December 23, 2024

વિદેશ મોકલવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે દબોચ્યો

મિહિર સોની, અમદાવાદ: દિવસે ને દિવસે આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે. સતત લોકો ભણવા અને સ્થાયી થવા માટે વિદેશના સ્વપ્ન જોઇ રહ્યાં છે. વિદેશમાં ભણવા અથવા સ્થાયી થવાના કિસ્સાઓમાં કેટલાંક લોકોને છેતપિંડીનો સામનો પણ કરવો પડે છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપીને ઠગાઈ કરનાર એજન્ટની પોલીસે ધરપકડ કરી છે. માહિતી અનુસાર વડોદરાના એક યુવકને કેનેડા મોકલવાના નામે 14.45 લાખની છેતરપિંડી કરી છે. જેમાં દિલ્હી અને કોલકતાના એજન્ટની સંડોવણી સામે આવતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

વિદેશ મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક પાસેથી રૂ. 14.45 લાખ ખંખેરી લેનાર એજન્ટ સૌરભ મધુવર્ષીની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ખોખરામાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું ખુલ્યું છે. માહિતી અનુસાર આરોપીએ કોલકાતામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપીને એક વર્ષ સુધી અલગ અલગ બહાના કરી રૂપિયા 14.45 લાખ પડાવ્યા હતા, એટલું જ નહીં આરોપીએ કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએઈના વર્ક પરમીટના બનાવટી કોલ લેટર મોકલીને ધ્રુવ પટેલ પાસેથી પૈસા લીધા હતા. ખોખરા પોલીસે આ વિઝા કૌભાંડ કેસમાં આરોપી સૌરભ મધુર્વશી અને રોહિત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કેનેડા મોકલી આપવા માટે રૂ. 12 લાખ માગ્યા
ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે અગાઉ પણ આરોપી સૌરભ મધુવર્ષી વિરુદ્ધ જમીન છેતરપીંડી અને વિઝાના નામે છેતરપિંડીની અનેક ફરિયાદ થઇ છે. વધુમાં પીઆઇએ જણાવ્યું કે આ કેસમાં ધ્રુવ પટેલ નામનો 23 વર્ષીય યુવક વડોદરામાં પરિવાર સાથે રહે છે. ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તે વિદેશ જવાના સપના સેવી રહ્યો હતો. આ દરમ્યાન ધ્રુવ પટેલ વડોદરામાં સ્વામિનારાયણ મંદિર ગયો હતો, ત્યાં તેની મુલાકાત શૈલેષભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે થઈ હતી અને તેના સંપર્કથી 2023માં સૌરભના પરિચયમાં આવ્યો હતો. શરૂઆતમાં ધ્રુવે પોતે યુકે જવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ ઠગ સૌરભે યુકેમાં હાલ વર્ક વિઝા નથી મળતાં તેમ કહીને કેનેડામાં વર્ક વિઝા મળી જશે તેમ કહીને ધ્રુવને વાતોમાં ભોળવી દીધો હતો અને ધ્રુવ પટેલે કેનેડા જવા તૈયારી બતાવી હતી. ત્યારબાદ આરોપીએ કેનેડા મોકલી આપવા માટે રૂ. 12 લાખ માગ્યા હતા.

ધ્રૂવ પટેલે પિતાના એકાઉન્ટમાંથી વર્ષ 2023ના જૂન મહિનામાં 75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ આરોપીએ અલગ અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભે અને તેના સાથીએ ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં રૂ. 14 લાખ 45 હજાર પડાવી લીધા હતા. પૈસા આપ્યા બાદ કોઈપણ જાતના સ્ટેમ્પિંગ વિનાનો પાસપોર્ટ બંનેએ કુરિયર મારફતે મોકલી આપતા ભાંડો ફૂટ્યો હતો. વધુમાં કહ્યું કે આ કૌભાંડમાં કોલકાતામાં રહેતા રોહિત કુમાર નામના એજન્ટનું પણ નામ સામે આવ્યું છે. કોલકાતા અને દિલ્હીના એજન્ટોના કનેક્શનને લઈને ખોખરા પોલીસે આરોપી સૌરભના 10 દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.