November 26, 2024

વિશ્વ મહિલા દિને ગાંધીનગરમાં પોલીસે કરી મહિલાઓની અટકાયત

મલ્હાર વોરા, ગાંધીનગર: આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિનની ઊજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે પોતાની પડતર માંગોને લઈને આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યકમ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ગાંધીનગર પોલીસે વિરોધ પ્રદશન માટે મજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાંય ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં આશા વર્કર મહિલાઓ એકત્રિત થઈ હતી. આથી ગાંધીનગર પોલીસે એ તમામ મહિલાઓની અટકાયત કરી હતી.

મહત્વનું છેકે, મહિલા શક્તિ સેના પ્રમુખ ચન્દ્રિકા બેન સોલંકીના નેજા હેઠળ આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોને લઈને આંદોલન જાહેર કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે મોટી સંખ્યમાં આશા વર્કર મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થાય તે પહેલાં પોલીસે પોતાનો કાફલો તૈનાત કરી દીધો હતો..

આશા વર્કર મહિલાઓ છેલ્લા કેટલાક સમયથી સરકાર સમક્ષ પોતાની પડતર માંગોની રજુઆત કરી રહ્યા છે. જેમાં આશા વર્કર બહેનોનું મહેકમ અને ફેસેલિટર નક્કી કરવામાં આવે, ઇનસેટિવની બંધારણીય ગેર પ્રથા બંધ કરવામાં આવે, બંધારણ મુજબ લઘુતમ વેતન આપવામાં આવે, આશા વર્કર બહેનોને પ્રસુતિની રજા અને તેનો 180 દિવસનો પગાર ચૂકવામાં આવે, કામોના કલાક નક્કી કરવામાં આવે, આકસ્મિક મૃત્યુમાં 10 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે, બજેટમાં ખાસ જોગવાઇ અને રકમ વધારવામાં આવે તેવી તમામ માંગોને લઈને વારંવાર રજુઆત કરવામાં આવે છે.

આ તમામ માંગણીઓની અનેક વખત કરવા છતાંય સરકાર હકારાત્મક નિણર્ય ન કરતા અંતે મહિલા દિનના દિવસે મહિલાઓ દ્વારા આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંદોલન શરૂ થાય એ પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા તમામ આશા વર્કર બહેનોની અટકાયત કરવામાં આવી હતી.