પોરબંદર મહાનગરપાલિકાએ લોકોના ઘરે જઈ ઢોલ વગાડી વેરો ઉઘરાવ્યો!
સિધ્ધાર્થ બુધ્ધદેવ, પોરબંદરઃ હવે મહાનગરપાલિકાએ વેરા વસૂલાતની શરૂઆત કરી છે. વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા લોકોના ઘરે ઢોલ વગાડી ઉઘરાણી કરવા પહોંચી છે. ક્યાંક નોટિસો ચોંટાડી તો ક્યાંક પાણી કનેક્શન કાપવાની પણ તૈયારીઓ કરી છે. પરંતુ લોકો પાસેથી વેરાની આકરી વસૂલાત કરનારી પાલિકાનું તંત્ર 3 મોટી ફેકટરી પાસેથી 13 કરોડ રૂપિયાની વસૂલાત કરી શક્યું નથી.
35 કરોડથી વધુનો ટેક્સ બાકી
સામાન્ય રીતે શુભ પ્રશ્નગોમાં ઢોલ વાગતા હોય છે અને લોકો ઢોલનો અવાજ સાંભળી જોવા નીકળતા હોય છે. ત્યારે પોરબંદરમાં કંઈક અલગ દ્રશ્યો સર્જાયા છે. પાલિકાનો સ્ટાફ ઢોલ વગાડીને વેરા વસૂલાત કરવા નીકળ્યો છે. પાલિકાના ઢોલના અવાજ સાંભળી કેટલાય લોકો વેરા ભરવા ભાગવા લાગ્યા છે. ત્યારે પોરબંદર-છાયા મહાનગરપાલિકાનો કુલ 35.77 કરોડનો હાઉસ ટેક્સ વસૂલ કરવાનો બાકી છે. જેમાંથી હાલ અંદાજે 11.02 કરોડ રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે. જ્યારે 24.75 કરોડની વેરા વસૂલાત બાકી છે. વેરો નહીં ભરનારા કુલ 90,000 લોકોને પાલિકાએ નોટિસ ફટકારી છે. કુલ 70 જેટલી બિલ્ડીંગને સીલ કરવાની કામગીરી કરી છે.
ઢોલ વગાડી પઠાણી ઉઘરાણી ચાલુ કરી
તો બીજી તરફ, પોરબંદરની બિરલા ફેકટરી, મહારાણા મિલ અને એસએસસી ફેકટરીનો કુલ મળીને 13 કરોડ જેટલો વેરો બાકી છે. આ 3 કંપની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાલિકા ઘણાં સમયથી લોકોના ઘરે દુકાને ફરીને લાઈટ, પાણી, હાઉસ ટેક્સના વેરા ભરવા અપીલ કરે છે. નોટિસો અને સીલ મારવાની કામગીરી કરે છે, છતાં લોકોની વેરા ભરવાની ઉદાસીનતા સામે પાલિકાએ હવે ઢોલ વગાડી પઠાણી ઉઘરાણી કરવાની કામગીરી શરૂ કરી છે.