December 28, 2024

પોરબંદર મેઘતાંડવ: ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કરી પૂરની સ્થિતિની સમીક્ષા

પોરબંદર: ભારે વરસાદના કારણે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નરસંગ ટેકરી, રોકડીયા હનુમાન મંદિર, રાજીવ નગર, બોખીરા સહિતના વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતીની સમીક્ષા કરી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ટેલીફોનીક રજુઆતના પગલે સિંચાઈ મંત્રી કુવંરજી બાવળીયાએ 50 અને 100 હોર્સ પાવરના પાણી ખેંચવાના પંપો પોરબંદર પહોંચાડવા સુચનાઓ આપી હતી.

ભારે વરસાદના કારણે પોરબંદર શહેરમાં નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને છાયા, નરસંગ ટેકરીની આસપાસનો વિસ્તાર, રાજીવનગર, ખાપટમાં રોકડીયા હનુમાન પાછળનો વિસ્તાર, ઘાસ ગોડાઉનની આજુબાજુનો વિસ્તાર, બોખીરા, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે આજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ તમામ વિસ્તારોની મુલાકાત કરીને સ્થિતીની સમીક્ષા કરી હતી. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક તંત્ર અને નગરપાલિકા સાથે મળીને પાણીનો નિકાલ ઝડપથી થાય અને કોઈ જગ્યાએ બ્લોકેજ હોય તો નિકળી જાય તે માટે પુરતા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અત્યારે વરસાદ ચાલુ છે તે જોતા વધારે વ્યવસ્થાની જરૂર પડે તેવી સ્થિતી હોવાથી પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઈ મંત્રી કુવંરજી બાવળીયા સાથે વાત કરીને જે 50 અને 100 હોર્સ પાવરના પાણી ખેંચવાના પંપો પોરબંદર પહોંચાડવા વિનંતી કરી હતી. જેને ધ્યાનમાં રાખી મંત્રી કુવંરજીએ પંપો ઝડપથી પોરબંદર પહોંચતા કરવા સુચના આપી દીધી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર કેમિકલ અને અન્ય ઉદ્યોગગૃહો પાસેથી પાણી ખેચવાના પંપ મેળવીને પાણીના નિકાલ માટે પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદરના તમામ લોકો વહીવટી તંત્રને સહકાર આપી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી જે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તે તમામ લોકો અને અન્ય જરૂરીયાતમંદ લોકો માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરફથી રાહત રસોડુ પણ લોહાણા મહાજનની વંડી ખાતે શરૂ કરવામાં આવેલ છે અને લોકો સુધી ફુડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલીક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો છે, તેમજ અમુક વિસ્તારોમાં મેઈન લાઈનમાં ભારે વરસાદના કારણે નુકશાન થતા વીજ સપ્લાય બંધ કરવાની ફરજ પડી છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે PGVCL નું સ્થાનિક વહિવટી તંત્ર વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા પુરતા પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ આવી કુદરતી આફતમાં થયેલ નુકશાનને પહોંચી વળવા સ્થાનિક સ્ટાફ ઓછો પડે તે સ્વાભાવીક છે. આ મામલે મેં રાજ્ય સરકારના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ટેલીફોનીક વાત કરી છે. તેમને મને ખાતરી આપી છે કે આજ સાંજ સુધીમાં ઉચ્ચ અધિકારીના નેતૃત્વમાં ટીમોને પોરબંદર મોકલી દેવામાં આવશે. પોરબંદરમાં જે કંઈ વીજ ફોલ્ટ સર્જાયા છે તે તાકીદે રીપેર કરવાની સુચના અપાઈ છે. ટુંક સમયમાં જ્યાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે તે ફરી કાર્યરત થાય તે માટે શક્ય તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ મને ફોન કરીને પોરબંદરમાં પડેલ ભારે વરસાદ અને ત્યારબાદની પરિસ્થિતી અંગે વિસ્તૃત માહિતી મેળવી છે. તમણે આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કક્ષાએથી જે પણ મદદની જરૂર હોય તે તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી છે. તેમજ પોરબંદરમાં જિલ્લા વહિવટી તંત્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને જલ્દીથી પોરબંદરમાંથી પાણીના નિકાલ અને ત્યાર બાદની પરિસ્થિતીને પહોંચી વળવા તમામ પગલા લેવાની સુચના આપી છે. સાથે જ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સહકાર આપવા માટે તમામ નાગરિકોનો આભાર માન્યો હતો.