November 25, 2024

આકાશમાંથી આફત વરસી

Prime 9 With Jigar: આપણા દેશમાં ભૂસ્ખલન એટલે કે ભેખડો ધસી પડવાની ઘટનાઓ સામાન્ય છે. અલબત્ત, આવી ઘટનાઓ હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં વધુ બનતી હોય છે. ચોમાસાની સીઝનમાં તમે સમાચારોમાં એનાં દૃશ્યો જોતા હશો. આવી જ ઘટના કેરળના વાયનાડમાં બની છે. મંગળવાર વાયનાડવાસીઓ માટે અમંગળ પુરવાર થયો. ભારે વરસાદ પડતાં જ આકાશમાંથી આફત વરસી હતી.

વ્યાપક તારાજી

  • મેપ્પાડીના પર્વતીય વિસ્તારમાં દુર્ઘટના
  • 119થી વધુ લોકોનાં મોત
  • NDRF સહિત અનેક એજન્સીઓ તહેનાત
  • એરફોર્સના બે હેલિકૉપ્ટર્સ પણ રેસ્ક્યુ ઑપરેશનમાં સામેલ
  • કન્નૂરથી આર્મીના 225 જવાનોને વાયનાડમાં મોકલાયા
  • ઇજાગ્રસ્તોને તરત હૉસ્પિટલોમાં લઈ જવાયા
  • રાજ્યના મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા
  • મુંડક્કઈ ગામમાં સૌથી વધુ નુકસાન
  • મુંડક્કઈ ગામમાં 250 લોકો ફસાયા
  • ગામમાં 65 પરિવારો રહેતા હતા
    ટી-એસ્ટેટના 35 કર્મચારીઓ પણ મિસિંગ

આ દુર્ઘટના પછી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

શું પગલાં લેવાયાં ?

કોઝિકોડ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ
ગ્રેનાઇટની ખાણોને બંધ કરવા માટે આદેશ

PM નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની સાથે વાતચીત કરી હતી. PM મોદીએ કેરળ સરકારને તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં PM મોદીએ BJPના કાર્યકર્તાઓ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાય એની ખાતરી કરવા માટે BJPના અધ્યક્ષ જે. પી. નડ્ડાને કહ્યું હતું. PM મોદીએ કેરળમાંથી BJPના એકમાત્ર સંસદસભ્ય સુરેશ ગોપીની સાથે પણ વાતચીત કરી હતી.

વાયનાડના મુંડક્કી, ચૂરાલમાલા, અટ્ટામાલા અને નૂલપુજા ગામને સૌથી વધુ અસર થઈ છે.

ભૂસ્ખલનની આશંકા

  • જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કર્યો 2021માં સ્ટડી
  • કેરળના 43 ટકા ભાગમાં ભૂસ્ખલનનો ખતરો
  • ઇડુકીના 74 ટકા ભાગમાં પર્વતો
  • વાયનાડના 51 ટકા ભાગમાં પર્વતો
  • આ વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા વધારે

કેરળના કેટલાક વિસ્તારો વેસ્ટર્ન ઘાટ હેઠળ આવે છે. વાયનાડનો એક મોટો વિસ્તાર પશ્ચિમ ઘાટ હેઠળ આવે છે. પશ્ચિમ ઘાટના પર્વતોમાં વાસ્તવમાં ક્લેનું પ્રમાણ વધારે હોય છે. જેના લીધે આ પર્વતો પર ખૂબ જ વધારે પાણી પડતાં જ એ ફેલાઈ જાય છે. જેના કારણે ભૂસ્ખલનનું જોખમ વધી જાય છે. હવે, આ ભૂસ્ખલનની ઘટના શું છે એ સમજવું જરૂરી છે.

ભૂસ્ખલન શું છે?

  • ભૂસ્ખલન એક કુદરતી હોનારત
  • જમીનના પેટાળમાં હલનચલનના કારણે થાય
  • પહાડી વિસ્તારોમાં વધારે સમસ્યા
  • ઓચિંતા પથ્થરો અને કાટમાળ નીચે પડે
  • ભારે વરસાદ, ભૂકંપ કે જ્વાળામુખીના કારણે થાય
  • દેશમાં દર વર્ષે ભૂસ્ખલનની 20થી 30 મોટી દુર્ઘટનાઓ

વાયનાડમાં આજની ઘટનાનાં કારણો તમારે જાણવા જોઈએ.

પહેલું કારણ
કેરળ ચાના બગીચાઓ માટે જાણીતું
મોટા પાયે જંગલોનો નાશ કરાયો છે
જેના કારણે ભૂસ્ખલનની દુર્ઘટનામાં વધારો

બીજું કારણ
કેરળમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો
ભારે વરસાદના કારણે પર્વતીય વિસ્તારોમાં જમીન પોચી થાય

ત્રીજું કારણ
વાયનાડમાં કાબિની નદી
એની ઉપનદી મનંતાવડી થોંડારમુડી શિખરથી નીકળે છે
ભૂસ્ખલનના કારણે આ નદીમાં પૂર આવવાથી વધુ નુકસાન
પૂરના કારણે કાટમાળ ઝડપથી પર્વતો પરથી નીચે આવે

કેરળના મુખ્ય સચિવ ડૉ. વી. વેણુએ ન્યૂઝ એજન્સી એ.એન.આઈને જણાવ્યું હતું કે, અનેક લોકો હજી મિસિંગ છે. એટલે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી શકે છે. આ વિસ્તાર સંપૂર્ણપણે અલગ-થલગ છે. જેના કારણે કેરળના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ છે. NDRF અને આર્મી પણ મદદ માટે પહોંચી ગઈ છે. જોકે, આ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. કેરળમાં છેલ્લાં કેટલાક દિવસોમાં અનેક જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. આ જગ્યાઓમાં મુંડક્કઈ, અટ્ટામાલા અને કુંહોમ જેવા વિસ્તારો સામેલ છે.

કેરળમાં ભૂસ્ખલનની દુર્ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. પાંચ વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. એ સમયે 17 લોકોનાં મોત થયા હતા. એ સમયે વાયનાડના ચાર ગામ મુંડક્કઈ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નૂલપુજામાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જોકે, આ દુર્ધટનામાંથી કોઈ જાતનો પાઠ ભણવામાં ના આવ્યો. એટલે વધુ એક વખત વાયનાડની ધરતી પર વિનાશ થયો.

વળતર અપાયું

  • PMની ઓફિસ દ્વારા વળતરની જાહેરાત
  • મૃતકોના પરિવારજનોને બે લાખનું વળતર
  • ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર

કેરળના માથેથી હજી આફત ટળી નથી. કેરળમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, નાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લા માટે અલર્ટ ઇશ્યૂ કરવામાં આવી છે. બીજા ચાર જિલ્લામાં ઓરેન્જ અલર્ટ ઇશ્યૂ કરવામાં આવી છે. આવા સંજોગોમાં આ વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો રહે છે. આ ખતરાને ટાળવા માટે હવે દેશના નિષ્ણાતો એક વ્યવસ્થા ઊભી કરવાનું સૂચન આપી રહ્યા છે.

નિષ્ણાતોના સૂચનો

  • ભૂકંપની જેમ ભૂસ્ખલન માટે આગાહી સિસ્ટમ વિકસાવો
  • પર્વતીય વિસ્તારોમાં સુરક્ષિત સ્ટ્રક્ચર ઊભાં કરવાની જરૂર

હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરી શકે છે. જોકે, ક્યાં ભૂસ્ખલન થઈ શકે છે એની આગાહી કરવી મુશ્કેલ છે. આવા સંજોગોમાં નિષ્ણાતોની સમિતિએ જ ભૂસ્ખલનની શક્યતા ધરાવતા વિસ્તારોની ઓળખ કરવી પડશે. નિષ્ણાતો એવી પણ સલાહ આપે છે કે, જે રીતે આપણા દેશમાં ભારે વરસાદની સ્થિતિમાં નદી કિનારાની આસપાસના લોકોને સુરક્ષિત સ્થાનોએ શિફ્ટ કરવામાં આવે છે એ જ રીત અપનાવવાની જરૂર છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો ખતરો છે. એટલે જ ભારે વરસાદની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થાનોએ શિફ્ટ કરવા જોઈએ. આપણા દેશમાં મુશ્કેલી એ છે કે, માત્ર દુર્ઘટના થાય એ પછી જ અધિકારીઓ સફાળા જાગે છે. તેઓ એ પછી જ ઉપાયો વિચારવા લાગે છે.

આ દુર્ઘટના શું શીખવે છે ?

  • આપણે કુદરતી આફતો માટે વધુ સજ્જ થવાની જરૂર
  • જંગલોના કપાતાં રોકવાં જોઈએ
  • પહાડી વિસ્તારોમાં ઘર બનાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ

ભૂસ્ખલનના કારણે 119થી વધુ લોકોનાં મોત થયા છે. જોકે, એ સિવાય પણ નુકસાન થયું છે.

ભૂસ્ખલનની અસરો

  • ઘરો, રસ્તાઓ, પૂલો અને અન્ય ઇમારતોને નુકસાન
  • ભૂસ્ખલનથી જમીન, પાણી અને વનસ્પતિને નુકસાન
  • ભૂસ્ખલનથી આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ જાય

આ બધા નુકસાન કરતાં માણસોની જિંદગી વધારે મહત્ત્વની છે. એટલા માટે જ વહિવટીતંત્રે જિંદગી બચાવવા માટે વધારે સતર્ક અને સભાન થવાની જરૂર છે.