PM મોદીની CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત, વરસાદથી સર્જાયેલી તારાજીનો તાગ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વરસાદને કારણે ઘણાં વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ સમગ્ર મામલે માહિતી મેળવી હતી.

ભૂપેન્દ્ર પટેલે એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodiજી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી.’

તેમણે વધુમાં લખ્યું હતું કે, ‘વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.’