December 28, 2024

પીએમએ કર્યો પુતિનને ફોન, શુભેચ્છા પાઠવી કહ્યું- સાથે મળીને કરીશું કામ

દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વ્લાદિમીર પુતિનને રશિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. ક્રેમલિન દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિનને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની વાતચીત મૈત્રીપૂર્ણ રહી. જ્યારે પીએમ મોદીએ વ્લાદિમીર પુતિનને અભિનંદન પાઠવ્યા હતા. તો રશિયન રાષ્ટ્રપતિએ પણ નરેન્દ્ર મોદીને ભારતમાં આગામી ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી હતી. પુતિન અને મોદી વચ્ચે આંતરરાષ્ટ્રીય એજન્ડાના ઘણા મુદ્દાઓ પર પણ વાતચીત કરવામાં આવી હતી. બંને નેતાઓએ પરિસ્થિતિ પર ચર્ચા કરી. ખાસ કરીને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં પણ વાત કરી છે.

બંને નેતાઓએ SCO અને BRICS સહિત બહુપક્ષીય ફોર્મેટમાં રશિયા અને ભારત વચ્ચે વધુ સંકલન અને સહયોગ અંગે પણ વાત કરી હતી. આ સિવાય એમ કહ્યું કે, રશિયા અને ભારત ભરોસાપાત્ર સહયોગી છે. ભવિષ્યમાં પણ બંને દેશો વેપાર, અર્થવ્યવસ્થા, ઉર્જા, વાહનવ્યવહાર અને રોકાણના ક્ષેત્રોમાં એકબીજાને સહકાર આપતા રહેશે.

પીએમ મોદીએ કહ્યું- પુતિન સાથે કામ કરવા આતુર
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત બાદ X પર એક પોસ્ટ કરી છે. મોદીએ તેમની પોસ્ટમાં લખ્યું, “રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને તેમને રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા. અમે આવનારા વર્ષોમાં ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તરણ કરવા આતુર છીએ. “આ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ.” રશિયામાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ દેશના ચૂંટણી પંચે સોમવારે વ્લાદિમીર પુતિનને વિજેતા જાહેર કર્યા છે. પુતિન રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત મેળવીને સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. પુતિનને કુલ 87.29 ટકા મત મળ્યા છે. રશિયન ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લગભગ 76 મિલિયન લોકોએ પુતિનને મત આપ્યો. જે તેમને અત્યાર સુધીમાં મળેલા સૌથી વધુ મત છે. તેમણે જીતનો રેકોર્ડ બનાવ્યો છે.

આ બધાની વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા પણ ભારત આવી રહ્યા છે. તેઓ આ મહિનાના અંતમાં ભારત આવી શકે છે. 2022માં યુક્રેનના આક્રમણ બાદ યુક્રેનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવે તેવો આ પ્રથમ પ્રસંગ છે. દિમિત્રો કુલેબાની આ ટૂંકી મુલાકાત દરમિયાન તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે.