December 19, 2024

પાંડેસરામાં બોગસ ડોકટરની તપાસમાં પ્રસાદ દુબે અને બબલુ શુક્લા બોગસ ડોક્ટર સાબિત

અમિત રૂપાપરા, સુરત: ડોક્ટરને લોકો ભગવાનનું સ્વરૂપ માને છે. કારણ કે ભગવાન વ્યક્તિનું સર્જન કરે છે અને ત્યારબાદ મનુષ્ય શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો તેનો ઈલાજ ડોક્ટરો દ્વારા કરવામાં આવે. કેટલાક બોગસ તબીબો દર્દીઓનો ઈલાજ કરતા હોય અને આવી ઘટનામાં દર્દીના મોત થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આવી જ ઘટના ફરી એક વખત સુરતમાં સામે આવી છે. જેમાં 2 બોગસ અને 1 ગુનાહિત ઇતિહાસ ધરાવતા તબીબે સાથે મળીને પાંડેસરા વિસ્તારમાં મલ્ટીપેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી દીધી. આ મલ્ટીપેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ હોવાના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા 24 કલાકમાં જ આ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી.

મામલો સામે આવ્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી 3માં બોગસ ડોક્ટરોએ મલ્ટીપેશાલિટી હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હોવાનું મામલો સામે આવ્યો છે. ડોક્ટર બી આર શુક્લા, આર.કે દુબે અને જીપી મિશ્રા દ્વારા જનસેવા મલ્ટીપેશિયાલિટી નામની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. 17 નવેમ્બર 2024ના રોજ હોસ્પિટલનું ઉદઘાટન થયું હતું. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ જ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ બોગસ તબીબોએ ઉભી કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. આ બોગસ ડોક્ટરની વાત કરવામાં આવે તો ડોક્ટર બબલુ શુક્લા અગાઉ SOGના હાથે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ચૂક્યો છે. તો બીજી તરફ રાજારામ દુબે અગાઉ પાંડેસરા પોલીસ સ્ટેશનના હાથે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાયો હતો. ડોક્ટર જી.પી. મિશ્રા 2022માં દારૂની ફેક્ટરીના કેસમાં પોલીસના હાથે ઝડપાયો હતો.

લોખંડના સળિયાથી તૈયાર
જે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે તેમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લગાવવામાં આવી છે. પરંતુ મોટર સાથે પાણીની ટેન્ક સાથે જે જોડાણ કરવાનું હોય છે. તે જોડાણ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત ફાયર એક્સ્ટ્રિંગરની અલગ અલગ બોટલો છે. અલગ અલગ જગ્યા પર મુકવાની હોય છે. તે મૂકવામાં આવી ન હતી. એટલે ફાયરના સાધનોની પણ અછત અહીં જોવા મળી હતી. તો બીજી તરફ હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટ અને એન્ટ્રી માટે એક જ ગેટ બનાવવામાં આવ્યો હતો. જો આ એક ગેટ આગની ઘટનામાં બંધ થાય તો હોસ્પિટલની બહાર નીકળવાનો વૈકલ્પિક રસ્તો દર્દીઓ માટે કોઈપણ પ્રકારનો ન હતો. આ ઉપરાંત બીજી તરફ બીજા માળ પર જે ઇમરજન્સી એક્ઝિટ માટે પહેલા માળ સુધી પહોંચવા જે સીડી તૈયાર કરવામાં આવી છે તે સીડી પણ હલકી ગુણવત્તાવાળા લોખંડના સળિયાથી તૈયાર કરવામાં આવી છે.

પોલીસની પૂછપરછમાં ખુલાસાઓ
મહત્વની વાત એ કહી શકાય કે હોસ્પિટલનું ઉદઘાટન થયા ના 24 કલાકમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવના કારણે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા હોસ્પિટલના સંચાલક તેમજ ડોક્ટરોને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસની પૂછપરછમાં કેટલાક ખુલાસાઓ પણ થયા છે. પાંડેસરા પોલીસ દ્વારા આ ડોક્ટરોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, બબલુ શુક્લા અને રાજારામ પ્રસાદ દુબે આ બંને નકલી ડોક્ટર છે અને પોતે નકલી ડોક્ટર હોવા છતાં પણ પોતાનું દવાખાનું ચલાવતા હતા અને અગાઉ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે. આ બંને ડોક્ટર સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે. તો બીજી તરફ ડોક્ટર ગંગાપ્રસાદ એટલે કે જીપી મિશ્રા પોતાને બીએચએમએસ ડોક્ટર કહી રહ્યો છે અને એટલા માટે પોલીસે હવે આ ડોક્ટરની ડિગ્રી બાબતે પણ તપાસ કરી છે.

આ પણ વાંચો: રામ મોકરિયાની રજૂઆતનો પડઘો પડ્યો, સસ્તા અનાજની દુકાનમાં ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા

પોલીસે તપાસ શરૂ કરી
તો ગંગાપ્રસાદ સામે અગાઉ નવસારી વાંસદા મહુવા અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રોહિબીશન એક્ટ હેઠળ ગુના દાખલ થયા છે. તો બીજી તરફ હોસ્પિટલના અન્ય ડોક્ટર કે જે md હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમની ડિગ્રીની પણ તપાસ થશે. તો હોસ્પિટલ માલિક પ્રમોદ તિવારીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે તે પોતે રીટાયર્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે અને આ પ્રમોદ તિવારી કયા પોલીસ સ્ટેશનમાં અને ક્યારે ફરજ બજાવતા હતા તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રમોદ તિવારીના પુત્ર ધવલ પાસે મેડિકલ નું લાયસન્સ છે અને હવે હોસ્પિટલ નું લાઇસન્સ છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવા માટે પોલીસ આરોગ્ય વિભાગની મદદ લેશે.