May 19, 2024

દોઢ વર્ષની માસૂમ બાળકીને પીંખનાર આરોપીને પોલીસે દબોચ્યો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતાં આરોપીએ દોઢ વર્ષની બાળકીને બિસ્કિટ ખવડાવવાના બહાને પોતાના ઘર નજીક લઇ જઇ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વાડજ પોલીસે પશ્ચિમ બંગાળના આ આરોપીની કરી ધરપકડ કરી છે. માસૂમ દીકરીની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં ખસેડાઇ છે. વાડજ પોલીસે દુષ્કર્મનો કેસ નોંધી આરોપીની ઘરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળનો આરોપી જય હલદરએ દોઢ વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાડજ વિસ્તારમાં રહેતા એક પરિવારની દોઢ વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી ત્યારે આરોપી જય ત્યાંથી પસાર થયો અને બાળકીને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપીને પોતાના ઘર નજીક લઈ ગયો અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી ચીસાચીસ કરતા આરોપી બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં કપડાં પહેરાવીને બહાર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ દરમ્યાન દોઢ થી બે કલાક સુધી બાળકી નહીં મળતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી ત્યારે બાળકી આરોપીના ઘર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.

બાળકી હવે ઘર આંગણે પણ સુરક્ષિત નથી
બી ડિવિઝનના એસીપી એચ એમ કણસાગરાના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપી જય હલદર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેના માતા પિતા અને 4 ભાઈ બહેન પશ્ચિમ બંગાળમાં રહે છે. 34 વર્ષનો આરોપી જય રોજગારી મેળવવા માટે 7 મહિના પહેલાં અમદાવાદ આવી ગયો હતો અને છૂટક મજુરી કરતો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ દોઢ વર્ષની બાળકી એકલી રમી રહી હતી તે જોઈને આરોપીએ દુષ્કર્મ કરવાના ઇરાદે દુકાનમાંથી બિસ્કિટ ખરીદ્યુ હતું. બે દિવસથી આરોપી બાળકીને બિસ્કિટ ખવડાવીને તેની નજીક જતો હતો. ગઈ કાલે જ્યારે બાળકી એકલી રમી રહી હતી ત્યારે તક મળતા તેને દુષ્કર્મ આચર્યું હતું.

વાડજ પોલીસે બાળકી અને આરોપીનું મેડીકલ તપાસ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં કહ્યું કે માસૂમ બાળકી હવે ઘર આંગણે પણ સુરક્ષિત નથી. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની હતી. દોઢ વર્ષથી માસૂમ દીકરી સાથે આ કૃત્ય થતા પરિવારમાં રોષે ભરાયા છે. બીજી બાજુ વાડજ પોલીસે દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપીએ અગાઉ અન્ય કોઈ સાથે આવું કૃત્ય કર્યું છે કે નહીં તે દિશા માં તપાસ શરૂ કરી છે.