાં શહેરો હાવડા અને કોલકાતા સીધી રેલ્વે લાઈનથી જોડાઈ ગયાં છે. કોલકાતા મેટ્રોનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર 16.6 કિલોમીટર લાંબો છે ને તેમાંથી અન્ડરવોટર ટ્રેન ટનલ કોલકાતામાં હુગલી નદીની નીચે 520 મીટર લંબાવાઈ છે. આ મેટ્રો પ્રોજેક્ટનું કામ કોરોના કાળમાં ફટાફટ બે વર્ષમાં પૂરૂં કરાયું હતું એ જોતાં ગુજરાતમાં બણ ભવિષ્યમાં આ રીતે સુરત અને વડોદરા વચ્ચે આવતી વિશ્વામિત્રી અને નર્મદા નદીની અંદર ટનલ બનાવી જ શકાય છે. થયું હતું. કોલકાતામાં ભૂગર્ભ રેલ ટનલ બનાવવા માટે રશિયન કંપની ટ્રાન્સટોનેલસ્ટ્રોયે મદદ કરી હતી. આ કંપનીને ઈરાનમાં પાણીની અંદરના રસ્તાઓ તૈયાર કરવાનો અનુભવ છે તેથી કોલકાતામાં અંડરવોટર મેટ્રો તૈયાર કરવામાં મદદ કરી હતી.ગુજરાત પણ આવી કંપનીઓની મદદથી કંઈ પણ કરી જ શકે છે. ટૂંકમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતના ફાયદામાં છે અને તેના કારણે ગુજરાતમાં વિકાસની ગતિ બહુ તેજ બનશે તેમાં શંકા નથી.