ઇરાનથી આવ્યું ડ્રગ્સ, પાકિસ્તાને મદદ કરી હોવાની આશંકા
પોરબંદરઃ ગુજરાત રાજ્યના દરિયાકિનારેથી છેલ્લા એક વર્ષમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એકવાર મધદરિયેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATS, ભારતીય નેવી અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે, ચરસ અને અન્ય ડ્રગ્સના જથ્થા સહિત 3100 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સની કુલ કિંમત અંદાજે 2000થી 2500 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
આ મામલે NCBએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દરિયાઈ માર્ગે 3270 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે 2000 કરોડ રૂપિયા જેટલી છે. ઇરાનથી આવતી બોટમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ઉપરાંત 5 જેટલા નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગઈકાલે બાતમીને આધારે વહેલી સવારે જહાજને રોકવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ કાંડમાં પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, ઈરાનના ચબાહાર પોર્ટથી ડ્રગ્સ આવવાની આશંકા છે. ડ્રગ્સ અફઘાનિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું. આરોપીઓ પાસેથી 4 જેટલા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.