December 22, 2024

ગિરનાર પર્વત પર વીજ સમસ્યા ઉકેલાઈ, 11 કેવી વીજ કેબલ પ્રોજેક્ટનું લોકાર્પણ

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢમાં ગિરનારની તળેટીથી અંબાજી મંદિર સુધી 11 કેવી વીજ કેબલના પ્રોજેક્ટનું રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગિરનાર પર્વત પર માં અંબાજીના દર્શન કરી પૂજા અર્ચના કરીને આરતી કરી હતી. ઉર્જા મંત્રી સાથે સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય સંજય કોરડીયા સહીતના નેતાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ 11 કેવી ટ્રાન્સ્ફોર્મર સેટનું અનાવરણ કર્યું હતું, બાદમાં તળેટીમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ગિરનાર પર્વત પર વીજ પુરવઠો હતો જ પરંતુ દુર્ગમ વિસ્તાર અને વાતાવરણના કારણે લો વોલ્ટેજ તથા ડેમેજની સમસ્યા રહેતી હતી, ગિરનાર પર્વત પરની ધાર્મિક જગ્યાઓમાં અવારનવાર વીજ પુરવઠાની સમસ્યા સર્જાતી હતી, અનેક દિવસો અંધારામાં પૂજા અર્ચના અને આરતી કરવા પડતાં હતા, આ ઉપરાંત વીજળી જીવન જરૂરી હોય અનેક રીતે ગિરનાર પર્વત પર વસવાટ કરતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે આ તમામ સમસ્યાનો અંત આવ્યો છે.

પીજીવીસીએલના ગીરનાર પર્વત પર 3672 ફૂટની ઉંચાઈ પર અંબાજી મંદીર સુધી અન્ડર ગ્રાઉન્ડ કેબલને એચ.ડી.પી.ઇ.પાઇપ માંથી પસાર કરીને પાથરવાનું કામ 7.92 કરોડના ખર્ચે પૂર્ણ થયું સાથે ગીર સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ અને પ્રાંચી સબ ડિવીઝનમાંથી વિભાજીત કરેલ સુત્રાાપડા સબ ડિવીઝનની કચેરીનું 1.07 કરોડના ખર્ચે કામ પૂર્ણ થતાં રાજ્યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઈ લોકાર્પણ કરી તક્તીનું અનાવરણ કરવામાં આવ્યુ, આજે શારદીય નવરાત્રીનું પહેલું નોરતું હોય ગિરનાર પર્વત પર બિરાજમાન માઁ અંબાજીના દર્શન, પૂજન આરતી કરીને ઉર્જામંત્રીએ 100 કીલોવોટનાં ટ્રાન્સફોર્મર સેટનું અનાવરણ કર્યું હતું બાદમાં ભવનાથ તળેટીમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ગિરનાર પર્વત પર કુલ સાત જગ્યાએ વિવિધ ક્ષમતાનાં ટ્રાન્સફોર્મર સાથે 11 કીલોવોટનો વિજ કેબલ પાઇપ માંથી પસાર કરીને નાખવામાં આવ્યો છે, ગિરનાર પર્વત પર અંબાજી મંદિર, માલી પરબ, જૈન દેરાસર,ગૌમુખી ગંગા, જટાશંકર મહાદેવ મંદિર વગેરે સ્થળોએ હવે વીજ પુરવઠો અવિરત ઉપલબ્ધ થશે અને લો વોલ્ટેજની સમસ્યાથી પણ છુટકારો મળશે. પીજીવીસીએલ માટે આ પ્રોજેક્ટ એક પડકાર સમાન હતો કારણ કે સૌથી ઉંચાઈ પર કામ કરવાની આ પ્રથમ ઘટના હતી જે સુપેરે પાર પડી હતી.

પીજીવીસીએસ રાજ્યની 33 ટકા જનતાને વીજ પુરવઠો પુરો પાડે છે, જેમાં 13 જીલ્લા, 91 શહેરો અને 5700 ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે, ગુજરાતનાં પવિત્ર યાત્રાધામો અને સમુદ્રી કિનારાના વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો મળી રહે તે હેતુ આ બે મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગિરનાર પર્વત પર 7.92 કરોડના ખર્ચે 11 કેવી અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈન, સુત્રાપાડા ખાતે વિભાગીય કચેરી નું લોકાર્પણ કરવામાં આવ્યું, આગામી સમયમાં ગીર સોમનાથ જીલ્લામાં સુમુદ્રની ખારાશને કારણે વીજ વાયરોને થતાં નુકશાન અને તેને કારણે લોકોને પડતી હાલાકી પણ દૂર થશે અને આગામી સમયમાં સમુદ્ર કિનારે 11 કેવીની અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈન કાર્યરત થશે.