December 17, 2024

પ્રફુલ પાનસેરિયાએ બોર્ડની પરીક્ષાને લઈને તપાસી ટેકનિકલ કામગીરી

ગાંધીનગર: આજથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રૂબરૂમાં મુલાકાત લઇ ટેકનિકલ કામગીરી નિહાળી હતી.

વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ
આજે રાજયમાં આરંભ થયેલ એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષા માટે 1,634 કેન્દ્ર ખાતે 5,378 બિલ્ડીંગમાં જરૂરિયાત મુજબના 54,294 બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 15,39,039 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા વિધાર્થીઓના જીવન કેરિયર માટે યુટર્ન છે. માટે તમામ બિલ્ડીંગની માહિતી ટેકનોલોજીના માઘ્યમથી જીવંત માહિતી મેળવવામાં આવી રહી છે.

આ માહિતી મેળવી
બોર્ડ પરીક્ષાની આ કામગીરી અંતર્ગત પ્રશ્નપત્રના શીલબંધ કવર જે વાહનમાં જાય છે તે વાહન નંબર, ટ્રેકિંગ, સમય અને કોણે પ્રાપ્ત કર્યું તે પ્રાપ્ત કર્યા પછી સરકારી અધિકારી, આચાર્ય અને વર્ગના નિરીક્ષકની સહી બંધકવર પર લઈ તેમનો ફોટો અપલોડ કરવાનો રહે છે. આ વાતની પુષ્ટિ કરતા ફોટોગ્રાફ સાથેની તમામ માહિતી મેળવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર કલેક્શન કરી પેકિંગ સાથે નિયત સમય મર્યાદામાં તમામ રિપોર્ટિંગ કેન્દ્ર પર ઉત્તરવહી આવી જાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાર્થીઓને સહેજ પણ તકલીફ ન પડે એવું આયોજન દરેક જિલ્લા અધિકારી અને કલેક્ટરશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, તેની પણ વિગતવાર માહિતી મેળવી હતી.

મૂંઝવણનું માર્ગદર્શન
પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ કર્મચારીઓની સુરક્ષા, વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા- જવવા માટે ખાસ બસો તેમજ મેડિકલની સુવિધા આપવામાં આવી છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યા છે. તણાવમુકિત માટે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોનું સમાધાન કરી શકે તે અર્થે હેલ્પલાઇન નંબર1800 233 5500 શરુ કરવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણનું માર્ગદર્શન મેળવી શકે છે.