May 6, 2024

Odisha: PM મોદીએ IIM સંબલપુરના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

ઓડિશા: પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના સંબલપુરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું અને સાથે સાથે પીએમ મોદીએ 68,000 કરોડ રૂપિયાના 18 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. IIMનું કેમ્પસ રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સમારોહમાં સીએમ નવીન પટનાયક, રાજ્યપાલ રઘુવર દાસ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.

શૈક્ષણિક સંસ્થાઓ યુવાનોનું જીવન બદલી રહી છે: PM
આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, અમે ઓડિશાને શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું હબ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. છેલ્લા દસ વર્ષોમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ ઓડિશાના યુવાનોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. જેમાં IISER બેરહામપુર હોય કે કેમિકલ ટેક્નોલોજીની સંસ્થા ઓડિશાના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ઘણી ટોચની કક્ષાની સંસ્થાઓ પ્રદાન કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિઓથી ઓડિશાને ઘણો ફાયદો થયો છે. અમે ખાણકામ ક્ષેત્રે કરેલા નવા સુધારાઓથી ઓડિશા મોટો લાભાર્થી છે. માઇનિંગ પોલિસીમાં ફેરફાર બાદ ઓડિશાની આવક દસ ગણી વધી છે.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં કહ્યું કે અડવાણીનું આ સન્માન એ વાતનું પ્રતિક છે કે જેઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન વિતાવે છે તેમને રાષ્ટ્ર ક્યારેય ભૂલતું નથી. લાલ કૃષ્ણ અડવાણીજીનો પ્રેમ અને માર્ગદર્શન મળવાનું સૌભાગ્ય છે. મને આ સતત મળી રહ્યું છે. હું લાલકૃષ્ણ અડવાણીના લાંબા આયુષ્યની કામના કરું છું.”

આ પણ વાંચો : અયોધ્યાથી અડવાણી સુધી, PM મોદીની જીતના નવા સમીકરણો

આ પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો
પીએમએ પાવર, રોડ અને રેલ્વે સંબંધિત અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. IIM કેમ્પસનો શિલાન્યાસ PM મોદીએ 2021માં કર્યો હતો. બીજી બાજુ પીએમ મોદીએ પુરી-સોનપુર-પુરીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. જેના કારણે આ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરશે. તેમણે ઝારસુગુડા હેડ પોસ્ટ ઓફિસની હેરિટેજ ઇમારત પણ રાષ્ટ્રને સમર્પિત કરી છે. તેમણે જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પાઈપલાઈન પ્રોજેક્ટ (JHBDPL) હેઠળ 412 કિમી લાંબી પાઈપલાઈનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ ઓડિશાને નેશનલ ગેસ ગ્રીડ સાથે જોડશે. તેનું નિર્માણ ‘પ્રધાનમંત્રી ઊર્જા ગંગા’ હેઠળ લગભગ 2,450 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.