સ્માર્ટ મીટર કેટલું SMART ? How SMART is a Smart Meter?
Prime 9 with Jigar: સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરથી લાઇટ બિલ વધારે આવે છે? વડોદરામાં સ્માર્ટ મીટર લગાવાયાં પછી એના કારણે વધારે બિલ આવતું હોવાના આક્ષેપો સાથે લોકો વિરોધ કરવા મેદાનમાં આવી જતાં આ મુદ્દો ચર્ચામાં છે. ગુજરાતનાં ઘણાં શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. 2025 સુધીમાં રાજ્યનાં તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવાની ગુજરાત સરકારની યોજના છે. જોકે આ પ્રોજેક્ટમા પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે. આ પ્રોજેક્ટ બરાબર શરૂ થાય એ પહેલાં જ એનો વિરોધ શરૂ થઈ ગયો છે. વડોદરામાં તો ભડકો જ થઈ ગયો છે અને સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતાં હોવાના દાવા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટી વડોદરાના કેટલાક વિસ્તારોમાં ગયા મહિને જ વીજ મીટર લગાવી દેવાયાં હતાં. પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCLએ વડોદરાના અલગ-અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યાં છે.
ગેરસમજનું મીટર
- 15 હજાર ઘરોમાં સ્માર્ટ મીટર લગાવાયાં.
- સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આક્ષેપ.
- સ્માર્ટ મીટરના કારણે ધડાધડ યુનિટ વધતા હોવાના આક્ષેપો.
- મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો.
- પહેલાંના મીટરની સરખામણીએ સ્માર્ટ મીટરમાં વધુ બિલ.
- રિચાર્જ બાદ બેલેન્સ પણ ઓછું આવે
વડોદરામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલી કાઢીને વીજ કંપની સામે લૂંટનો આક્ષેપ મૂકી દીધો. સ્માર્ટ મીટર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે તો આંદોલન થશે એવી ચીમકી પણ આપી છે. વીજ કંપની આ આક્ષેપોને ખોટા ગણાવી રહી છે. જે લોકો વધારે બિલનો દાવો કરી રહ્યા છે તેમનું પાછલું બાકી બિલ કપાયું હોવાથી ઓછી રકમ બતાવે છે એવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે.જૂના મીટરના વપરાશનો ચાર્જ પણ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર માટે ભરેલી રકમમાંથી કપાયો છે તેથી હવે પછી કોઈ બિલ નહીં આવે એવી સ્પષ્ટતા પણ કરાઈ છે, પણ લોકો સ્પષ્ટતા સાંભળવા તૈયાર નથી.
ગેરસમજનું મીટર
- સોશિયલ મીડિયા પર સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં વીડિયોઝ વાઇરલ.
- વીડિયોઝમાં સ્માર્ટ મીટરથી બિલ વધારે આવતું હોવાનો આરોપ.
- વીડિયોઝ વાઇરલ થતાં ગુજરાતમાં સ્માર્ટ મીટરને મુદ્દે લોકો મૂંઝવણમાં.
- સ્માર્ટ મીટરને અપનાવવું જોઈએ કે વિરોધ કરવો જોઈએ ?
સૌથી પહેલાં તો હાલમાં મોટા ભાગનાં ઘરોમાં લગાવાયેલા સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત સમજી લઈએ. વીજ કંપનીનો દાવો છે કે, સ્માર્ટ મીટર અને જૂના મીટર વચ્ચેનો તફાવત માત્ર પેમેન્ટ મોડ છે.
સ્માર્ટ મીટર કેટલું SMART?
(Part-1)
ખબરની ન કરો ફિકર, Prime9 With Jigar#PrimeNine #SmartMeter #smartphone #protest #ElectricityBill #PGVCL #MGVCP #UGVCL #Unit #Pre-paid #Recharge #Vadodara #Gandhinagar #NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat #GujaratNews pic.twitter.com/G1pFtf7weW
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 22, 2024
સ્માર્ટ મીટર શા માટે વધુ યોગ્ય?
- પહેલાં ગ્રાહકને દર બે મહિને પોસ્ટ-પેઇડ બિલ મળતું.
- અત્યારે બિલ પ્રિ-પેઈડ થઈ ગયું.
- સાદા મીટરમાં વીજળીના વપરાશ પછી બિલ ભરવાનું હોય.
- સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઈડ મોબાઇલ કાર્ડ જેવી સ્થિતિ.
- સાદા મીટરમાં પહેલાં વીજળીનો ઉપયોગ અને એ પછી બિલ ભરવાનું.
- સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં પડે.
- જેટલો વપરાશ કરશો એટલાં નાણાં કપાઈ જશે.
- સાદા મીટરમાં નાણાં ભરવા માટે જવું પડે.
- સાદા મીટરમાં ઓનલાઈન પેમેન્ટ થઈ જાય.
- સ્માર્ટ મીટરમાં પહેલાં રિચાર્જ કરાવવું પડે.
- રિચાર્જ ના કરાવો તો વીજળી જ વાપરી શકાતી નથી.
સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણવો હોય તો રોજ સવાર પડેને તમારે કેટલા યુનિટ થયા અને બીજા દિવસે કેટલા યુનિટ થયા તેનો આંકડો લખીને બાદબાકી કરવી પડતી.
સ્માર્ટ મીટર કેટલું SMART?
(Part-2)
ખબરની ન કરો ફિકર, Prime9 With Jigar#PrimeNine #SmartMeter #smartphone #protest #ElectricityBill #PGVCL #MGVCP #UGVCL #Unit #Pre-paid #Recharge #Vadodara #Gandhinagar #NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat #GujaratNews pic.twitter.com/tRmUqLAbZK
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 22, 2024
સાદા અને સ્માર્ટ મીટર વચ્ચેનું અંતર
- સાદા મીટરમાં બિલ મોડું ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી.
- વીજળી કંપનીના કર્મચારી કનેક્શન કાપવાની ચીમકી આપતા.
- સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી.
- સ્માર્ટ મીટરમાં સીધેસીધો રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે.
- સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું એ સાથે જ વીજળી કપાઈ જશે.
- સ્માર્ટ મીટરમાં વીજ ચોરી શક્ય નથી એવો દાવો.સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહોતી.
- સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન જરૂરી.
- સ્માર્ટ ફોન નહીં હોય તો સ્માર્ટ મીટર કામ જ નહીં કરે.
- સ્માર્ટ મીટર પ્રિ-પેઇડ મીટર હોવાથી પહેલાંથી રિચાર્જ કરાવવાનું રહેશે.
સ્માર્ટ મીટર નવાં છે, તેથી હાલના તબક્કે વીજ કંપનીઓએ એવી સુવિધા આપી છે કે, પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરમાં ગ્રાહક મોબાઇલ ફોનની જેમ એડ્વાન્સમાં મીટર રિચાર્જ કરાવે એ પછી એનો વપરાશ પ્રિ-પેઈડ રકમથી રૂપિયા 300થી વધુ થઈ જાય ત્યાં સુધી તેની વીજળી કાપવામાં આવશે નહીં. 300 રૂપિયાની મર્યાદા વટાવ્યા પછી પાવર કટ થઈ જશે અને રિચાર્જ કર્યા પછી કનેક્શન આપમેળે ફરીથી શરૂ થઈ જશે. સ્માર્ટ મીટર નવાં હોવાથી માઈનસ 300 રૂપિયા બિલ થાય પછી પણ વીજળી વિભાગ ગ્રાહકને 5 દિવસનો ગ્રેસ પિરિયડ આપી રહ્યું છે. આ સમયગાળામાં પણ રિચાર્જ નહીં થાય તો પાવર કાપવામાં આવશે. વડોદરામાં સ્માર્ટ મીટર સામેના વિરોધના એક વાઇરલ વીડિયોમાં એક મહિલા ફરિયાદ કરે છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ બમણું થઈ ગયું છે. પહેલાં માત્ર 600 રૂપિયા બિલ આવતું હતું પણ અહીં તો બે હજાર રૂપિયા 10 દિવસમાં જ કપાઈ ગયા. જોકે, MGVCLએ આ મામલે સ્પષ્ટતા કરી ત્યારે આ મહિલાને વિશ્વાસ થયો. જોકે, તેના વાઇરલ વીડિયોના કારણે ખોટી વાત ફેલાઈ ગઈ. ક્યારેક ખોટી વાતો ફેલાઈ જવાના કારણે પણ વિરોધ થાય છે. હવે મુદ્દાની વાત પર આવીએ. ગ્રાહકો માટે સ્માર્ટ મીટર ખરેખર ફાયદાકારક છે ખરાં?
સ્માર્ટ મીટરના ફાયદા
- વીજ વપરાશ પર નજર રાખી શકાય.
- કેટલાંક ઉપકરણો જૂનાં કે ફોલ્ટી હોવાથી વધુ વીજ વપરાશ.
- સ્માર્ટ મીટરથી આવાં ઉપકરણોની ખબર પડી જશે.
- આવાં ઉપકરણોને દૂર કરીને લાઈટ બિલ ઘટાડી શકાશે.
- સ્માર્ટ મીટરમાં RF વાયરલેસ સિસ્ટમ એટલે કે રેડિયો ફ્રીક્વન્સીની ચિપ લગાવાય.
- ચિપની મદદથી મીટર રિચાર્જ કરી વીજ પાવરનો ઉપયોગ કરી શકાશે.
આ સિસ્ટમને ઑપરેટ કરવા લગભગ 200 કનેક્શન પર એક DCU એટલે કે ડેટા કોન્સેન્ટ્રેટર યુનિટ સિસ્ટમ ફિટ કરાય છે. આ સિસ્ટમ સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે. તેથી દરેક કનેક્શન ધારકના મીટરના ડેટાનું મોનિટરિંગ થયા કરે છે.
આ સિસ્ટમની મદદથી વીજ કંપની અને ગ્રાહક એપ્લિકેશન મારફતે જાતે દરરોજ કેટલા યુનિટ વપરાયા, દરરોજ કેટલા યુનિટના કેટલા નાણાં થયા, કેટલું રિચાર્જ કરાવ્યું અને ક્યારે રિચાર્જ કરવાનું વગેરે માહિતી મેળવી શકાય છે. રિચાર્જ પૂરું થવા આવે એટલે મેસેજ પણ ગ્રાહકને જાય છે. જેથી જલ્દી રિચાર્જ કરાવી શકાય અને રિચાર્જ પૂરો થતાં વીજ પુરવઠો આપોઆપ બંધ ના થઈ જાય. સમસ્યા એ છે કે, આ આખી સિસ્ટમ સ્માર્ટ ફોન પર છે. સ્માર્ટ મીટર માટે સ્માર્ટ ફોન ફરજિયાત જોઈએ અને એના પર રિચાર્જ પણ કરાવવું પડે. જે પરિવારો પાસે સ્માર્ટફોન નથી તેઓ પોતાના સ્માર્ટ મીટરના વપરાશને ટ્રેક ના કરી શકે. ગુજરાતમાં મોડે મોડે સ્માર્ટ મીટર આવ્યાં પણ બિહાર અને પંજાબ સહિતનાં રાજ્યોમાં બહું પહેલાં જ જૂનાં મીટરના બદલે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવાયું છે. બિહાર, આસામ અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં સ્માર્ટ મીટર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. નોઈડાની મોટી કોલોનીઓમાં પણ આ સિસ્ટમ સફળતાપૂર્વક ચાલી રહી છે.
શા માટે સ્માર્ટ મીટર?
- વીજ પુરવઠામાં આવતી ખોટ ઘટાડવા.
- ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજળીનો પુરવઠો પૂરો પાડવા.
કેન્દ્ર સરકારના RDSS એટલે કે રિવેમ્પ, રિફોર્મ લિન્ક્ડ રિઝલ્ટ બેઝ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કિલ પ્રોજેકટ હેઠળ નવાં સ્માર્ટ મીટરો લગાવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય પ્રમાણે, 2025ના અંત સુધીમાં દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી દેવાશે. ભારત સરકાર દ્વારા યોજનાના અમલ માટે પ્રથમ તબક્કામાં દેશમાં 25 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું નક્કી કરાયું હતું. આ પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત દિલ્હી પાસે આવેલા નોઈડાથી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 2021માં જ પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવા માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને મીટર બદલવાની સમય મર્યાદા પણ નક્કી કરી નાંખી હતી.
આ સમયમર્યાદા પ્રમાણે, 2023ના અંત સુધીમાં વીજમાળખું ધરાવતા તમામ વિસ્તારોમાં અને 2025 સુધીમાં દેશના બાકી રહેલા ભાગોમાં પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવી દેવાનાં હતાં પણ કોરોના આવી ગયો તેમાં આ પ્રોજેક્ટના અમલમાં થોડો વિલંબ થયો હતો. અલબત્ત સુધારેલી સમયમર્યાદા પ્રમાણે 2025 સુધીમાં દરે ઘરે આ નવું સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવશે એવું નક્કી કરાયું હતું.
શા માટે સ્માર્ટ મીટર?
- કૃષિ ક્ષેત્રોના વીજળી જોડાણના મીટરને યોજનામાંથી બાકાત રાખવાનો નિર્ણય.
- સ્માર્ટ મીટર વિશે નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારોને અપાયો.
- કયા વિસ્તારોમાં સ્માર્ટ મીટર ના નાંખવા એનો નિર્ણય પણ રાજ્ય સરકાર પર છોડાયો.
- કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે યોગ્ય રકમ ફાળવવા પણ રાજ્ય સરકારોને કહ્યું હતું.
- દેશમાં સ્માર્ટ મીટર લગાડવામાં ગુજરાત મોખરે.
- ગુજરાતમાં ગયા વર્ષે જ સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરાયું.
- ગુજરાતમાં ડિસેમ્બર 2023માં આ યોજના અમલમાં મુકાઈ.
- જેના પહેલાં જ ગુજરાતમાં મીટરની જરૂરિયાત માટે સર્વે કરાયો.
ગુજરાતની ચારેય વીજ કંપનીઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં કુલ 1,64,81,871 પ્રિ-પેઇડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવાશે એ પણ નક્કી હતું. આ પ્રક્રિયામાં પ્રાથમિક તબક્કે કુલ 10,443 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ ખર્ચ માટે ડિસ્કોમ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. 2023માં જ એની ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. ગુજરાતમાં સ્માર્ટ મીટરો સૌથી પહેલાં GEB કોલોનીમાં લગાડવામાં આવ્યાં હતાં કે જ્યાં કોઈ પણ તકલીફ વિના ચાલ્યાં છે.
સ્માર્ટ મીટરનો સ્વીકાર
- સુરતના પાલ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો ઝડપથી સ્વીકાર.
- સ્માર્ટ મીટર નંખાયા પછી કોઈ અડચણ ના આવી.
- રાજ્યમાં બીજા કેટલાક વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત.
- અમદાવાદમાં સૌથી પ્રથમ નરોડા વિસ્તારમાં આ મીટર લગાડવાની શરૂઆત.
- UGVCL દ્વારા નરોડામાં પાઇલોટ પ્રોજેકટ હેઠળ 170 સ્માર્ટ મીટર લગાવાયાં.
- દહેગામમાં સ્માર્ટ મીટર લગાવાયાં.
- વડોદરામાં સ્માર્ટ મીટર લગાવાયાં અને સમસ્યાઓ શરૂ થઈ.
બાકી અત્યાર સુધી ક્યાંયથી પણ ફરિયાદ આવી જ નથી. ફરિયાદો ના આવે એટલા માટે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. કેમ કે લોકોને સ્માર્ટ મીટર વિશે બહું ખબર નથી. તેનો લાભ લઈને લોકોના માનસમાં શંકા-કુશંકાઓ ઉભી કરાઈ રહી છે. ગુજરાત સરકારે મોડે મોડે નિર્ણય લીધો કે, લોકોના મનમાં કોઈ શંકા ના રહે એ માટે 100 મીટરના દરેક ગ્રુપમાં કોઈ પણ ઘરમાં 5 જૂના મીટર પણ લગાવવામાં આવશે. આ જૂના સાદા નવાં પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર્સ સાથે જોડાયેલાં હશે કે જેથી રીડિંગ્સની સરખામણી થઈ શકે. આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બંને મીટર વચ્ચેના રીડિંગની સરખામણી કરવી હોય તો એ આ ઘરોમાં જઈને કરી દેવાશે. આ સરખામણીમાં કોઈપણ પ્રકારની ગરબડ લાગે તો ફરિયાદ પણ કરી શકે છે. આ વ્યવસ્થા સારી છે પણ તેને તમામ ઘરોમાં લાગુ કરવી જોઈએ.