કેફેમાં પોલીસે રેડ કરતા 2 યુવતીએ બારીમાંથી છલાંગ લગાવી
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુરના ન્યુ બસપોર્ટમાં પ્રથમ માળે આવેલ કેફેમાં પોલીસની રેડ પડતાં કેફેમાં બેઠેલ બે યુવતીઓએ ટોયલેટની બારી માંથી છલાંગ લગાવતા બન્ને યુવતીઓ ભોંયરામાં પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતમાં અનેક શહેરોના બસપોર્ટ અને શોપિંગ સેન્ટરોમાં કેફેનું ચલણ વધ્યું છે. યુવક-યુવતીઓ એકાંત સમય પસાર કરવા માટે આવા કેફેનો સહારો લેતા હોય છે, જ્યાં બનાવેલ બોક્સમાં બેસવા માટે કેફે માલિકો યુવક-યુવતીઓ પાસેથી કલાકના 200 થી 500 રૂપિયાનું તગડું ભાડું વસુલતા હોય છે. જોકે પાલનપુરના ન્યુ બસપોર્ટના પહેલા માળે આવેલા ફર્સ્ટ ડેટ કેફેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ અચાનક તપાસ માટે જતા કેફેમાં બેઠેલ યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી.
બે યુવતીઓએ પોલીસના ડરના કારણે કેફના પાછળના ભાગે આવેલ ટોયલેટની બારીમાંથી નીચે છલાંગ લગાવતા બન્ને યુવતીઓ નીચે ભોંયરામાં જઈને પટકાઈ હતી જ્યાં બે માળ સુધીના અંતરથી નીચે પટકાતા યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને 108 દ્વારા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે યુવતીઓની છલાંગ બાદ ત્યાં અફરાતફરી સર્જતાં કેફેમાં રહેલ અન્ય યુવક-યુવતીઓ પણ ત્યાંથી ફરાર થઇ જતા સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.