January 30, 2025

પ્રયાગરાજથી શ્રધાળુઓને પાછા લઈ જવા માટે રેલવેની તૈયારી, 190 સ્પેશિયલ ટ્રેન દોડાવી

મહાકુંભ 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે મૌની અમાવસ્યા સ્નાન પર મોટી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આમાં ઘણા લોકોના મોતની આશંકા છે. જોકે, વહીવટી તંત્રએ ઘાયલ અને મૃતકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અને પ્રશાસનની મહેનતને કારણે સ્થિતિ ફરી સામાન્ય થઈ ગઈ છે. બીજી તરફ મહાકુંભની નાસભાગ બાદ ભારતીય રેલવેએ એક મોટું અપડેટ આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે અમે કોઈ ટ્રેનનું સંચાલન બંધ કર્યું નથી.

બુધવારે સવારે થયેલી નાસભાગ બાદ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે. દરમિયાન રેલવેએ કહ્યું છે કે, અમે કોઈપણ ટ્રેનનું સંચાલન બંધ કર્યું નથી. પ્રયાગરાજ વિસ્તારમાં મુસાફરોની સંખ્યા વધુ હોવાથી અમે ખાલી ટ્રેનો મોકલીને ભીડ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સમયે અમારી પ્રાથમિકતા સ્ટેશન વિસ્તારને ખાલી કરાવવાની છે. રેલવેએ પ્રયાગરાજ પ્રદેશમાંથી મુસાફરોને પરત લાવવાની યોજના બનાવી છે, જે અંતર્ગત પ્રયાગરાજ ક્ષેત્રના સ્ટેશનો પરથી 360થી વધુ ટ્રેનો ચલાવવાની યોજના છે. જોકે, રેલવેએ કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યા છે. મહાકુંભમાં જનારા અને ત્યાંથી પાછા ફરવાની તૈયારી કરી રહેલા લોકોને આ ખૂબ મદદરૂપ થશે.

મૌની અમાસના તહેવાર માટે રેલવેએ 190 વિશેષ ટ્રેનો દોડાવી
ઉત્તર મધ્ય રેલવેના સીપીઆરઓ શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, ‘મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રેલવે પરિસર તરફ આવી રહ્યા છે. હવે ધીમે ધીમે ભીડ રેલ્વે સ્ટેશન તરફ આગળ વધી રહી છે. બપોર સુધી લગભગ 50 ઉત્તર મધ્ય રેલવે, 13 ઉત્તરીય રેલવે અને 20 ઉત્તર પૂર્વ રેલવે દ્વારા કુલ 80થી વધુ વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. રેલવે પ્રશાસને આજે 190 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે. જેથી લોકોને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.

CM યોગીએ રેલવે મંત્રી સાથે વાત કરી
સૂત્રોનું કહેવું છે કે કુંભમાં નાસભાગ બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે. CM યોગીએ મૌની અમાવસ્યામાં સ્નાન કરવા આવેલા ભક્તોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે ખાલી ટ્રેનો મોકલવાની માગ કરી હતી. આના પર રેલવે પ્રયાગરાજના સ્ટેશનો પર ખાલી ટ્રેનો મોકલી રહી છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાલી કરાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત ઘણી ખાલી ટ્રેનોને પ્રયાગરાજ મોકલવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે લગભગ 4 મિનિટના અંતરાલમાં ટ્રેન દોડાવી શકાય અને લોકોને સંગમ સાથે જોડાયેલા રેલવે સ્ટેશનથી વહેલી તકે લઈ જઈ શકાય.

રેલવે અધિકારીઓનું કહેવું છે કે શાહી સ્નાનના દિવસે કુંભ વિસ્તારમાં નવા મુસાફરોને લઈને કોઈ વિશેષ ટ્રેન આવશે નહીં. પરંતુ પ્રયાગરાજથી તમામ વિશેષ ટ્રેનો અન્ય શહેરો માટે મુસાફરોને લઈ જતી રહેશે. રેલવેએ આ પ્લાન માત્ર શાહી સ્નાન દિવસ માટે જ તૈયાર કર્યો છે. ઉદાહરણ તરીકે, આજે જો કોઈ વ્યક્તિ દિવસ દરમિયાન અયોધ્યા અથવા બનારસથી પ્રયાગરાજ આવવા માંગે છે તો તે આવી શકશે નહીં, પરંતુ હાલના મુસાફરો માટે પ્રયાગરાજથી બહાર જતી તમામ ટ્રેનો સરળતાથી ચાલતી રહેશે.