Prayagraj Tragedy: UPના પ્રયાગરાજમાં ગમખ્વાર અકસ્માતમાં આખો પરિવાર હોમાયો
Prayagraj Tragedy: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.
મળતી માહિતી મુજબ, સરાયમરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સોરો પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક ટેન્કરે બાઇકને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં બાઇક સવાર 5 લોકોના મોત થયા હતા. આ અકસ્માત સોમવારે સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મૃતકો એક જ પરિવારના છે. જેમાં માતાની સાથે બે પુત્રોનો પણ સમાવેશ થાય છે.
મૃતકોમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં, વિકાસ (25 વર્ષ), સુમરી (60 વર્ષ), જનતા (34 વર્ષ), દિવાના (7 વર્ષ) અને લક્ષ્મી (8 મહિના)નો સમાવેશ થાય છે. આ તમામ લોકો જૌનપુર જનપદના મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખુર્દ પોલીસ ચોંકી વિસ્તારમાં રહેતા હતા. આ આખો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કરને કબજે લઈને ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારના લોકો પણ પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.