December 26, 2024

અયોધ્યામાં ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, વર્લ્ડ રેકોર્ડ બનશે

Ayodhya Diwali: દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ બાદ પ્રથમ વખત અયોધ્યામાં ભવ્ય દિવાળી ઉજવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર બુધવારે સાંજે અયોધ્યામાં સરયૂના કિનારે 28 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની યોજના છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક કારીગરો પાસેથી 28 લાખ દીવા મંગાવવામાં આવ્યા છે, જેથી જો 10 ટકા દીવાઓ કોઈ કારણસર બગડી જાય તો પણ 25 લાખ દીવા પ્રગટાવી શકાય. નવો રેકોર્ડ બનાવવા માટે રામ કી પૌડી અને અન્ય ઘાટ પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ઘાટ પ્રભારી અને સંયોજક નિયમિત રીતે ઘાટ પર વ્યવસ્થિત રીતે દીવા લગાવી રહ્યા છે. નોંધનીય છે કે, સીએમ યોગી આદિત્યનાથ દ્વારા અયોધ્યામાં આયોજિત આ આઠમો દીપોત્સવ કાર્યક્રમ હશે. સરકારે ઘાટ પર 5 થી 6 હજાર લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે. ઘાટ પર હાજર લોકોને કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવા માટે ઘાટો પર 40 વિશાળ LED સ્ક્રીન લગાવવામાં આવી છે. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં મ્યાનમાર, નેપાળ, થાઈલેન્ડ, મલેશિયા, કંબોડિયા અને ઈન્ડોનેશિયાના કલાકારો પણ પરફોર્મ કરશે.

હનુમાનગઢીના મહંતે શું કહ્યું?
રામ નગરના રહેવાસીઓ અને સંતો આનાથી ખૂબ જ ખુશ છે. અયોધ્યાના હનુમાનગઢી મંદિરના મહંત રાજુ દાસે કહ્યું કે પહેલા જ્યારે રામલલા ટેંટમાં હતા ત્યારે અમે ઉદાસ રહેતા હતા, પરંતુ હવે દરેક લોકો ખુશ છે કારણ કે તેઓ ભવ્ય નવા મંદિરમાં દિવાળીના તહેવારોમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે અમે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં આવી જ રીતે દિવાળી ઉજવવાની આશા રાખીએ છીએ. નોંધનીય છે કે, રામ મંદિરને પર્યાવરણને અનુકૂળ વિશેષ દીવાઓથી ઝળહળતું કરવામાં આવશે. આ દીવાઓ મંદિરના આકાર પર ડાઘ અને સૂટની અસરને રોકવા માટે બનાવવામાં આવી છે. ઉપરાંત, તેમની જ્યોત લાંબા સમય સુધી સળગતી રહેશે.