હજારો નાગા સાધુ-હઠયોગી ‘ને કરોડો માણસોનો મેળાવડો; જાણો આસ્થાના ‘મહાકુંભ’ની તમામ વ્યવસ્થા
સિદ્ધાર્થ ગોઘારી, પ્રયાગરાજઃ આસ્થાના મહાકુંભનો પ્રયાગરાજમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે 45 દિવસ ચાલનારા આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. આવો જાણીએ ત્યાં હાલ કેવો માહોલ છે…
મેળામાં કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવે તો મહાકુંભમાં સંપૂર્ણ વ્યવસ્થા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવે છે. કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ કે લોકોની ભીડ વધી હોય છે, ત્યારે રૂટનું બેરીકેટીંગ કરીને ભીડને ડાયવર્ટ કરવામાં આવે છે. સ્ટેટ રિઝર્વ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ, NDRF તેમજ ઉત્તર પ્રદેશ પોલીસ ખડે પગે રાખવામાં આવી છે.
આંકડાઓ પ્રમાણે, 45 દિવસ સુધી કૃત્રિમ શહેર ઉભું કરવામાં આવ્યું છે. તેમાં 1.5 લાખ ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. 400 કિલોમીટરના રસ્તા બનાવવામાં આવ્યા છે, જેમાં ચેકર્સ પ્લેટ લગાવામાં આવી છે. 70 હજારથી વધુ હાયબ્રીડ અને સોલાર led લાઈટ્સ લગાવામાં આવી છે. 2750 સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે જેનું આઇસીસી દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે. 30 પેટુન બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેથી સ્નાન સમયે લોકોની ભીડ એક જગ્યા ઉપર એકત્રિત ન થાય. આ ઉપરાંત 15000થી વધુ સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે.
આસ્થાનું કેન્દ્ર બનેલા પ્રયાગમાં સમગ્ર વિશ્વમાંથી લોકો મહાકુંભમાં સ્નાન માટે આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સ્લોગન પણ આપવામાં આવ્યું છે કે, ‘કુંભ ચલે, જન્મ જન્માંતર કે પુણ્ય ફલે’. નાગા સાધુઓ દરેક કુંભની જેમ આ વખતે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. જેમાં વર્ષોથી 1.40 લાખ રુદ્રાક્ષધારણ કરેલા બાબા, છેલ્લા 15 વર્ષથી એક હાથ ઉચો રાખીને રહેતા હઠ યોગી પણ મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. દેશનાં દરેક રાજ્યમાંથી આવેલા ભક્તોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી, પ્રયાગની પવિત્ર ધરતી ઉપર થયેલી દિવ્ય અનુભૂતિના અનુભવ કર્યા હતા.