December 28, 2024

PHOTOS: પોરબંદરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ક્યાંક વાહનો ડૂબ્યાં તો ક્યાંક છાતીસમા પાણી

પોરબંદરઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાંખી છે. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.

પોરબંદરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. રોકડિયા હનુમાન મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાયા છે.

ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી છે.

તો જિલ્લાના ભારવાડ ગામના વાડી વિસ્તારમાં મકાન ડૂબ્યું છે. વધુ પાણીના પ્રવાહને કારણે મકાન પાણીમાં ડૂબી ગયું છે. ત્યારે મકાનમાં રહેતો પરિવાર છત પર જીવ બચાવવા માટે પહોંચ્યો હતો.

પરિવારના 6 સભ્યો મકાનની છત પર દોડી ગયા હતા. ફાયરવિભાગને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. પોરબંદરમાં 13 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે.

પોરબંદર જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત્ છે. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. પોરબંદરમાં યુગાન્ડા રોડ ઉપર ઝાડ પડતા બે ગાડીને નુકસાન પહોંચ્યું છે.

બરડા પંથકમાં વીજળીના ચમકારા સાથે વરસાદી જમાવટ જોવા મળી છે. બરડા પંથકના મજીવાણા, સોઢાણા, મોઢવાડા, ફટાણા સહિતના અનેક ગામોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.