December 22, 2024

પોપ ફ્રાન્સિસે સમલૈંગિકો લોકો માટે અપમાનજનક શબ્દ કહ્યા હોવાનો દાવો

ઇટાલીઃ પોપ ફ્રાન્સિસે ગે લોકો માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, પોપ ફ્રાન્સિસ ઇટાલિયન બિશપ સાથે બંધ દરવાજે બેઠક કરી રહ્યા હતા. આ જ મીટિંગમાં તેણે હોમોસેક્સ્યુઅલ લોકો માટે ઈટાલિયનમાં અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ઈટાલીની મીડિયા સંસ્થાઓએ આ દાવો કર્યો છે કે, પોપ ફ્રાન્સિસે કહ્યુ હતુ કે, સેમિનારી અથવા ધાર્મિક સંસ્થાઓ સમલૈંગિકોથી ભરેલી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ નિવેદનમાં પોપ ફ્રાન્સિસે સમલૈંગિકો માટે ઇટાલિયન શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને ઇટાલિયન ભાષામાં અત્યંત અપમાનજનક માનવામાં આવે છે. જો કે, આ આરોપો પર વેટિકન દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સમાં અજાણ્યા બિશપ અને અજાણ્યા સ્ત્રોતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આર્જેન્ટિના મૂળના પોપ ફ્રાન્સિસને કદાચ ઇટાલિયન શબ્દનો અર્થ ખબર નહીં હોય, તેથી જ તેમણે અજાણતામાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

સમલૈંગિકો પ્રત્યે પોપ ફ્રાન્સિસનું વલણ ઉદાર રહ્યું છે
અહેવાલો અનુસાર, આ ઘટના 20 મેના રોજ બની હતી. જ્યારે પોપ ફ્રાન્સિસ ઈટાલીના બિશપ્સની કોન્ફરન્સમાં સામેલ થયા હતા. 87 વર્ષીય પોપ ફ્રાન્સિસ પર હવે સમલૈંગિકો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે, પરંતુ પોપ ફ્રાન્સિસ રોમન કેથોલિક ચર્ચમાં સમલૈંગિકો પ્રત્યે ઉદાર વલણ રાખવા માટે જાણીતા છે. 2013માં પોપ ફ્રાન્સિસે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘જો કોઈ વ્યક્તિ સમલૈંગિક છે અને ભગવાનની શરણ મેળવવા માગે છે, તો તે ભગવાનની ઇચ્છા છે અને હું તેનો ન્યાય કરનાર કોણ છું.’ ગયા વર્ષે જ તેમણે ચર્ચના પાદરીઓને ગે યુગલોને પણ આશીર્વાદ આપવા સૂચના આપી હતી. જો કે, તેમના આ પગલાંની કેટલાક કટ્ટરવાદીઓ દ્વારા ટીકા પણ કરવામાં આવી હતી.