PM નરેન્દ્ર મોદી ગુજરાતના 10 લાખ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
ગાંધીનગરઃ PM નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન, PM નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા 1.3 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી પણ આજે આ કાર્યક્રમ અંતર્ગત ડીસા ખાતે 3,938 આવાસ યોજનાઓનું લોકાર્પણ કરશે.
PM મોદી 182 વિધાનસભાના 10 લાખ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 180 થી વધુ સ્થળોએ યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ખાતે યોજાશે. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના હજારો લાભાર્થીઓની ભાગીદારી જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 182 વિધાનસભાના 10 લાખ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યકરો અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ જોડાશે.
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે
25 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે
આગામી 25 ફેબ્રુઆરીએ બેટ દ્વારકા ટાપુને ગુજરાતની મુખ્ય ભૂમિ ઓખાથી જોડતા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી રાજકોટ જશે, જ્યાં તેઓ AIIMS હોસ્પિટલની IPDનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ અટલ સરોવર – સ્માર્ટ સીટી અને ઝનાના હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરશે. રાજકોટના હાર્દ સમાન રેસકોર્ષ ગ્રાઉન્ડ પર જાહેરસભા પણ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ સમિટ બાદ વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતને વધુ એક વિકાસની ભેટ આપશે.