January 7, 2025

પ્રશાંત કિશોરની ધરપકડ, પટનાના ગાંધી મેદાનમાં પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ

Patna: જન સૂરજના વડા પ્રશાંત કિશોરને સોમવારે વહેલી સવારે પટના પોલીસે કસ્ટડીમાં લીધા હતા. તે કથિત BPSC પરીક્ષા પેપર લીક સામે કાર્યવાહીની માંગ સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર હતા. બિહાર પોલીસે પ્રશાંત કિશોરને સવારે 4 વાગ્યે તેમના આમરણાંત ઉપવાસ સ્થળ ગાંધી મૂર્તિ પાસેથી કસ્ટડીમાં લીધા અને એમ્બ્યુલન્સમાં એમ્સ લઈ ગયા.

મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોરે કોઈપણ પ્રકારની સારવાર કરાવવાનો ઈન્કાર કરી દીધો છે અને ઉપવાસ ચાલુ રાખ્યા છે. એઈમ્સની બહાર પટના પોલીસ અને જન સૂરજના વડા પ્રશાંત કિશોરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સમર્થકોનું કહેવું છે કે, પ્રશાંત કિશોર બિહારના લોકો અને વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા હતા. સરકાર આ એકતાથી ડરી રહી છે. તેમની સામે શારીરિક હિંસા નિંદનીય છે.

પટના પોલીસે ગાંધી મેદાનમાં તે જગ્યા ખાલી કરી છે જ્યાં પ્રશાંત કિશોર આંદોલનકારીઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. પટના પોલીસે ગાંધી મેદાનની બહાર આવતા વાહનોનું પણ ચેકિંગ કર્યું હતું. પ્રશાંત કિશોર BPSC અનિયમિતતાઓને લઈને આમરણાંત ઉપવાસ પર હતા, જે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં 2 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારત વિરોધી વલણ અપનાવનાર ટ્રુડોની વધી મુશ્કેલીઓ, આપી શકે છે રાજીનામું

પોલીસ પ્રશાંત કિશોરને એમ્બ્યુલન્સમાં લઈ ગઈ હતી. કસ્ટડીમાં લેવાતા પહેલા, જન સૂરજના વડાએ જણાવ્યું હતું કે પક્ષ BPSC અનિયમિતતાઓને લઈને 7 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. પ્રશાંત કિશોરે કહ્યું કે, અમે વિરોધ ચાલુ રાખીશું કે નહીં તે અમારા માટે નિર્ણયનો વિષય નથી. અમે અત્યારે જે કરી રહ્યા છીએ તે કરવાનું ચાલુ રાખીશું, તેમાં કોઈ ફેરફાર થશે નહીં.