પોરબંદરમાં ભારે વરસાદ; ઘેડમાં ખેતરો દરિયો બન્યાં, બેઠો પુલ પાણીમાં ગરકાવ
પોરબંદરઃ છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા સૌરાષ્ટ્રમાં તાંડવ મચાવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રભરના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. તેને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઘણી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો ઘણી જગ્યાએ આખેઆખા ગામ બેટમાં ફેરવાઈ ગયા છે.
પોરબંદરનો ઘેડ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. પોરબંદરનું ગેરેજ ગામ હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાથી નદીઓનાં જળસ્તરમાં વધારો થયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ઘેડમાં આવેલા તમામ ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે.
પોરબંદર શહેરની વાત કરવામાં આવે તો, ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. છાયા ગામમાં આવેલા એસીસી રોડ નજીક પાણી ભરાઈ ગયા છે. ત્યારે સ્થાનિકોમાં પણ ભરાયેલા પાણીનો નિકાલ ન કરવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે અને તંત્ર જોડે વહેલી તકે પાણીના નિકાલ માટે માગણી કરી છે.
આ પણ વાંચોઃ ભારે વરસાદને કારણે 9 સ્ટેટ હાઇવે બંધ, કુલ 325 રસ્તા બંધ
આ ઉપરાંત પોરબંદરના છાંયા ગામને જોડતો બેઠા પુલ પર પણ પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસમાં વધુ વરસાદ થતાં બેઠો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણીનો નિકાલ કર્લી જળાશય થઈ સમુદ્રમાં મળે છે. આ વિસ્તારની આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ પુલ છાંયા રધુવંશી સોસાયટીથી સાંદિપનીને જોડે છે. આ રસ્તો હાલ પાણીને કારણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.